Columns

આસામ સરકારની બાળલગ્ન સામેની ઝુંબેશ પાછળનો ઇરાદો શુદ્ધ જણાતો નથી

ભારતનાં બંધારણની ૨૧મી કલમ દ્વારા દેશના તમામ નાગરિકોનો જિંદગી જીવવાનો અને સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર માન્ય કરવામાં આવ્યો છે. આ મૂળભૂત અધિકારમાં શું ખાવું? શું પીવું? શું પહેરવું? ક્યારે લગ્ન કરવા? લગ્ન કરવા કે નહીં? એક જીવનસાથી સાથે લગ્ન કરવા કે વધુ? કેટલાં બાળકો પેદા કરવાં? બાળકોને ક્યું શિક્ષણ આપવું? તેવા તમામ અધિકારોનો સમાવેશ થઈ જવો જોઈએ, પણ અંગ્રેજોના જમાનામાં ઘડાયેલા કેટલાક કાયદાઓ આ મૂળભૂત અધિકારો પર તરાપ મારે છે, જેને સ્વતંત્રતા પછી પણ ચાલુ રાખવામાં આવ્યા છે. આ કાયદાઓમાં બાળલગ્ન વિરોધી કાયદાનો પણ સમાવેશ થઈ જાય છે. ભારતમાં સદીઓથી બાળલગ્ન થતાં આવ્યાં છે. ભારતના કોઈ નીતિશાસ્ત્રોમાં બાળલગ્નનો નિષેધ કરવામાં આવ્યો નથી. ઊલટાનું નીતિશાસ્ત્રોમાં કન્યા પાકટ વયની થાય તે પહેલાં તેને પરણાવી દેવાની હિમાયત કરવામાં આવી છે.

અંગ્રેજોના પ્રભાવ હેઠળ ભારતમાં બાળ લગ્નને અપરાધ ગણાવતા કાયદાઓ ઘડવામાં આવ્યા; પણ કાયદાઓ છતાં બાળલગ્નો ચાલુ રહ્યા છે, કારણ કે તે સામાજીક જરૂરિયાત છે. ભારતનાં મોટાં ભાગનાં રાજ્યોમાં બાળલગ્ન વિરોધી કાયદાઓ પોથીમાંનાં રીંગણાં જેવાં રહ્યાં છે, કારણ કે બાળલગ્નને કાયદા દ્વારા રોકી શકાતાં નથી, તેવું સરકારને અનુભવે સમજાઈ ગયું છે. આ માહોલમાં આસામની ભાજપ સરકાર દ્વારા બાળલગ્નો સામે ચાલુ કરવામાં આવેલી ઝુંબેશ અચંબો પમાડે તેવી છે. તા. ૩ ફેબ્રુઆરીના શરૂ કરવામાં આવેલી ઝુંબેશમાં ૪,૦૭૪ કેસો રજિસ્ટર કરવામાં આવ્યા છે અને ૩,૦૪૧ નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંના બહુમતી મુસ્લિમ કોમના છે. આ ઝુંબેશનો ઇરાદો મુસ્લિમોને પાઠ ભણાવવાનો હોય તેવું જણાઈ રહ્યું છે. આ ઝુંબેશમાં કેટલાક હિન્દુ વાલીઓની પણ ધરપકડ કરવામાં આવી છે, પણ તેમને સહેલાઈથી જામીન મળી જાય છે. વર્ષો પહેલાં જે બાળલગ્નો થયાં હતાં તેના માટે હાલમાં કેસો અને ધરપકડો પણ કરવામાં આવે છે.

આસામ સરકાર દ્વારા પોલિસને આપવામાં આવેલા આદેશો મુજબ જે કન્યાઓનાં લગ્ન ૧૪-૧૮ વર્ષ વચ્ચે થયાં હોય તેમના વાલીઓ સામે બાળલગ્ન વિરોધી કાયદા હેઠળ કામ ચલાવવામાં આવે છે, પણ જે કન્યાઓનાં લગ્ન ૧૪ વર્ષ કરતાં ઓછી ઉંમરે થયાં હોય તેમની સામે પોક્સો કાયદા હેઠળ કામ ચલાવવામાં આવે છે, જે બાળકો ઉપરના બળાત્કારને લગતો છે અને જેમાં ૨૦ વર્ષ સુધીની સખત કેદની જોગવાઈ છે. આવા કેટલાક કેસો ગૌહાટી હાઈ કોર્ટ સમક્ષ આવ્યા ત્યારે જસ્ટિસ સુમન શ્યામે તેમને આગોતરા જામીન આપતાં ટિપ્પણ કરી હતી કે ‘‘બાળલગ્નના કેસમાં કોઈની ધરપકડ કરવાની શું જરૂર છે? ધરપકડ કરવાથી તેમની જિંદગી ખરાબ થઈ જાય છે. જે કેસમાં આરોપીને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવાની જરૂર હોય તેમાં જ ધરપકડ કરવી જોઈએ. આ કેસો ડ્રગ્સના કે દાણચોરીના કેસો જેટલા ગંભીર નથી. બાળલગ્નના કેસોમાં પોક્સોના કાયદાનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઝુંબેશથી કેટલાક લોકોની જિંદગી ઝેર જેવી બની ગઈ છે.’’

આસામ સરકાર બાળલગ્ન માટે અચાનક આટલી જાગ્રત કેમ બની ગઈ છે? તે સમજાતું નથી. આસામમાં ૨૦૨૦માં બાળલગ્ન માટે ૧૩૮ કેસો દાખલ કરવામાં આવ્યા હતા અને ૨૦૨૧માં ૧૫૫ કેસો જ દાખલ કરવામાં આવ્યા હતા. તે જ સરકાર દ્વારા માત્ર ૧૫ દિવસમાં ચાર હજારથી વધુ કેસો દાખલ કરવામાં આવ્યા છે, જેમાં આશરે ૮,૦૦૦ તો આરોપીઓ છે. જે ૩,૦૪૧ નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે, તેમાં ૯૩ તો મહિલાઓ છે. આટલા બધા આરોપીઓને રાખવા માટે જેલમાં જગ્યા નથી, માટે તેમને વિદેશી નાગરિકોને રાખવા માટે ઊભા કરવામાં આવેલા માટિયા ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે, જેને કામચલાઉ જેલ જાહેર કરવામાં આવી છે.

બાળલગ્ન સામેની ઝુંબેશને કારણે નાગરિકોની જિંદગી કેવી પાયમાલ થઈ ગઈ છે, તે સમજવા માટે ૧૮ વર્ષની મોમિના ખાતુનનો કિસ્સો જાણવા જેવો છે. ગયાં વર્ષે તેનાં લગ્ન થયાં ત્યારે તે કાયદાની ભાષામાં સગીર હતી. હવે તે પુખ્ત વયની થઈ ગઈ છે અને તેના પેટમાં ૭ મહિનાનું બાળક છે. તેનો પતિ યાકુબ અલી ૨૨ વર્ષનો છે અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તા. ૪ ફેબ્રુઆરીના રોજ યાકુબ અલી સામે બાળલગ્નનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. યાકુબ અલી સાત દિવસથી જેલમાં છે, પણ તેની પ્રેગનન્ટ પત્ની તેને મળી શકતી નથી. તે ગરીબ હોવાથી તેની પાસે વકીલ રાખવાના પણ રૂપિયા નથી. તેની સમક્ષ ભૂખે મરવા સિવાય કોઈ વિકલ્પ નથી. આવી સેંકડો ગરીબ મહિલાઓ હેરાન થઈ રહી છે.

આસામના ધુબ્રી જિલ્લામાં રહેતી ૨૩ વર્ષની મહિલા કુલસુમ ખાનનો કિસ્સો તો કંપારી છૂટે તેવો છે. કુલસુમ ૧૪ વર્ષની હતી ત્યારે તેનાં લગ્ન કરવામાં આવ્યાં હતાં. તેને બે બાળકો થયાં તે પછી તેનો પતિ કોવિડ-૧૯ના રોગચાળામાં મરી ગયો હતો. કુલસુમ પોતાનાં બે બાળકોને લઈને પોતાનાં માતા-પિતા સાથે રહેવા આવી ગઈ હતી. કુલસુમે સાંભળ્યું કે તેનાં બાળલગ્ન થયાં હોવાથી તેનાં માતા-પિતા સામે કેસ થઈ શકે તેમ છે. કુલસુમ ચિંતાગ્રસ્ત થઈ ગઈ હતી. તેણે પોતાના પિતા ખાલિદ રશીદ પાસે તેનું મેરેજ સર્ટિફિકેટ માગ્યું હતું. પિતાએ કહ્યું હતું કે તારો પતિ મરી ગયો છે, માટે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તેમ છતાં કુલસુમની ચિંતા ઓછી થઈ નહોતી. પોતાના પિતાને જેલમાં ન જવું પડે તે માટે કુલસુમે આપઘાત કરીને પોતાની જિંદગીનો અંત આણ્યો હતો.

આસામનો ધુબ્રી જિલ્લો મુસ્લિમોની બહુમતી ધરાવતો હોવાથી ત્યાં સૌથી વધુ બાળલગ્નના કેસો થયા છે. ભાજપના નેતાઓ માને છે કે બાળલગ્નો મુસ્લિમ સમાજમાં વધુ થાય છે, પણ તે માન્યતા ભૂલભરેલી છે. બાળ લગ્નો જ્યાં ગરીબી વધુ હોય અને શિક્ષણનું પ્રમાણ ઓછું હોય ત્યાં વધુ થાય છે. તેમાં હિન્દુઓ કે મુસ્લિમો જેવા કોઈ ભેદભાવ નથી. રાજસ્થાનમાં મુસ્લિમોની વસતિ બહુ ઓછી હોવા છતાં સૌથી વધુ બાળલગ્નો રાજસ્થાનમાં થાય છે. ભારતમાં કુલ જેટલાં બાળલગ્નો થાય છે, તેમાં આસામનો ફાળો માત્ર ૩ ટકા જેટલો છે. ગરીબ અને અભણ પ્રજામાં બાળલગ્નો વધુ થાય છે તેની પાછળ તેમની સામાજીક પરિસ્થિતિ પણ જવાબદાર હોય છે. જો કન્યાને મોટી ઉંમર સુધી કુંવારી રાખવામાં આવે તો તે લફરાં કરતી ન ફરે તે માટે પણ તેને પરણાવી દેવામાં આવે છે. અમુક કોમોમાં કન્યાઓની સંખ્યા ઘટી ગઈ હોવાથી તેમને વહેલી પરણાવી દેવામાં આવે છે.

ભાજપ અને સંઘપરિવાર ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માગે છે, તેમાં ગુજરાતનો અને આસામનો ઉપયોગ હિન્દુત્વની પ્રયોગશાળા તરીકે કરવામાં આવી રહ્યો છે. આસામમાં વિદેશી ઘૂસણખોરો સામે જે ઝુંબેશ શરૂ કરવામાં આવી તેનું ટાર્ગેટ પણ બાંગ્લા દેશથી આવેલા મુસ્લિમો હતા. વર્તમાનમાં બાળલગ્નો સામે જે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તેનું સૌથી વધુ નુકસાન બંગાળીભાષી મુસ્લિમોને થવાનું છે, કારણ કે તેમની અંદર બાળલગ્નની પ્રથા વ્યાપક છે. ભાજપ દ્વારા વસતિનિયંત્રણનો જે કાયદો લાવવાની હિલચાલ ચલાવાઈ રહી છે, તેનું મુખ્ય નિશાન પણ લઘુમતી કોમો જ હશે. ભાજપના નેતાઓ એ વાત ભૂલી જાય છે કે મુસ્લિમોની વસતિ ઘટાડવાના કાયદાઓથી હિન્દુઓની વસતિ પણ ઘટવાની છે, જેનો ગેરલાભ સરવાળે દેશને જ થવાનો છે.

Most Popular

To Top