નવી દિલ્હી: લંડનના (London) લોર્ડ્સમાં એશિઝ સિરીઝની (Ashes Series) બીજી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ (England) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે રમાઈ રહી છે. આજે મેચ શરૂ થતાની સાથે જ અચાનક કંઈક એવું બન્યું કે આખું સ્ટેડિયમ સ્તબ્ધ થઈ ગયું. તમામ સુરક્ષા તોડીને બે દર્શકો એકાએક મેદાનમાં પ્રવેશ્યા, જેના કારણે મેચને થોડીવાર રોકવી પડી હતી.
મેચ જોવા આવેલા બે દર્શકો એકાએક સ્ટેડિયમમાં પીચ પર આવી ગયા હતા અને તેઓ પાસે ઓરેન્જ કલરનો એક પાઉડર પણ હતો. ઓરેન્જ પાઉડર સાથે તેઓ પીચને બગાડવા માટે ઝડપથી આગળ વધી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી જોની બેયરસ્ટોએ એકને પકડી લીધો અને તેને ઉપાડીને મેદાનની બહાર લઈ ગયો. ત્યારબાદ સિક્યોરિટી ગાર્ડે વિરોધ કરનારને મેદાનમાંથી બહાર કાઢ્યો હતો.
જો કે આ દરમિયાન બીજો દર્શક પીચ બગાડવા માટે ઝડપથી આગળ વધ્યો પરંતુ ખેલાડીઓ અને ગાર્ડોએ તેને રોક્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીએ પીચ પર ઓરેન્જ પાવડર નાખવાનો પ્રયાસ કર્યો પરંતુ તે મેદાનમાં પડી ગયો હતો. જ્યાં ઓરેન્જ પાઉડર પડ્યો હતો તેને તાત્કાલિક ધોરણે સાફ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના દરમિયાન જોની બેરસ્ટોના કપડાં પણ ખરાબ થયા હતા.
જાણકારી મુજબ મેદાનમાં એકાએક આવી જનાર વ્યકિત જસ્ટ સ્ટોપ ઓયલ અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન કરવા માગતા હતા. લંડનમાં હાલના દિવસોમાં જસ્ટ સ્ટોપ ઓઈલ પ્રદર્શન ચાલી રહ્યું છે. આ પ્રદર્શન હેઠળ પ્રદર્શનકારીઓ બ્રિટન સરકારની નવી ગેસ, તેલ અને કોલસા વિરોધ કરી રહી છે. લંડનમાં જસ્ટ સ્ટોપ ઓઈલ પ્રદર્શન કરનારા સરકાર અને તેમની નીતિથી હેરાન થઈ ગયા છે. તેમનું માનવું છે કે સરકારની પર્યાવરણ વિરોધી નીતિઓનું પરિણામ બધાએ ભોગવવું પડે છે.
જણાવી દઈએ કે આ લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. પ્રથમ ઓવર જેમ્સ એન્ડરસને કરી હતી, જેમાં ડેવિડ વોર્નરે ચોગ્ગો ફટકાર્યો હતો. સ્ટુઅર્ટ બ્રોડ બીજી ઓવર લાવ્યો અને ઉસ્માન ખ્વાજા સ્ટ્રાઇક પર હતો. પરંતુ બીજી ઓવરનો પ્રથમ બોલ ફેંકાય તે પહેલા જ બંને વિરોધીઓ મેદાનમાં ઘુસી ગયા હતા.
ઓવર પૂરી થયા બાદ વિકેટકીપર જોની બેયરસ્ટો બીજી તરફ જઈ રહ્યો હતો. દરમિયાન તેણે એક વિરોધીને પકડી લીધો અને તેને સીધો બહાર લઈ જવા લાગ્યો હતો. બીજો વિરોધ કરનાર ભાગીને પીચ તરફ આવ્યો હતો પરંતુ ખેલાડીઓએ તેને રોક્યો અને તરત જ ગાર્ડે આવીને તેને પકડી લીધો હતો.
જસ્ટ સ્ટોપ ઓઈલ પ્રદર્શન શું છે?
જસ્ટ સ્ટોપ ઓઈલ પ્રદર્શનકર્તા પર્યાવરણીય કાર્યકર્તા જૂથ છે જે પર્યાવરણને લગતા મુદ્દાઓને ભારપૂર્વક ઉઠાવે છે. ગયા વર્ષે માર્ચમાં આ ગ્રૂપ સૌપ્રથમ ચર્ચામાં આવ્યું હતું. આ જૂથ બ્રિટનમાં તેલ અને અન્ય અશ્મિભૂત ઇંધણની શોધ માટે સરકાર દ્વારા જારી કરાયેલા નવા લાઇસન્સનો વિરોધ કરે છે.
યુકે સરકાર 2025 સુધીમાં દેશમાં 100 થી વધુ નવા તેલ અને ગેસ પ્રોજેક્ટ્સ માટે લાઇસન્સ જારી કરવાની યોજના ધરાવે છે. જસ્ટ સ્ટોપ ઓઈલ માને છે કે યુકે સરકારની આ યોજનાઓ પર્યાવરણ માટે હાનિકારક છે, જેના પરિણામો માનવજાતે પેઢીઓ સુધી ભોગવવા પડશે.