એક વાર એક રિક્ષા સ્ટેન્ડ પર ત્રણ રિક્ષાવાલા નવરા બેઠા બેઠા વાતો કરતા હતા. એમાંથી એક રિક્ષાવાલાએ ખિસ્સામાંથી એક ગુટખાની પડીકી કાઢી. હાથમાં મસળીને એના બંને રિક્ષાવાલા સાથીદારોને ખાવા માટે આગ્રહ કર્યો. એક સમજદાર રિક્ષાવાલાએ ખાવા માટે ના પાડી દીધી. પેલા મિત્રએ બીજા મિત્રને આગ્રહ કર્યો અને કહ્યું જરાક ખાવાથી કાંઇ નહીં થાય. એ એની વાતમાંઆવી ગયો અને જરાક હાથમાં લઇને ખાઇ ગયો. ફરી પહેલા મિત્રને ખાવા માટે આગ્રહ કર્યો. પેલા સમજદાર મિત્રએ કહ્યું કે જો આજે હુંએની સાથે મંડપ મહૂરન કરીશ તો કાલે મારે એની સાથે લગન કરવા પડશે. પછી મારે જીંદગીભર એના ગુલામ બનીને રહેવું પડશે. મારે એવું નથી કરવું. પહેલો મિત્ર જે એની વાતમાં આવી ગયો એને એવું વ્યસન લાગી ગયું કે પહેલા એક પછી બે પછી રોજની ત્રણ ચાર પડીકી ખાતો થઇ ગયો. સમય જતા પેલા બંને મિત્રોને જડબાનું કેન્સર થયું. એના ઇલાજ માટે પૈસાનુંપાણી થઇ ગયું. થોડાક સમયમાં બંને મિત્રો યુવાનીમાં ગુજરી ગયા. એક મિત્ર કુવારો હતો. પરંતુ બીજો મિત્ર જે અમારા નજીકના સંબંધથી જોડાયેલો હતો એના ગુજરી જવાથી એનો પરિવાર એનો એક દિકરો આવા ઘેરા સંકટથી લાચાર બની ગયો. એ તો સારી બાબત એ બની કે સમાજ એની પડખે આવીને ઉભો રહ્યો. મંડળનું મફત અનાજ અને વિદ્યાભ્યાસ માટે રોકડ રકમથી એ દીકરો ભણી ગણીને આગળ વધ્યો. અહીં મહત્વની વાત એ કરવાની કે કહેવાય છે કે મોટે ભાગે યુવાનો કોઇ દુષ્ટની સંગતમાં આવી રીતે વ્યસની બની જાય છે. એટલા માટે સંગ સજ્જનનો કરવાનો કોઇ દુર્જનનો નહીં. જેવો સંગ તેવો રંગ. આ વાત ગાંઠે બાંધી રાખવી.
સુરત – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
જેલો ઉભરાય છે...
ગુજરાતમાં જેલોમાં કેદીઓ ઉભરાય છે. સમગ્ર દેશમાં જેલો કેદીઓથી ઉભરાય છે. સંખ્યાબંધ કેદીઓ રીઢા છે. જેઓ ઘાતક છે. આવા ધનિક અને માલદાર કેદીઓ પાસેથી સરકારે ફૂડ બીલ વસૂલવું જોઇએ. ગરીબોના ટેક્ષના નાણા વિકાસ પાછળ ખર્ચાવાના બદલે ગુંડાઓ પાછળ ખર્ચાય છે. ખૂંખાર અને ખંડણી બાજ કેદીઓ પહેલા લોકોનું પડાવી ખાય છે. પછી જેલમાં જઇ સરકારનું મફતનું ખાય છે. તેમને ઘરનું ખાવાનો મોકો મળતો નથી. સરકારે દરેક કેદી પાસેથી ફૂડ બીલ વસૂલવું જોઇએ. કેદીની આવક, પેન્શન, જમીન વિગેરેમાંથી પૈસા લેવા જોઇએ. હવે કેદીઓ બોજો બની ગયા છે. વિદેશી કેદીઓને તેમના દેશમાં ધકેલી દો. જેલની સજા સાથે ભારે દંડની સજા કરો.
વિદ્યાનગર – જગદીશ ડી. ઉપાધ્યાય – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.