રાજપીપળા: નર્મદા જિલ્લા પોલીસ વડાએ કેવડિયા ડેમ સલામતીમાં ફરજ બજાવતા એક ASIને સસ્પેન્ડ કરી દેતાં પોલીસ છાવણીમાં સોપો પડી ગયો છે.
- દીકરાના મિત્રને જાહેરમાં માર મારનારા નર્મદા પોલીસના ASI સસ્પેન્ડ
- પોલીસ જવાને કાયદો હાથમાં લેતાં સમાજમાં દાખલો બેસે એ માટે કાર્યવાહી
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા પોલીસ ASI અશોક દેશમુખ ડેમ સલામતી શાખામાં ફરજ બજાવે છે. તેઓએ જાહેરમાં કોઈ કારણોસર અત્રે હાઉસિંગ બોર્ડમાં રહેતા પોતાના દીકરાના 16 વર્ષના મિત્ર કાર્તિકને ક્રિકેટના સ્ટમ્પ વડે માર મારતાં કાર્તિકના પિતાએ ASI અશોક દેશમુખ વિરુદ્ધ ટાઉન પોલીસમથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પરંતુ ગુનો દાખલ થતાં જ એક પોલીસ કર્મચારી કાયદો હાથમાં લે તો પ્રજામાં પોલીસની છાપ બગડે. આથી જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બેએ ત્વરિત ASI અશોક દેશમુખને સસ્પેન્ડ કરી કડક વહીવટનો દાખલો બેસાડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ ડેડિયાપાડાના ધારાસભ્યના બંધ કાર્યાલયનાં શટર પર દારૂના નશામાં પેશાબ કરી જાહેરમાં ગાળો બોલનાર પોલીસકર્મીને પણ જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધો હતો.