SURAT

બાળકોને મોબાઈલ રમવા આપતાં માતા-પિતાની આંખ ઉઘાડનારો કિસ્સો, સુરતમાં બાળકનો જીવ જોખમમાં મુકાયો

સુરત: ઘરના કામકાજમાં વ્યસ્ત માતા-પિતા રમતાં બાળકો પર ધ્યાન આપી શકતા નથી. વળી બાળક હેરાન ન કરે તે માટે માતા પિતા બાળકોને મોબાઈલ રમવા આપી દે છે. ત્યાર બાદ પોતાના કામે વળગી જાય છે. બાળક રમે છે તેમ માની તેઓ પોતાના કામે વળગ્યાં હોય છે ત્યારે ક્યારેક એવી ઘટના બને છે જે મા બાપને દોડતાં કરી મુકે છે. આવી જ એક ઘટના સુરત શહેરમાં બની છે. અહીં મોંઢામાં સિક્કો રાખી એક બાળક મોબાઈલ જોઈ રહ્યો હતો ત્યારે તે ભૂલમાં સિક્કો ગળી ગયો હતો. બાળકનો શ્વાસ રૂંધાતા માતા પિતા તેને લઈ હોસ્પિટલ દોડ્યા હતા.

સુરતમાં છ વર્ષનો બાળક ભૂલમાં સિક્કો ગળી ગયો હતો. આ સિક્કો ફેંફસામાં ફસાઈ જતા બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. માતા પિતા બાળકને લઈ સિવિલ પહોંચ્યા હતા, જ્યાં તબીબોએ ઓપરેશન કરીને બાળકના ફેંફસામાંથી સિક્કો બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો હતો.

બાળકની માતા સંગીતાદેવીએ કહ્યું કે, મારું બાળક છ વર્ષનું છે. મોબાઈલ જોતો હતો સાથે મોંમા સિક્કો રાખ્યો હતો. જે ગળી ગયો હતો. તેને શ્વાસ લેવામાં તકલીફ થતાં અમે તેને નજીકના દવાખાને લઈ ગયા હતાં. પરંતુ તબીબેએ કહ્યું કે, તેને સિવિલ લઈ જાઓ. એટલે અમે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતાં. અહીં તેનો એક્સ રે કરીને સિક્કો બહાર કાઢવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

સિવિલ હોસ્પિટલના તબીબોએ કહ્યું કે, બાળકને ઈમર્જન્સીમાં લાવવામાં આવ્યું હતું. તાત્કાલિક તેનો એક્સ રે કરવામાં આવ્યો હતો. જેમાં બાળકના ફેફસાં વચ્ચેની નળીમાં સિક્કો દેખાયો હતો. જેથી તાત્કાલિક તેને ઓપરેશનમાં લેવામાં આવ્યો છે. ઓપરેશન બાદ સિક્કો સલામત રીતે બહાર કાઢવામાં આવે તેવા પ્રયાસો હાલ તબીબી ટીમ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. જો કે, બાળકોને સિક્કા કે મોબાઈલ આપતાં પહેલા દરેક માતાપિતાએ સાવધાની દાખવવી જોઈએ.

Most Popular

To Top