નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી શરૂ થઇ રહેલા ટી-20 વર્લ્ડકપ (T20 World Cup) પહેલાની ટીમ (Team) પસંદગી દરમિયાન ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની એશિયા કપના પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવી હતી અને તેમાં મિડલ ઓવરો દરમિયાન ધીમી બેટીંગને ચિંતાનો વિષય ગણાવવામાં આવી હતી. બીસીસીઆઇનું માનવું છે કે 7 થી 15 ઓવરની વચ્ચે ભારતીય બેટિંગ ખૂબ જ ધીમી રહી હતી અને તે જ સમસ્યા છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ આગામી ટી-20 વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમના પ્રદર્શનમાં સુધારો કરવાનો હતો. સોમવારે, બીસીસીઆઇએ ટી-20 વર્લ્ડકપ માટે ટીમની પસંદગી કરી તે પહેલા બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે એશિયા કપમાં ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શનને લઈને પસંદગી સમિતિ સાથે વાતચીત કરી હતી.
બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ પીટીઆઈને કહ્યું હતું કે બેઠકમાં એશિયા કપના પ્રદર્શનની ચર્ચા થઈ હતી. જો કે, તે સ્પષ્ટ છે કે ટી-20 વર્લ્ડકપ દરમિયાન સમસ્યાઓ અને શું સુધારવાની જરૂર છે તેના કરતાં ઉકેલો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અધિકારીએ કહ્યું કે બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ મધ્ય ઓવરોમાં ભારતની ધીમી બેટિંગ બાબતે બધાએ સંમત થઇને તેને ગંભીર સમસ્યા ગણાવી હતી.
એશિયા કપ 2022 બેસ્ટ ઇલેવનમાં માત્ર બે ભારતીય ખેલાડીને સ્થાન મળ્યું
નવી દિલ્હી, તા. 13 : તાજેતરમાં જ યુએઇમાં સંપન્ન થયેલા એશિયા કપ 2022માં શ્રીલંકાની ટીમ ચેમ્પિયન બન્યા પછી સ્પોર્ટસ વેબસાઇટ દ્વારા એશિયા કપ 2022ની એક શ્રેષ્ઠ ટીમ બનાવવામાં આવી હતી, આ ટીમમાં ભારતના માત્ર વિરાટ કોહલી અને ભુવનેશ્વર કુમારને જ સ્થાન મળ્યું છે. કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ આ ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી, સાથે જ ટૂર્નામેન્ટમાં સર્વાધિક રન કરનાર પાકિસ્તાની ઓપનર અને વિકેટકીપ બેટ્સમેન મહંમદ રિઝવાનને પણ તેમાં સ્થાન અપાયું નથી.
ચેમ્પિયન બનેલી શ્રીલંકાની ટીમના ચાર ખેલાડીઓને એશિયા કપ 2022ની શ્રેષ્ઠ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેની સાથે જ પાકિસ્તાનના ત્રણ જ્યારે ભારત અને અફઘાનિસ્તાનના બે-બે ખેલાડીઓ આ ટીમમાં સામેલ છે. ટીમમાં સામેલ કુસલ મેન્ડિસે ટુર્નામેન્ટમાં 156.66ના સ્ટ્રાઈક રેટથી 155 રન બનાવ્યા હતા, જ્યારે રહેમાનુલ્લાહે 163.44ના સ્ટ્રાઈક રેટથી 152 રન બનાવ્યા હતા અને ત્રણ કેચ પકડ્યા હતા. વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટમાં 147.59ના સ્ટ્રાઈક રેટથી 276 રન બનાવ્યા હતા. ઇબ્રાહિમ ઝાદરાને મધ્ય ઓવરોમાં ઉપયોગી બેટિંગ કરી, જ્યારે ભાનુકાએ દર્શાવ્યું હતું કે તે અંતિમ મેચમાં શું કરી શકે છે. શનાકાને આ ટીમનું સુકાન સોંપાયું હતું.
એશિયા કપ 2022ની શ્રેષ્ઠ ઇલેવન : કુસલ મેન્ડિસ, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), વિરાટ કોહલી, ઇબ્રાહિમ ઝાદરાન, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા (કેપ્ટન), વનિન્દુ હસરંગા, મહંમદ નવાઝ, ભુવનેશ્વર કુમાર, હારિસ રઉફ, નસીમ શાહ.