Business

અઘરા લાગતા અશ્વિનભાઇ તો સહેલા નીકળ્યા

કોઇ એક વ્યકિત પોતાની હયાતિ પછી પણ બીજી બે – એકબીજાથી તદ્દન અપરિચિત – વ્યકિતઓને કેવી રીતે જોડી આપી શકે તેનું ઉદાહરણ હોય તો ઉમાશંકરના ગયા પછી ઉમાશંકર થકી જ પાંગરેલી મારી અને મરમી છબીકાર અશ્વિન મહેતા વચ્ચે પાંગરેલી મૈત્રી. હું અશ્વિનભાઇને એક વિખ્યાત કલાકાર તરીકે ઓળખું પણ તેઓ મારાથી બિલકુલ અજાણ. ઉમાશંકરના મૃત્યુ પછી તરતમાં જ ‘પરબ’મા’ તેમનો લેખ આવેલો ‘કવિની છબી’ – શબ્દમાં આબાદ ઝિલેલી. તે વાંચ્યા પછી તેમના ગદ્યનો પણ હું ઘાયલ. એ જ ગાળામાં ઉમાશંકર વિશે મારો પણ ‘પરબ’માં લેખ આવેલો – ‘આ ઉમાશંકર મારા જ છે’. એ લેખ તેમણે વાંચેલો તેમને ખૂબ ગમેલો અને ઉત્સુકતાપૂર્વક ભોળાભાઇને મારા વિશે પૃચ્છા પણ કરેલી.

એ વાતને ય વરસો થયાં. 1994 માં વલસાડ ગયેલો ત્યારે ઇચ્છા થઇ કે ચાલો અશ્વિનભાઇને મળીએ. તેમના સ્વભાવના ‘બાંકપન’ અને મુડ વિશે સાંભળેલું. પણ મારો પણ એક સ્વભાવ કે અજાણ્યા હોય કે વિચિત્ર હોય તો ય આપણને મન થાય તો સામેથી મળવા જવું જ જવું. કોઇ એવા તો ન જ હોય કે ધોલધપાટ કરી આપણને કાઢી મુકે. તો પછી શાનાથી બિવાનું? બહુ બહુ તો ‘મારે તમને નથી મળવું કહી ખોલેલું બારણું બંધ કરી ‘જાકારો’ આપે પણ તેથી શું? પં. જસરાજજીએ ગાયેલી એક રચના યાદ આવી ગઇ. ‘માન ઘટે તો કા ઘટ જઇયો પી કે દરશન પઇયો! માન ઘટે તો એમાં શું ઘટી જવાનું છે? એ બહાને તેમના ‘દિદાર’ તો થશે, તેમનો ‘દર્શનલાભ’ તો મળશે.

એક સવારે હું તો પહોંચ્યો તીથલના તેમના ઘર ‘તુલસી’ પર. ઝાંપો ખોલો પછી તરત જ રંગબેરંગી ફૂલો, જાતજાતના છોડોવાળી એક કેડી તેમના બારણા સુધી દોરી જાય. બારણે રહેલો બેલ વગાડયો. થોડીવારે બારણું ખુલ્યું – પણ અડધું જ. અર્ધા બારણે ઊભી હતી સફેદ ઝબ્બો લેંઘો પહેરેલી ગૌરવણી એક જૈફ વ્યકિત. વિશાળ ચળકતું કપાળ અને નીચે ત્રાટક કરતી હોય તેવી બે આંખો. ‘બોલો કોણ તમે? શું કામ છે?’ મેં કહ્યું ‘મારું નામ યજ્ઞેશ. આકાશવાણીમાં નોકરી કરું છું. કામ કશું નથી ખાલી તમને મળવું છે.’ ઘડીક સ્તબ્ધ. તેમનું મેમરી બોકસ ખોલીને, આડા અવળાં જોડાણો કરીને મારો મારા નામનો સંદર્ભ શોધતા હોય તેવું લાગ્યું. પછી ઝબકાર! એ ઝબકારમાં હું ઝળાહળાં! ‘કોણ? પરબમાં આવેલા ‘આ ઉમાશંકર મારાં જ છે’ ના લેખક યજ્ઞેશ દવે? તમારા વિશે તો ભોળાભાઇને પણ પુછાવેલું કે આ જુવાન છે કોણ?’ મને ઓળખી ગયા છે એવી ધરપત થયા પછી મેં હિંમત કરી એક ગુસ્તાખી કરતાં કહ્યું ‘હા હું એ જ યજ્ઞેશ દવે, પણ અડધું બારણું ખોલીને મને અંદર તો આવવા દયો! હસ્યા, બેય બારણાં ખોલીને તેમના ઘરમાં આવકાર્યો અને તરત જ તેમના હૃદયમાં સ્થાન આપ્યું. તેમને પણ લાગ્યું કે ઉમાશંકરે જ આપણને મેળવ્યાં છે.

એ મુલાકાત સમયે એ રસિક દંપતિ પાસે મારી કેટલીક કવિતાઓ પણ વાંચી. પહેલી જ મુલાકાતે મારા પર એવા તો ઓવારી ગયા કે અમેરિકાથી તેમના કોઇ મિત્રે ઉમાશંકરે અમેરિકામાં જે વ્યાખ્યાનોની ચાર મોકલેલી તે તેમની મોંઘેરી જણસ જેવી એ ચારે ય કેસેટ મને આપતાં કહે ‘ઉમાશંકરના છેલ્લા વ્યાખ્યાનોમાંના આ એક છે. ચારે ય કેસેટ તું રાખ અને માત્ર ઉમાશંકરનો અવાજ હોય તેવી રીતે એડિટ કરેલી કેસેટ મને મોકલાવજે. મૂળ તારી પાસે રાખજે!’ હું હિંમત કરી તેમને મળવા ગયો તેનું આ સુખદ પરિણામ. એ મુલાકાત પછી થોડાં જ દિવસોમાં મારા રાજકોટના સરનામે તેમનું પોસ્ટકાર્ડ.

તા. ૨૪-૫-‘૯૪તીથલ પ્રિય યજ્ઞેશભાઇ, તમે રવિવારે અતિથિ થઇને આવ્યા, તમારી કવિતાઓનો આસ્વાદ કરાવ્યો તે ઘણું ગમ્યું. તમારો ઉ.જો. (ઉમાશંકર જોશી) વિષયક લેખ ફરી વાંચી ગયો. તમારો ‘સાક્ષાત્કાર’ કર્યા પછી વાંચવાની ઓર મજા આવી. ફોન પર ખબર કાઢી – ‘જાતિસ્મર’ મળે છે. હવે વલસાડ જઇશ ત્યારે લઇ આવીશ. પણ પેલા અપ્રાપ્ય સંગ્રહની (જળની આંખે) ઝેરોક્ષ ઝટ મોકલો. ઉ.જોની કેસેટ પણ.

તે દિવસે તમને પૂછવાનું ભુલી ગયો પણ તમને (અવાચ્યનું) કાવ્ય પઠન જોઇએ છે? મેં મારા ચાર લેખોની ઝેરોક્ષ તમને મોકલી છે વાંચીને પ્રતિભાવ આપજો ને લેખો પાછા મોકલશો. બીજા એક સમાચાર આપવાના રહી ગયા. હું કેનેડાના ઉત્તરધ્રુવીય પ્રદેશમાં છું – ઉત્તરધ્રુવ તો પ્રતિબેનનો પ્રદેશ, ત્યાં જવાનો નથી. મારા ૮-૧૦ દિવસ ૭૦ અક્ષાંશ (આર્કટીક) આસપાસના સમુદ્રમાં છે તરતી હીમશીલાના ફોટો પાડવા. -અશ્વિનનાં વંદન (અપૂર્ણ)

Most Popular

To Top