SURAT

ઉકાઈ ડેમની સપાટી 52 દિવસમાં આટલી વધી, વરસાદ બંધ થતા સુરતમાં ગરમીનો પારો વધ્યો

સુરત: ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ પડતા ડેમમાં 27 જૂનથી પાણીની આવક શરૂ થઈ હતી. એટલે કે 52 દિવસમાં ડેમમાં કુલ 4516.51 એમસીએમ પાણીની આવક થતા ડેમની સપાટી 29.40 ફૂટ વધી છે.

  • ઉકાઈ ડેમમાં 52 દિવસમાં 4516.51 એમસીએમ પાણીની આવક સાથે સપાટી 29.40 ફૂટ વધી
  • 27 જૂનથી ડેમમાં પાણીની આવક શરૂ થઈ ત્યારે સપાટી 305.40 ફૂટ હતી

ઉકાઈ ડેમ દક્ષિણ ગુજરાતની જીવાદોરી છે. ડેમમાં પાણીના નીરની શરૂઆત થાય એટલે ખેડૂતો આનંદીત થાય છે. અને જો ડેમ રૂલ લેવલ સુધી પણ નહીં પહોંચે તો ખેડૂતોની ચિંતા વધી જાય છે. ચાલુ વર્ષે ઉકાઈ ડેમમાં 27 જૂનથી નવા નીર શરૂ થયા હતા. શરૂઆતમાં ધીમી ધારે વરસાદી પાણીની આવક થઈ હતી.

બાદમાં ડેમમાં છેલ્લા એક મહિનામાં પાણીની સારી આવક થઈ છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાં પડતો વરસાદ, હથનુર અને પ્રકાશા ડેમમાંથી આવતુ પાણી ઉકાઈ ડેમમાં આવે છે. જેને કારણે ઉકાઈ ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે.

શનિવારથી ડેમમાં પાણીની આવક બંધ થતા પાણી છોડવાનું પણ બંધ કરાયું હતું. 27 જૂનથી આજદિન સુધી એટલે કે 52 દિવસમાં ઉકાઈ ડેમમાંકુલ 4516.51 એમસીએમ પાણીની આવક થઈ છે. જ્યારે જેમની સપાટી 52 દિવસમાં 29.4 ફૂટ વધી છે. 27 જુનએ ડેમની સપાટી 305.40 ફૂટ હતી જે વધીને 334.80 ફૂટે પહોંચી છે.

વરસાદે વિરામ લેતા જ તાપમાનનો પારો 34 ડિગ્રીએ પહોંચ્યો
ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદે વિરામ લીધો છે. તેવી જ રીતે શહેર અને જિલ્લામાંથી પણ બે દિવસથી મેઘસવારી વિદાય લીધી છે. રવિવારે તો શહેરમાં સૂર્યદેવએ જોરદાર તડકો પાથર્યો હતો. લોકોએ આજે ગરમીનો પણ અહેસાસ કર્યો હતો. ત્યારે શહેરમાં રવિવારે મહત્તમ તાપમાન 2.2 ડિગ્રી વધીને 34 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 26.8 ડિગ્રી નોંધાયું હતું. પવનોની દિશા પણ બદલાઈને પશ્ચિમની થઈ છે.

Most Popular

To Top