Editorial

અસીમ મુનીર જાતે જ ફિલ્ડ માર્શલ બની ગયા, ખરેખર તો તેમને રાજા બની જવુ જોઇએ

ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદે ભારે ટેન્શન પ્રવર્તતું હતું, જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી. જોકે તેમ છતાં પાકિસ્તાનની કેબિનેટે આજે (20 મે) મોટો નિર્ણય લીધો છે. કેબિનેટે જનરલ અસીમ મુનિરને ફીલ્ડ માર્શલ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.પાકિસ્તાની સશસ્ત્ર દળોમાં ફીલ્ડ માર્શલની પોસ્ટ સર્વોચ્ચ માનવામાં આવે છે. પાકિસ્તાનના ઈતિહાસમાં જનરલ અસીમ મુનીર બીજા ફીલ્ડ માર્શલ બની ગયા છે. આ પહેલાં અયૂબ ખાનને 1959-1967 દરમિયાન ફીલ્ડ માર્શલનની પોસ્ટ આપવામાં આવી હતી.

 પાકિસ્તાન આર્મીના પ્રમુખ અસીમ મુનીર સામે રાજકીય દળોમાં પણ જબરદસ્ત ગુસ્સો જોવા મળે છે. તેમની પાર્ટીના ફવાદ ખાન,ઉમર અયૂબ ખાન, મહમૂદ ખાન અચકઇ મુનીરને ટાર્ગેટ કરતા રહે છે. થોડા દિવસે પહેલાં પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર મુનિર આઉટ નામનો ટ્રેંડ ચાલી રહયો હતો, જેના માટે ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇ (પાકિસ્તાન તહરિકે ઇન્સાફ)ને જવાબદાર ગણવામાં આવે છે. મુનીરને હટાવો,  ઇમરાન ખાનને મુકત કરો અને પાકિસ્તાન બચાવો વગેરે સૂત્રો પીટીઆઇના ઓફિશિયલ હેન્ડલ પર જોવા મળે છે.

અસીમ મુનિર 2022થી પાકિસ્તાનના આર્મી ચીફ છે. તેઓ પાકિસ્તાનના 11મા આર્મી ચીફ છે. આર્મી ચીફ બનતાં પહેલાં તેઓ GHQમાં ક્વાર્ટર માસ્ટર જનરલ તરીકે તહેનાત હતા. મુનિરે 1986માં લશ્કરી કારકિર્દી શરૂ કરી હતી અને હવે 2025માં ફીલ્ડ માર્શલ બન્યા છે. તેમને નિશાન-એ-ઇમ્તિયાઝ, હિલાલ-એ-ઇમ્તિયાઝ અને સ્વોર્ડ ઓફ ઓનર (પાકિસ્તાન)થી પણ નવાજવામાં આવ્યા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને આર્મી ચીફ અસીમ મુનીરના ફિલ્ડ માર્શલ બનવા પર કટાક્ષ કર્યો છે. ઇમરાને કહ્યું છે કે મુનીરે પોતાને જ રાજાનું બિરુદ આપવું જોઈએ.

જેલમાં રહેલા ઈમરાનનું આ નિવેદન તેના X પર પોસ્ટ કરવામાં આવ્યું છે. આમાં ઈમરાને લખ્યું છે, માશાઅલ્લાહ, જનરલ અસીમ મુનીરને ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા છે. જોકે, તેમને રાજાનું બિરુદ આપવું વધુ સારું હોત – કારણ કે હાલમાં દેશમાં જંગલનો કાયદો ચાલે છે અને જંગલમાં ફક્ત એક જ રાજા હોય છે. તો બીજી તરફ પાકિસ્તાની સાંસદ સૈયદ અલી ઝફરે સિંધુ જળ સંકટને વોટર બોમ્બ ગણાવ્યો છે. તેમણે સરકાર પાસે માંગ કરી છે કે તેમણે શક્ય તેટલી વહેલી તકે સંકટમાંથી બહાર આવવા માટે કેટલાક પગલાં ભરવા જોઈએ.

પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના સાંસદ અલી ઝફરે શુક્રવારે પાકિસ્તાન સંસદમાં જણાવ્યું હતું કે આપણા દરેક 10 માંથી 9 લોકો આ નદી પર નિર્ભર છે. આપણા 90% પાકને આ નદીમાંથી પાણી મળે છે. તેમણે કહ્યું- જો આપણે આ પાણીની સંકટનો ઉકેલ હમણાં નહીં લાવીએ તો આપણે ભૂખમરાથી મરી શકીએ છીએ. આનું કારણ એ છે કે સિંધુ બેસિન આપણી જીવનરેખા છે. આપણા પાણીનો ત્રણ ચતુર્થાંશ ભાગ દેશની બહારથી આવે છે. એક સમય હતો કે જે પાકિસ્તાનમાં આર્મી સામે કોઈ ચું કે ચા કરી શકતા ન હતા તેના સ્થાને હવે આર્મીની ટીકા થવીએ કમજોરીની નિશાની છે.

Most Popular

To Top