દુબઇ, તા. 27 (પીટીઆઇ) : ભારતના સીનિયર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ના નવા મહિનાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓના એવોર્ડ માટે નોમિનેશન અપાયું છે. અશ્વિન અને પંત ઉપરાંત ભારત વતી મહંમદ સિરાજ અને ટી નટરાજન પણ આ એવોર્ડ માટે રેસમાં છે. આ તમામે ઓસ્ટ્રેલિયા સામેના ઐતિહાસિક ટેસ્ટ સીરિઝ વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આઇસીસીએ કહ્યું હતું કે આખુ વર્ષ દરેક ફોર્મેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા મહિલા અને પુરૂષ ક્રિકેટરોને આ એવોર્ડ આપવામાં આવશે.
જાન્યુઆરી મહિના માટે ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ, ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથ, અફઘાનિસ્તાનના રહમાનુલ્લાહ ગુરબાજ, દક્ષિણ આફ્રિકાની કે મેરીજેન કેપ અને નાદિન ડિ ક્લર્ક અને પાકિસ્તાનની નિદા ડાર પણ રેસમાં છે. આઇસીસીએ એક નિવેદનમાં કહ્યું હતું કે પ્રશંસકોને દર મહિને ઓનલાઇન વોટિંગ માટે આમંત્રિત કરાયા છે. ઓનલાઇન વોટિંગ ઉપરાંત એક સ્વતંત્ર આઇસીસી વોટિંગ એકેડમી બનાવવામાં આવી છે. જેમાં માજી ખેલાડીઓ, બ્રોડકાસ્ટર અને પત્રકારો સામેલ હશે.