Columns

સ્કૂલો શરૂ થતાં જ બાળકોને શું નાસ્તો આપવો તેની ઝંઝટ શરૂ

સ્કૂલો શરૂ થતાં જ નાળુ વેકેશન પત્યું, સ્કૂલો ફરી શરૂ થઈ. ફરી “બાળકોને નાસ્તામાં શું આપવું ? બાળકોમાં ખોરાકની સારી આદતોનું સિંચન થાય તે માટે શું કરવું ? સ્કૂલે જતાં, ઝડપથી વિકાસ પામતાં બાળકોને પૂરતું પોષણ મળી રહે તે પ્રકારનો ખોરાક કઈ રીતે આપવો?” આ પ્રકારની માતાઓની રામાયણ ચાલુ થઈ ગઈ! તો ચાલો આ અંકમાં અને આવનારા કેટલાક અંકોમાં આપણે શાળાએ જતાં, વધતાં બાળકોને કયા પ્રકારે અને કેટલું પોષણ આપવું તથા ‘સ્વાસ્થ્યપ્રદ’ કહી શકાય એવા નાસ્તા કયા કયા હોઈ શકે અને તે કઈ રીતે બનાવવા તે વિશેની માહિતી મેળવીએ.

બાળમંદિર જતાં બાળકોનો શારીરિક તથા માનસિક વિકાસ અને તેમની પોષક તત્ત્વોની જરૂરિયાત વિશે પહેલા જાણીએ:-
બાળમંદિરે જતાં બાળકો એટલે કે પ્રી સ્કૂલમાં જતાં બાળકો અતિ ચંચળ હોય છે. એમની શારીરિક હલનચલનની પ્રક્રિયાઓ ખૂબ વધારે અને ઝડપી હોય છે. આવા સંજોગોમાં તેમને થોડા થોડા આહારની દર બે – ત્રણ કલાકે જરૂર પડે છે. જો આ સમયે યોગ્ય આહાર આપવામાં આવે તો બાળકમાં ખાનપાનની યોગ્ય આદતો વિકાસ પામે છે અને શરીરને જોઈતા પ્રમાણમાં પોષક તત્ત્વો મળી રહે છે. બાળમંદિરમાં જતાં બાળકો એટલે કે ૩ થી ૬ વર્ષનાં બાળકોનો આહાર કેવો હોવો જોઈએ તે આ અંકે જાણીએ. બાળકોની પોષક તત્ત્વો માટેની એક દિવસ દરમ્યાનની જરૂરિયાતો નીચે મુજબ છે. (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યૂટ્રીશન( હૈદરાબાદ)એ જાહેર કરેલ સૂચન અનુસાર)

આ બધી પોષક તત્ત્વોની જરૂરિયાત યોગ્ય રીતે પૂરી થઈ રહે તે બાળકના વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ જરૂરી છે. સ્તનપાન જાગૃતિ અભિયાનના પરિણામે આજકાલ બાળક લગભગ ૧ થી ૧.૫ વર્ષ સુધી માતાના દૂધ પર રહેતું હોય છે અને લગભગ છઠ્ઠા મહિનાથી ધીરે ધીરે બહારનો ખોરાક આપવાની શરૂઆત કરતા હોઈએ છીએ. એની સાથે સાથે બાળકોમાં અલગ અલગ સ્વાદ પારખવાની ગ્રંથિઓ સક્રિય થતી હોય છે. અહીં માતાના દૂધનો સ્વાદ થોડો ગળચટો હોઈ બાળકોને ગળપણ માટે થોડું આકર્ષણ આ ઉંમરથી જ ઉત્પન્ન થાય છે. કદાચ આ કારણથી જ બાળકને ચોકલેટ, કેક અને આઈસ્ક્રીમ જેવા ગળ્યા પદાર્થોનું આકર્ષણ રહેતું હશે.

૩-૬ વર્ષ ની ઉંમર એટલે પોતાનાં જેવાં અન્ય બાળકોમાં ભળવાની, તેમને જોઈને નવું નવું શીખવાની અને તોફાન કરવાની ઉંમર. અહીં ઉપરના કોષ્ટકમાં જોયું તે મુજબ કેલરીની જરૂરિયાત વધુ હોય પરંતુ આ જ સમયે બાળક વધુ પડતાં કેક, ચોકલેટ, બિસ્કીટ, ડોનટ્સ જેવા અતિશય ગળ્યા અથવા પીઝા, બર્ગર, વેફર, કુરકુરે જેવા જંકફૂડમાંથી આ કેલરી મેળવી લે તે યોગ્ય રીત નથી. એથી નીચે મુજબના ખાદ્યપદાર્થો બાળકોના દૈનિક આહારમાં ઉમેરવા જરૂરી બને.

•- ઘઉં, ચોખા, જુવાર, મકાઈ જેવા અનાજ દાળ, કઠોળ, ફણગાવેલા કઠોળ ઓછામાં ઓછાં ૩ ફળો ૫૦૦-૬૦૦ મિલી દૂધ એક કંદમૂળ એક લીલી ભાજી ૧ વાડકી કાચાં શાકભાજી ૩ ચમચી તેલ/ઘી/ બટર •- શીંગદાણા, તલ જેવાં તેલીબિયાં ઉપર જણાવેલ તમામ ખાદ્યપદાર્થોના અલગ અલગ સંયોજન કરી બાળકના શાળાએ લઈ જવાના દૈનિક નાસ્તાનું આયોજન કરી શકાય. આ ઉપરાંત નીચે મુજબનાં સૂચનો પણ ધ્યાનમાં લેવા યોગ્ય છે.

શાળામાં નાસ્તાના ડબ્બા સાથે એક સિઝનલ ફળ મૂકવું અવશ્ય યાદ રાખવું. અન્ય બાળકોને જોઈ ને પણ બાળક ફળ ખાવાની સારી આદત પાડી શકે છે. બાળકને દિવસ દરમ્યાન ૨-૩ કપ દૂધ આપવાથી તેની કેલ્શિયમ અને પ્રોટિનની જરૂરિયાતો પૂરી થાય છે. બાળક દિવસ દરમ્યાન ૨-૩ વાર અલગ અલગ પ્રકારનાં ફળો ખાય તે તેની રોગપ્રતિકારકશક્તિ માટે જરૂરી છે. બાળક પૂરતો આહાર લે તેની સાથે તે રમતગમતમાં સક્રિય રહે એ પણ જરૂરી છે માટે મોબાઈલનો ઉપયોગ બને તેટલો ટાળી બાળક વધુ ને વધુ શારીરિક રીતે સક્રિય રહે તેવી રમતો રમાડવાનો આગ્રહ રાખવો જોઈએ.

•# જમતી વખતે બાળકને મોબાઈલ પકડાવવાની ભૂલ બિલકુલ કરવી જોઈએ નહિ. બાળકો ભોજન લે ત્યારે તેનું સંપૂર્ણ ધ્યાન ભોજન તરફ જ હોય તે તેની સ્વાદેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, ઘ્રાણેઈન્દ્રિય, દૃશ્યેન્દ્રિયના વિકાસ માટે અતિ – અતિ આવશ્યક છે.
•# જે ખોરાક બાળક ખાઈ રહ્યું છે તે ખોરાક વિશેની માહિતી તે બાળકને આપવાની પણ એક માતાની ફરજ બને છે જેથી પોતે જે ખાઈ રહ્યું છે તેનું પોષણની દૃષ્ટિએ, સામાજિક દૃષ્ટિએ, ધાર્મિક દૃષ્ટિએ અને સંવેદનાની દૃષ્ટિએ મહત્ત્વ બાળક સમજી શકે.
••# બાળક રાત્રે ૮-૧૦ કલાકની પૂરતી ઊંઘ લે તે તેના ખોરાકના પાચન માટે પણ જરૂરી છે આમ કહી શકાય કે જો બાળકમાં યોગ્ય આહારની આદતો પાડવી હોય તો તે માટે ૩-૬ વર્ષની આયુ એ સૌથી ઉચિત છે અને એ માટે માતા અને સાથોસાથ શાળાના શિક્ષકોનું પણ આહાર અંગે સુશિક્ષિત હોવું અનિવાર્ય બને છે.

Most Popular

To Top