Business

શેરબજાર તૂટ્યું, લાર્જકેપ કંપનીઓનો માર્કેટ કેપ 5 લાખ કરોડ ઘટ્યો

નવી દિલ્હીઃ ભારતીય શેર બજાર માટે મંગળવારનો દિવસ પણ મંગલકારી રહ્યો નહોતો. આજે 12 નવેમ્બરે પણ બજાર ઘટાડે બંધ થયું હતું. બીએસઈ 820 પોઈન્ટ અને નિફ્ટી 300 તૂટયું હતું. રોકાણકારોએ આજે એક દિવસમાં 5 લાખ કરોડ ગુમાવ્યા હતા.

ગઈકાલે સોમવારના ઘટાડા બાદ આજે સવારે બજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. પરંતુ દિવસના અંતે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે દિવસ દરમિયાન એચડીએફસી બેન્ક, ટાટા મોટર્સ, અદાણી પોર્ટ સહિત મોટી કંપનીઓના શેર તૂટ્યા હતા. જેના લીધે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપમાં 5 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો.

સેન્સેક્સમાં 820 પોઈન્ટનો ઘટાડો
આજે સવારે ગ્રીન ઝોનમાં ખુલ્યા બાદ BSE સેન્સેક્સ 290 પોઈન્ટથી વધુ ઉછળ્યું હતું. ત્યાર બાદ અચાનક બજારનો ઉછાળો મોટા ઘટાડામાં ફેરવાઈ ગયો હતો. બપોરે 12 વાગ્યા સુધીમાં BSE ઈન્ડેક્સ 500 પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ 820 પોઈન્ટ્સ અથવા 1.03 ટકાના તીવ્ર ઘટાડા સાથે 78,675.18 ના સ્તરે બંધ થયો હતો.

નિફ્ટીમાં પણ 257 પોઈન્ટનો મોટો ઘટાડો
જો આપણે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સની વાત કરીએ તો તેની હાલત પણ સેન્સેક્સ જેવી હતી. મજબૂત શરૂઆત બાદ આ ઈન્ડેક્સ પણ ઘટવા લાગ્યો અને ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી-50 300થી વધુ પોઈન્ટ લપસી 23,839.15ના સ્તરને સ્પર્શયો હતો. બજાર બંધ થતાં સુધીમાં ઘટાડાની ગતિ ધીમી પડી હતી. તેમ છતાં NSE નિફ્ટી 257.85 પોઈન્ટ અથવા 1.07 ટકાના ઘટાડા સાથે 23,883.45ના સ્તરે બંધ રહ્યો હતો.

આ 10 મોટા શેર માર્કેટના ‘વિલન’ બન્યા
હવે મોટી કંપનીઓના શેરની વાત કરીએ જેણે માર્કેટમાં તીવ્ર અને એકાએક ઘટાડામાં મહત્વની ભૂમિકા ભજવી હોય તો BSEની 30માંથી 24 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા છે. આ લાર્જકેપ કંપનીઓમાં એનટીપીસી શેર 3.06%, એચડીએફસી બેંક શેર 2.73%, એશિયન પેઇન્ટ્સ શેર 2.65%, એસબીઆઈ શેર 2.52% અને ટાટા મોટર્સ શેર 2.46% બંધ રહ્યો હતો. અન્ય મોટી કંપનીઓમાં JSW સ્ટીલ શેર (2.28%), મારુતિ શેર (2.27%), પાવરગ્રીડ શેર (2.12%), અદાણી પોર્ટ્સ શેર (2.02%) અને બજાજ ફાઇનાન્સ શેર (1.98%) ખોટ સાથે બંધ રહ્યો હતો.

મિડકેપ અને સ્મોલકેપના શેર્સની કિંમત પણ ઘટી
મિડકેપ અને સ્મોલકેપ કંપનીઓ જેવી કે નેસ્લે, કોટક બેંક, એક્સિસ બેંક, HUL, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, ITC, ટાટા સ્ટીલ, ટાઇટન, TCS, ભારતી એરટેલ, HCL અને ઇન્ડસઇન્ડ બેંકના શેર્સ પણ તૂટ્યા હતા. મિડકેપ કેટેગરીમાં સમાવિષ્ટ કંપનીઓ વિશે વાત કરીએ તો વ્હર્લપૂલ શેર 7.33%, રિલેક્સો શેર 5.95%, સુઝલોન શેર 4.44%, BHEL શેર 3.78% અને Paytm શેર 3.71% વધીને બંધ રહ્યો હતો.

સ્મોલકેપ કેટેગરીમાં સૌથી વધુ ઘટેલા શેરોમાં, BASF શેર 14.83% ઘટ્યો, જ્યારે Globusspr શેરમાં 12.79% નો ઘટાડો નોંધાયો. આ સિવાય ITI લિમિટેડનો શેર પણ મોટા ઘટાડા સાથે બંધ થયો, આ શેર 9.85% ઘટીને રૂ. 295.15 પર બંધ થયો. બીજી તરફ, IIFL સિક્યોરિટીઝ શેર અને બજાજ કન્ઝ્યુમર શેર 8.16% ના ઘટાડા સાથે બંધ થયા છે

Most Popular

To Top