વડોદરા: યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા પૂ.હરિપ્રસાદ સ્વામીજીના પરગમન બાદ રવિવારે તેમનો નશ્વરદેહ પંચમહાભુતમાં વિલિન થયો 26મી જૂલાઈના રોજ દેહવિલય થયા બાદ પાંચ દિવસ માટે લાખો ભકતો માટે તેમના પ્યારા ગુરૂવર્યના અંતિમ દર્શનાર્થે સ્વામીજીનો દેહ સાચવી રાખવામાં આવ્યો હતો. બપોર બાદ તેમના નશ્વરદેહને મંદિર પરિસરમાં આવેલા આવાસમાં વડિલ સંતો અને અંતેવાસીઓ અને સેવકો દ્વારા ભારતની પવિત્ર નદીઓના જળથી સ્નાન કરાવ્યા બાદ તેમના દિવ્યદેહને પાલખીમાં પધરાવીને સુશોભિત કરવામાં આવી હતી. અને હજારો ભકતોના દર્શનાર્થે મંદિર પરિસરમાં સ્વામીનારાયણ ભગવાન ની ધૂન સાથે પ્રદક્ષિણા કરાવવામાં આવી હતી.
લાખો ભકતોના હદયમાં બિરાજમાન ગુરૂ પૂ. હરિપ્રસાદ સ્વામીજીનો દેહવિલય બાદ સાતમા દિવસે તેના દિવ્યદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. રવિવારે બપોર બાદ સ્વામીજીના અંતિમ સંસ્કાર માટેની વિધિનો શાસ્ત્રોકત રીતે પ્રારંભ કરાયો હતો. સ્વામીનારાયણ પરંપરામાં જેમ આગવુ મહત્વ છે તેવા ભારતની પવિત્ર નદીઓના જળમાં કેસર, ચંદન અને ગુલાબ જળ મિશ્ર કરીને સ્વામીજી પર અિભષેક કરીને સ્નાન કરાવવામાં આવ્યુ હતું. અને પાલખીમાં પ્રસ્થાપિત કરીને રથમાં મૂકીને મંિદર પરિસરમાં બે પ્રદક્ષિણા કરાવવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત હજારો ભકતોએ સ્વામીજી સહિત સ્વામીનારાયણ ભગવાનનો મહામંત્રની ગગનભેદી આહલેક જગાવી હતી. સમગ્ર અંતિમયાત્રાના માર્ગમાં ડ્રોન દ્વારા ગુલાબની પાંખડીઓની વર્ષા કરવામાં આવી હતી. પ્રદક્ષિણા બાદ પાલખી સહિતના રથને લીમડા વન ખાતે લઈ જવામાં આવ્યો હતો. જયાં તેમની અંત્યેષ્ઠી શાસ્ત્રોકત રીતે કરવામાં આવનાર હતી. તેમની અંતિમ ઈચ્છા મુજબ મુખ્યમંદિરની સામે આવેલ લીમડાવનમાં જયાં તેમના ગુરૂ વર્યનાં સંસ્મરણો છે ત્યાં જ કરવામાં આવી હતી.
લીમડાવનનાં ચાંદીના કાષ્ઠમાંથી તૈયાર કરેલી િચતા ઉભી કરવામાં આવી હતી. પૂ. સ્વામીજીના અંતિમ સંસ્કારના સમય જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ સોખડા મંિદરના પરિસરમાં ગમગીની ફેલાઈ ગઈ હતી અને દેશવિદેશથી આવેલા હજારો ભકતો દુ:ખી થઈ ગયા હતા. તમામ ભકતોની આંખો અશ્રુથી ભીની છલકાઈ થઈ ઉઠી હતી. મંિદરના અગ્રણી સંતો મહંતો અને યોગી ડિવાઈન સોસાયટીના અગ્રણીઓએ અશ્રુભીની આંખે પૂ. સ્વામીજીના અગ્નિદાહ વિધિની શરૂઆત કરી હતી. રાજય મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી અંતિમસંસ્કારની વિધિમાં ઉપસ્થિત રહયા હતા. ઉપસ્થિત મહેમાનો સહિત સંતોએ સ્વામીજીની અંતિમ આરતી કરી હતી. જેમાં ઉપસ્થિત હજારો દેશવિદેશથી આવેલા ભકતો પણ જોડાયા હતા. ત્યારબાદ સ્વામીજીના નશ્વરદેહને ચંદન કાષ્ઠમાંથી તૈયાર કરેલ ચિતા પર મુકવામાં આવ્યા હતા. બ્રાહમણો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રેમસ્વરૂપ સ્વામજી પૂ. કૃષ્ણ વલ્લભ સ્વામીજી, પૂ. ત્યાગ વલ્લભ સ્વામીજી, વલ્લભ સ્વામીજી, પ્રબોધજીવન સ્વામીજી એ સજળ નયને વેદોચ્ચાર સાથે પૂ. સ્વામીજીને મુખાગ્નિ આપીને અગ્નિદાહ આપ્યો હતો.
સ્વામીજીની જગ્યાએ પાંચ સંતોને યોગી ડિવાઈન સંસ્થાની જવાબદારી સોંપાઈ
હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો દિવ્ય દેહ પંચ મહાભૂતમાં વિલય થયા બાદ અનુપમ મિશનના અધ્યક્ષ સંત ભગવંત પૂ. સાહેબજીએ યોગી ડીવાઇન સોસાયટીના ઉત્તરાધિકારીની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતુંકે સ્વામીજીએ સુહૃદભાવથી જીવન જીવવાનો આગ્રહ રાખ્યો છે . અહી સહુનું જીવન હરિપ્રસાદ સ્વામીજીની ‘ દાસના દાસ ’ બનવાની આજ્ઞાને અનુરૂપ હોવાથી કોઈ ગાદી સંભાળવા તૈયાર ન હતું .તેથી ગુણાતીત સમાજના વડીલ સંતો ભક્તોની સંમતિથી યોગી ડિવાઈન સોસાયટીની જવાબદારી પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીના નેતૃત્વમાં પૂજ્ય ત્યાગવલ્લભસ્વામી અને પૂજ્ય પ્રબોધજીવન સ્વામી ઉપરાંત પૂજ્ય સંતવલ્લભસ્વામી, અશોકભાઇ સેક્રેટરી અને વિઠ્ઠલદાસ પટેલને સોંપવાની જાહેરાત કરી હતી. તમામ સંતો ભક્તો હરિપ્રસાદ સ્વામીજીની અનુવૃત્તિ પ્રમાણે સામાજિક અને આધ્યાત્મિક સેવાકાર્યોમાં સક્રિય રહીને સ્વામીજીની સુવાસ દિગંતમાં પ્રસરાવશે.