Business

રાજેશ ખન્ના જેટલા સુપરસ્ટાર એટલો જ સુપર તેમનો ઈગો હતો

રાજેશ ખન્નાએ ઘણા વિષયવૈવિધ્ય સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. ‘દો રાસ્તે’ જૂદી છે, ‘બંધન’ જૂદી છે, ‘સચ્ચા જૂઠા’ જુદી છે. ‘દુશ્મન’ જૂદી છે. ‘કટિ પતંગ’, ‘ઇત્તેફાક’ જૂદી છે સફર છે અને આવી ફિલ્મોની યાદ પર નજર નાંખો તો પ્રેમ કહાની અને ‘આપ કી કસમ’ પણ જૂદા વિષયો ધરાવતી ફિલ્મો છે. તેઓ સુપરસ્ટાર જરૂર હતા પણ દરેક ફિલ્મે જૂદી મહેનત કરીને લોકપ્રિયતા જાળવી હતી. શક્તિ સામંત સાથે તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું પણ મનમોહન દેસાઈ, રાજ ખોસલા, યશ ચોપરા, ઋષિકેશ મુખર્જી, દુલાલ ગુહા, જે ઓમપ્રકાશ સહિત ઘણા દિગ્દર્શકો સાથે તેમની યાદગાર ફિલ્મ છે.
‘આપ કી કસમ’ ફિલ્મને આજે ‘ઝિંદગી કે સફર મેં ગુઝર જાતે હે જો મકામ…’ ગીત ઘણા યાદ કરે છે. જો કે ‘જય જય શિવશંકર…’ પણ બહુ મસ્ત અને તોફાની ગીત હતું. રાજેશ ખન્નાની બે ખાસ હીરોઇનો રહી-શર્મિલા ટાગોર અને મુમતાઝ, તેમની ફિલ્મના સંગીતકારોમાં મુખ્ય ત્રણ રહ્યા-લક્ષ્મીકાંત પ્યારેલાલ, કલ્યાણજી આણંદજી અને રાહુલ દેવ બર્મન. ‘આપકી કસમ’માં મુમતાઝ છે. રાહુલ દેવ બર્મનનું સંગીત રાજેશ ખન્ના સંજીવકુમાર સામે અભિનય કરવો બહુ પસંદ નહોતા કરતા કારણ કે સંજીવ તેમને અભિનયમાં મ્હાત કરી દેતા. પરદા પર રાજેશ ખન્ના સુપર સ્ટાર હોય તો તેમનો સુપર ઇગો પણ હોય છે. પરદા પર પોતાને પછડાટ જોવાનું ન જ ગમે. પણ આ ફિલ્મની વાર્તા બહુ રસપ્રદ છે. મૂળ કે. એસ. સેતુમાધવનની મલયાલમ ફિલ્મ ‘વાઝવે મયમ’ની રિમેક છે. અલબત્ત ફિલ્મનો અંત બદલવામાં આવ્યો છે. ફિલ્મમાં મુમતાઝ (ફિલ્મમાં સુનીતા)ને ધનવાન (પિતા રહેમાન) ઘરની બતાવાયેલી છે. કોલેજમાં તેનું અને કમલ ભટનાગર (રાજેશ ખન્ના)નું મિલન થાય છે, જે ભણવામાં ગંભીર છે. પણ મધ્યમ વર્ગનો કુટુંબનો છે. શરૂમાં એક બીજા વિશે ગલતફહેમી થાય છે, પણ તે દૂર થયા બાદ બંને એકબીજાના પ્રેમમાં પડે છે (કરવટે બદલતે રહે સારી રાત હમ આપકી કસમ) લગ્ન કરવાનો નિર્ણય લે છે. બંનેના કુટુંબને ય વાંધો નથી. મઝાનું લગ્નજીવન શરૂ થાય છે. કમલને તેના દોસ્ત મોહન (સંજીવકુમાર)ની મદદથી નોકરી પણ મળી જાય છે. મોહન એક પ્રેમાળ, ખુશમિજાજ વ્યક્તિ છે, પણ પત્નીથી દુ:ખી છે. આ મોહનને સુનીતા સાથે દોસ્તી થાય છે. શરૂમાં તો કમલને આ દોસ્તીમાં વાંધો નથી, પણ પછી મોહન પ્રત્યે ઇર્ષા જાગે છે ને શક કરવા લાગે છે. હકીકતમાં સુનીતા-મોહન વચ્ચે શંકા કરવા જેવા સંબંધ જ નથી. એક વાર મોહને રાખેલી પાર્ટીમાં કમલ તેની પત્ની સુનીતાને કમલ સાથે જુએ છે. સુનીતાને ખબર નથી કે કમલના મનમાં શું છે પણ બંને વચ્ચે એવો ઝઘડો થાય છે કે સુનીતા તેના મા-બાપના ઘરે રહેવા ચાલી જાય છે. સુનીતાના પિતા પણ કમલને સમજાવવા પ્રયત્ન કરે છે પણ કમલે કશું સાંભળવું જ નથી. સુનીતા જો કે કમલને છોડવા માંગતી નથી પણ તેના પિતા કહે છે કે ના, હવે તું તેની સાથે નહીં રહી શકશે.
મોહન આ બધું જાણે છે તો સુનીતાને કહે છે કે હું તારી પાસે રાખડી બંધાવવા તૈયાર છું. પણ સુનીતાના પિતા ના પાડે છે. કમલને આખી વાત સમજાય અને ફરી નજીક આવે એવા પ્રયત્નમાં છૂટાછેડાની નોટિસ મોકલે છે પણ કમલ પેલી શંકામાંથી બહાર જ નથી આવ્યો. એટલે છૂટાછેડા થઇ જાય છે. પણ એક સુરેશ નામના વ્યક્તિ સાથે અચાનક મળવાનું બને છે જે મોહનના ઘરમાંથી ભાગવાનો પ્રયત્ન કરતો હોય છે. તેના વડે ખબર પડે છે કે તે મોહનની પત્ની સાથે સંબંધ ધરાવે છે અને મોહનને સુનીતા સાથે એક મિત્ર સિવાય કોઇ સંબંધ નથી. કમલ પોતાના મિત્ર મોહન પાસે જાય છે ને માફી માંગી લે છે પણ હવે સુનીતા સાથે તો છૂટાછેડા થઇ ગયા છે. શું કરવું? પશ્ચાત્તાપમાં તે ઘર છોડી દે છે અને એકલો ભટકે છે. ભટકતાં ભટકતાં વર્ષો વીતે છે અને વૃદ્ધ થયો છે. દાઢી આવી છે ને ભિખારી જેવો લાગે છે. તેને થાય છે કે મેં મારા દોસ્ત પર શક કર્યો અને પત્નીના પ્રેમને સમજી ન શકયો તેના કારણે આ રઝળપાટ મળ્યો છે. ઝિંદગી કે સફરમેં ગુજર જાતે હૈ જો મકામ, વો ફિર નહીં આતે, વો ફિર નહીં આતે…)તે પોતાની જૂની યાદો તાજી કરવા પોતાના ઘરે જાય છે, જે હવે બીજાનું છે ત્યાં તેની પર ચોરીનો આરોપ લાગે છે પણ મોહન તેને ઓળખી જાય છે. તે કમલને સુનીતાનો એક પત્ર આપે છે. તેણે લખ્યું છે કે તેણે તેની દીકરી માટે બીજા લગ્ન કર્યા હતા કારણ કે છૂટાછેડા લીધા ત્યારે તે ગર્ભવતી હતી. છેલ્લે નાટકીય સંજોગોમાં કમલ તેની દીકરીને લગ્નસમારંભમાં લાગેલી આગમાંથી બચાવે છે. સુનિતા જયારે કમલને ઓળખી જાય છે તો તેની આ હાલત જોઈએ દીકરીને કહે છે કે તારા સગા પિતા આ જ છે. ફિલ્મ ખૂબ સરસ લખાયેલી છે અને રાજેશ ખન્ના, મુમતાઝ, સંજીવકુમારને કારણે તમને ખૂબ જ જોવા જેવી લાગશે. ગીતોમાં પણ ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’, ‘પાસ નહીં આના’, સુનો કહો, કહા સુના’ ગીતો અને જિંદગી કે સફર મેં અને ‘જય જય શિવ શંકર’ ગીતો છે. ફિલ્મમાં એક વાત સમજાય છે કે જિંદગી તમને બીજો મોકો નથી આપતી. પત્નીને ન સમજો, મિત્ર ઉપર ઘમંડ સાથે શક કરો અને સચ્ચાઈ સમજવા જરા પણ તૈયાર ન હો તો છેલ્લે પસ્તાવાનો વારો આવશે. જિંદગી રાખ થવા આવશે તોય બગડેલું સુધારી નહીં શકશો. ફિલ્મનાં દરેક ગીતો બહુ જ સરસ સ્થળો પર ફિલ્માવાયાં છે. આનંદ બક્ષીએ દરેક ગીતો ઉત્તમ લખ્યાં છે. સ્ત્રીના માસિક ધર્મ દરમ્યાનનું ગીત પણ અહીં છે એવા દિવસમાં પતિએ દૂર રહેવાનું હોય છે. પાસ નહીં આના, દૂર નહીં જાના, તુમકો સોગંદ હે કી આજ મહોબ્બત બંધ હે’, ફિલ્મનું શૂટિંગ ગુલમર્ગ અને કાશ્મીરના સ્થળો પર થયું છે. બીજી વાત કે ‘આપકી કસમ’ રજૂ થઇ તે વર્ષે જ મુમતાઝે મયુર માધવાણીએ લગ્ન કરી લીધેલા. રાજેશ ખન્ના પણ 1973માં લગ્ન કરી ચૂકયા હતા એટલે મુમતાઝે આખર પરણી જવું નક્કી કરેલું. ખેર, જે. ઓમપ્રકાશની આ એક યાદગાર ફિલ્મ છે. તેઓ હંમેશા અંગ્રેજીના ‘A’ ને પહેલો અક્ષર રાખી ફિલ્મોને શીર્ષક આપે છે. ‘આસ કા પંછી’, ‘આઈ મિલન કી બેલા’ ‘આયે દિન બહાર કે’, ‘આયા સાવન ઝૂમકે’ અને પછી ‘આપકી કસમ’, આગલી ફિલ્મોમાં તેઓ ફકત નિર્માતા જ હતા પણ ‘આપકી કસમ’થી દિગ્દર્શક પણ થયા. ‘આપકી કસમ’ વખતે રાજેશ ખન્નાનો જમાનો હતો. તે સમય ફિલ્મ જોઈ હતી તેને જ એ જમાનો સમજાશે.
‘આપકી કસમ’ જેવી યાદગાર ફિલ્મ પછી રાજેશ ખન્ના, મુમતાઝની જોડી અલગ પડી ગઇ. મુમતાઝ પરણીને વિદેશ ગઇ. પણ આ ફિલ્મ વાર્તા, ગીત-સંગીતને કારણે યાદગાર છે. ¬¬ •

Most Popular

To Top