‘શો ટાઇમ’ પૂર્તિમાં હૃદયને ગાતા ગીતોમાં ‘જીસ દેશ મેં ગંગા બહતી હૈ’ ફિલ્મના અંતિમ ગીત ‘આ અબ લૌટ ચલે’નો ભાવવાહી સંદેશ વાચકોને પહોંચાડયો છે. આ ગીતની વચમાં વચમાં ગવાતો આલાપ લતાજીના કંઠ વડે રેલાયો છે. જ્યારે સમગ્ર ગીત મુકેશજીના મધુર કંઠે ગવાયું છે. ફિલ્મના અંત ભાગે રાજુ (રાજકપૂર) ડાકુઓના કબિલાઓને લઇને વળતો થાય છે, ત્યારે ખૂબ હર્ષની લાગણી સાથે એ આ ગીત ગાય છે અને સૌની સાથે મજલ કાપતો હોય છે. તો સામેની બાજુએ કમ્મોજી (પદ્મીની) પોલીસ ફોજ લઇને રાજુ તથા ડાકૂઓના કબિલા તરફ અથડાતી – કુટાતી દોડતી આવતી હોય છે. ચારે બાજુ પોલીસના વર્તુળ વચ્ચે રાકા (પ્રાણ)ના માણસો ઘેરાતા જાય છે. લોંગ શોટમાં લીધેલા આ દ્રશ્યો વચ્ચે ગગનમાં વાદળોની છાયા અને ત્યાર પછી સૂર્યનો પ્રકાશ રેલાતા રહે છે.
ડાકુઓના જીવનમાંથી દુ:ખના વાદળો હટી રહ્યા છે અને નવો પ્રકાશ ફેલાઇ રહ્યો છે એવો સંદેશ રાધુ કલમાકરની આ અદ્ભુત છબી કલા ફેલાવે છે. સેંકડો પોલીસોથી બનેલું વર્તુળ નજીક આવતા રાકા (પ્રાણ), બંદૂક હાથમાં ઉઠાવે છે. તે વખતે રાજુ આજીજીના ભાવ સાથે મક્કમ અવાજે રાકાને સમજાવતા કહે છે કે ‘રાકા જીસ દો નાલીને ગાંધીજી કો નહિ પહેચાના હૈ વો તુઝે કૈસે પહેચાનેગી?’ અત્રે અમારે કહેવું ઠીક થઇ પડશે કે હિન્દી ફિલ્મોના જે કેટલાક અતિ ઉત્તમ સંવાદો છે, એમાં આ સંવાદ મોખરે રહી શકે એટલું ઉત્તમ શાબ્દિક દ્રવ્ય એમાં દેખાઇ આવે છે. છેવટે રાજુની ભારે સમજાવટને અંતે તમામ ડાકુઓ પોતાના હથિયારો, પોલીસ દળ સમક્ષ મુકીને શરણાગતિ સ્વીકારી લે છે.
આમ એક ભલા ભોળા રાજુના અથાગ પ્રયત્નોને કારણે ડાકુઓના હૃદયપરિવર્તન થાય છે અને એમને ઉજાસભરી નવી જીન્દગી પ્રાપ્ત થાય છે. રાજકપુરની બધી ફિલ્મોના ફોટોગ્રાફર રહેલા રાધુ કમલમાકરને મિત્ર ભાવે આ ફિલ્મનું નિર્દેશન, રાજે એમને સોંપ્યું હતું. ‘જીસ દેશ મેં ગંગા બહેતી હૈ’ ફિલ્મ રાજકપૂરની છેલ્લી બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ હતી. ત્યાર પછી ‘સંગમ’ ફિલ્મથી તેઓ રંગીન ફિલ્મો બનાવતા રહ્યા હતા. રાજ કપૂરના સાથીઓ જેવા કે શૈલેન્દ્ર, હસરત જયપુરી, મુકેશ, લતાજી, શંકર જયકિશન, મન્નાડે, ફોટોગ્રાફર રાધુ કલમાકર, વાર્તા લેખક K.A. અબ્બાસ વગેરે એમના સહિત વર્તમાને કોઇ હયાત નથી. હયાત છે માત્ર એમની કચકડામાં કંડારાયેલી ફિલ્મોનો સુવર્ણકાળ.
સુરત – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.