Comments

જગત આજે સંપૂર્ણ વિનાશના આરે આવીને ઊભું છે ત્યારે હિરોશિમા-નાગાસાકીના અવાજને આપણે સાંભળીશું?

આઝાદી આવી ત્યાર પછીનો સમય દેશભક્તિ તેમજ આઝાદીના આનંદ અને ઉત્સાહથી રંગાયેલો સમય હતો. ૧૯૫૧ અને ૧૯૬૧ના બે દાયકાના આ કાળખંડમાં સમાજવાદ, રાષ્ટ્રવાદ અને દેશભક્તિ ઉપર આધારિત અનેક ચલચિત્રો આવ્યાં. આ ચલચિત્રોમાંનું એક એટલે ‘જાગૃતિ’. આ ચલચિત્રનું ગીત ‘હમ લાયે હૈ તુફાનસે કશ્તી નિકાલકે’ ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. આજે આ એટલા માટે યાદ આવ્યું કારણ કે, ૬ અને ૯ ઑગસ્ટ, ૧૯૪૫ના રોજ માનવતાના ઇતિહાસમાં કલંકરૂપ કહી શકાય એવો નરસંહાર અને ત્યાર બાદ પણ લાંબા ગાળાની વિઘાતક અસરો મૂકી જનાર બે ઘટનાઓ બની હતી.

૬ ઑગસ્ટ, ૧૯૪૫ના રોજ સવારના સૂર્યનાં કિરણો જાપાનના હિરોશિમા શહેરને ઉજાળી રહ્યાં હતાં ત્યારે આશરે ૮.૧૫ વાગ્યે ઘરઘરાટી કરતો અમેરિકન કાળદૂત બૉમ્બ આકાશમાંથી ત્રાટક્યો. ૬ ઑગસ્ટ, ૧૯૪૫ના એ કાળમુખા દિવસે એક સાથે હજારો નિર્દોષ નાગરિકો કાળના મુખે હોમાઇ ગયાં. આવો જ બીજો બૉમ્બ નાગાસાકી ઉપર ૯ ઑગસ્ટ, ૧૯૪૫ના રોજ ઝીંકાયો. આ બંને તારીખોએ એટમબૉમ્બ બનીને કાળ જે રીતે હિરોશિમા-નાગાસાકી ઉપર ત્રાટક્યો તેની વિગતો નીચે મુજબ છેઃ

૧૯૪૫ની છઠ્ઠી ઓગસ્ટ, જ્યારે બીજું વિશ્વયુદ્ધ એની ચરમસીમાએ હતું ત્યારે અમેરિકા દ્વારા હિરોશિમા પર અણુબોમ્બ ઝીંકાયો. ૯ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ નાગાસાકી ઉપર બીજો અણુબોમ્બ  ઝીંકાયો. આમ થવાને કારણે ૭૮૦૦૦ માણસો તરત જ મરી ગયાં અને પહેલા વરસના ગાળામાં કુલ ૧,૪૦,૦૦૦ મૃત્યુ થયાં જે મહદ્ અંશે દાઝી જવા અને રેડીએશનને કારણે હતાં.

હિરોશિમા પર બોમ્બ ફેંકાયો તેની ૮૦મી વરસીએ એટલે ૬ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ૧૨૦ દેશોમાંથી પચાસ હજાર માણસોએ શ્રદ્ધાંજલિ સભામાં સવારે ૮.૧૫ વાગ્યે હાજરી આપી. એક લાખ લોકો જે અમેરિકાની આ જંગલિયતમાંથી બચ્યાં તેમની સરેરાશ ઉંમર આજે ૮૬ વર્ષ છે. આ લોકોએ દુનિયા ફરી એક વાર અણુયુદ્ધ તરફ સરકી રહી છે તે સામે પોતાની ગંભીર ચિંતા વ્યક્ત કરી. હિરોશિમાના મેયર કાજુમી મતસૂઈએ આજે દુનિયામાં જે દેશો હિરોશિમા-નાગાસાકી જેવા કરુણ બનાવોને ભૂલીને યુદ્ધના ઉન્માદમાં રાચી રહ્યા છે તેમને વખોડી કાઢ્યા હતા. જાપાન આજે અમેરિકાની અણુ છત્રી હેઠળ જીવી રહ્યું છે. તેણે યુનાઇટેડ નેશન્સની ન્યુક્લિયર વેપન્સ પર પ્રતિબંધ મુક્તિ ટ્રીટી ૨૦૨૧ સહુએ સ્વીકારી જોઈએ એવો અનુરોધ કર્યો છે.

વર્તમાનમાં પાછા ફરીએ. અમેરિકાના ભુરાયા થઈને છીકોટા નાખી રહેલા આખલા જેવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બે અણુ સબમરીનોને રશિયા તરફથી થતા કોઈ પણ હુમલા સામે તહેનાત કરી દીધી છે. બીજી બાજુ પુતિને અણુઊર્જાના શાંતિમય ઉપયોગ માટેના કરારમાંથી અને યુદ્ધમાં અણુશસ્ત્રો નહીં વાપરવાની સંધિમાંથી પોતે બહાર નીકળી ગયો છે તેવું જાહેર કર્યું છે. આનો અર્થ એ થાય કે પુતિને જરૂર પડ્યે અણુશસ્ત્રો વાપરવા માટે રશિયાના નિર્ધારને મક્કમતાથી વ્યક્ત કર્યો છે.

ચીન, ઉત્તર કોરિયા, ભારત, પાકિસ્તાન, ફ્રાન્સ, બ્રિટન જેવા કેટલાય દેશો પાસે અણુશસ્રો છે. ન કરે નારાયણ અને આ બંને ઉદ્ધત વ્યક્તિઓ ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદીમીર પુતિન જગતને ત્રીજા વિશ્વયુદ્ધ ભણી દોરી જાય તો કદાચ પૃથ્વી પર કશું જ નહીં બચે. ભૂતકાળમાં એક વખત ક્યૂબાને લઈને અમેરિકા અને રશિયા લગભગ અણુયુદ્ધના બારણે પહોંચી ગયા હતા પણ એ સમયે અમેરિકન પ્રમુખ જહોન એફ. કેનેડી અને રશિયાના નિકીતા ક્રુશ્ચોવની સમજદારીને કારણે આ મહાવિનાશ અટકી ગયો હતો.

યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ અન્તોનીયો ગુટેરસના સંદેશામાં એમણે જણાવ્યું છે કે અણુ હથિયાર કાંડા મરોડ દાદાગીરી માટેનું સાધન બન્યાં છે. તેમણે હિરોશિમાવાસીઓને નિ:શસ્ત્રીકરણના પ્રતીક તરીકે બિરદાવ્યા છે. આ દિવસનો બેવડો સંદેશો છે હિરોશિમા-નાગાસાકીના અણુબોમ્બ વિસ્ફોટનો ભોગ બનનારાઓને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપીએ અને વિશ્વના નેતાઓને અણુ હથિયારોને જાકારો આપવા કહીએ જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટના ના બને.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top