અમેરિકાના જ્યોર્જિયામાં મસાજ પાર્લર પર મંગળવારે થયેલા ગોળીબારોમાં છ એશિયન મહિલાઓના મોત થયા તેના પછી આ મૃતકોના માનમાં અમેરિકામાં અનેક સ્થળે શોકસભાઓ અને રેલીઓ યોજાઇ હતી અને એશિયન અમેરિકન સમાજના લોકો પર થઇ રહેલા હુમલાઓ અટકાવવા હાકલો થઇ હતી.
જ્યોર્જિયામાં આઠ વ્યક્તિઓની હત્યાઓના આરોપસર રોબર્ટ એરોન લોંગ નામના એક ૨૧ વર્ષીય યુવાનની ધરપકડ થઇ તેના પછી આખા દેશમાં એશિયન સમાજના લોકો માટે સહાનુભૂતિ ધરાવતા લોકો અને એશિયન મૂળના લોકોએ અનેક સ્થળે વિજિલ્સ યોજી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિઓ આપી હતી.
કેલિફોર્નિયા, પેન્સિલવેનિયા, વોશિંગ્ટન ડીસી, ન્યૂયોર્ક વગેરે અનેક સ્થળોએ લોકો ભેગા થયા હતા જેમાં એશિયનો અને એશિયનો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા અમેરિકનોનો સમાવેશ થતો હતો. મૃતકોને શ્રદ્ધાંજલિઓ આપવાની સાથે અમેરિકામાં એશિયનો પર થઇ રહેલા હુમલાઓ અટકાવવા હાકલો પણ થઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે કોવિડ-૧૯નો રોગચાળો અમેરિકામાં વ્યાપકપણે ફેલાયા પછી એશિયનો પ્રત્યે રોષ ધરાવતો એક મોટો વર્ગ ઉભો થયો છે. આ રોગચાળો ચીનથી શરૂ થયો હતો તેથી ચીની મૂળના અને તેમના જેવા દેખાતા એશિયન મૂળના લોકો પર રોગચાળાના સમય દરમ્યાન અનેક હુમલાઓના બનાવો બન્યા હતા અને હજી પણ બની રહ્યા છે.
અનેક એશિયન અમેરિકન સંગઠનોએ કહ્યું છે કે ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જે ઉચ્ચારણો અને નિવેદનો કરતા હતા તેનાથી અમેરિકામાં એશિયન સમુદાય તરફ રોષની લાગણી ઘણી વધી ગઇ છે.