સુરત (Surat): છેલ્લા 10 મહિનાથી શહેરમાં હાહાકાર મચાવનાર કોરોનાની (Corona Virus/Covid-19) હવે ધીરે ધીરે વિદાય થઈ રહી છે. 17 મી માર્ચે શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો અને ત્યારથી લઈ સુરત મહાનગરપાલિકાનું (SMC) તંત્ર કોરાનાને કાબુમાં કરવા માટે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યું છે. શહેરમાં લોકડાઉન (lockdown) લાગ્યું ત્યારે, પણ સુરત મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને કોરોનાની કામગીરીમાં ફરજ માટે મુકાયા હતાં. સાથે જ સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીના અધ્યક્ષસ્થાને મનપા મુખ્ય કચેરીમાં સાંજે મીટિંગોનો દોર ચાલતો હતો. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં ઘટાડો થતા કોરોના માટેની મીટીંગોના દોર પર પણ પૂર્ણવિરામ મુકાયું છે.
છેલ્લા 10 મહિનાથી સતત કોરોના સામે લડત આપતા આપતા હવે થોડા દિવસોથી તંત્રને રાહત મળી છે. શહેરમાં જુન-જુલાઈ માસમાં કોરોનાનો પીક સમય હતો. ત્યારે શહેરમાં દરરોજ 200 થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાતા હતા. પરંતુ દિવાળી બાદથી શહેરમાં ધીરે ધીરે કોરોનાના પ્રતિદિન નોંધાતા કેસમાં ઘટાડો થયો છે. હવે શહેરમાં દરરોજ 50 થી પણ ઓછા પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. સાથે જ હવે વેક્સિનેશનની (vaccination) કામગીરી પણ શરૂ થઈ ચુકી છે ત્યારે મનપામાં દરરોજ કોરોના માટેની મળતી મીટિંગ પણ બંધ કરી દેવાઈ છે. આખરે 10 માસ બાદ મનપાના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ જાણે રાહતનો શ્વાસ લીધો છે.
જણાવી દઇએ કે શહેરમાં કોરોનાની ધીરે-ધીરે વિદાય થઈ રહી છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં માત્ર 50 ની અંદર જ પોઝિટિવ દર્દી નોંધાઈ રહ્યા છે. રવિવારે શહેરમાં માત્ર 39 જ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા અને તે સાથે જ પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 39,455 પર પહોંચ્યો છે તેમજ છેલ્લા ઘણા દિવસથી શહેરમાં એક પણ મોત નોંધાઈ રહ્યા નથી. વધુમાં રવિવારે 50 દર્દીઓ સાજા થયા હતા. તે સાથે જ અત્યાર સુધીમાં 38,325 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. તેમજ રીકવરી રેટ 97.14 પર પહોંચ્યો છે. સેન્ટ્રલ 03, વરાછા-એ 03, વરાછા-બી 04, રાંદેર 09, કતારગામ 06, લિંબાયત 01, ઉધના 02, અઠવા 11.
બીજી બાજુ સુરત જિલ્લામાં શનિવારે કોરોનાના ત્રણ જ કેસ નોંધાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. જો કે, ત્યારબાદ રવિવારે ફરી આઠ કેસ નોંધાયા હતા. સુરત જિલ્લામાં વિતેલા ચોવીસ કલાક માં ચોર્યાસી તાલુકામાં 2, કામરેજ તાલુકામાં 3, પલસાણા તાલુકામાં 2 અને બારડોલી તાલુકામાં એક કેસ નોંધાયો હતો. જ્યારે ઓલપાડ, મહુવા, માંડવી, માંગરોળ અને ઉમરપાડામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા ન હતા. જે સારી બાબત છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 12,998 જેટલા કેસ નોંધાયા હતાં. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 287 લોકોના કોરોનામાં મોત નિપજ્યાં છે. જો કે, છેલ્લાં કેટલાક સમયથી જિલ્લામાં મોતનો રેશિયો ખૂબ જ ઓછો થઇ ગયો છે. હવે જિલ્લામાં વેક્સિનેશનની કાર્યવાહી શરૂ થઇ ગઇ હોવાથી આગામી દિવસોમાં કોરોનાની સ્થિતિ હજી વધુ સુધરે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.