વડોદરા : પરપ્રાંતિય યુવતીની સાથે પોતાની હવસ પૂરી કરવા પાશવી બળાત્કાર ગુજારનાર નરાધમ રાજુ ભટ્ટ આખરે ક્રાઈમ બ્રાંચના સકંજામાં આબાદ ઝડપાઈ જતાં હાઈપ્રોફાઈલ કેસમાં બે આરોપીઓ સકંજામાં આવી ગયા હતા. 9 દિવસથી ક્રાઈમ બ્રાંચનો હંફાવનાર રાજુ ભટ્ટને જૂનાગઢથી મંગળવારે સવારે દબોચી લીધો હતો. આરોપીને લઈને પોલીસ મોડીરાતે વડોદરા પહોંચે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
ગોત્રી પોલીસ મથકમાં તા.19મીના રોજ હરીયાણાની 24 વર્ષીય યુવતીએ વેદનાસભર પાશવી બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ગુનામાં સંડોવાયેલા માલેતુજારો અને વગદાર રાજુ ભટ્ટ તથા અશોક જૈનના નામ ખુલતા રાજ્યભરમાં હડકંપ મચી ગયો હતો. ગોત્રી પોલીસે પ્રાથમિક તપાસમાં જ કઈ ના ઉકાળતા રાતોરાત તપાસ આચકીને ક્રાઈમ બ્રાંચને સોંપતા જ બંને નરાધમો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. કલંકિત ઘટનાની ફરિયાદ બાદ 9 દિવસ સુધી પોલીસને બંને આરોપીઓ હંફાવતા હતા. પોલીસની સાત ટીમો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત ત્રણ રાજ્યો ખુંદી વળી હતી.
ક્રાઈમ બ્રાંચે પણ એડી ચોંટીનું જોર લગાવતા હેમંત ઉર્ફે રાજુ ત્રંબકલાલ ભટ્ટનું પગેરું સૌરાષ્ટ્ર તરફ નીકળતાં ટીમને સતર્ક કરીને રવાના કરી દીધી હતી. આરોપી જૂનાગઢમાં હોવાની ચોક્કસ બાતમી મળતા ક્રાઈમ બ્રાંચે એલસીબીના ડીવાયએસપી જાડેજાએ તેમની સતર્ક પોલીસ ટીમને છુપા વેશે વોચ રાખવા મુખ્યત્વે માર્ગો પર ગોઠવી દીધા હતા. જૂનાગઢના હાર્દ સમા કાળવા ચોક પાસે રાજુ ભટ્ટ તેના એડવોકેટ મિત્રને મળીને કારમાં બેસતાં જ પોલીસે દબોચી લેતાં આરોપી રીતસર ડઘાઈ ગયો હતો. રાજુએ સ્વંયને પણ વિચાર્યું ન હતું કે, વડોદરાથી દોડાવતી ક્રાઈમ બ્રાંચ આખરે જૂનાગઢમાંથી ઝડપી પાડશે. આરોપીની અટકાયત કરીને પોલીસ ટીમ પોલીસ સ્ટેશન લઈને ગઈ હતી.
જ્યાં પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબુલાત કરી હતી કે, જૂનાગઢ અમરેલી તરફ અનેક સગા-સંબંધી હોવાથી છુપાવવા ઈરાદે જૂનાગઢ તરફઆવી ગયો હતો અને સ્થાનિક એડવોકેટ તેનો અંગત મિત્ર હોવાથી કાનૂની સલાહ લેવા તેની ઓફિસમાં બેઠો હતો. જે મીટીંગ પૂરી થયા બાદ કારમાં બેસીને ભેંસાણ અમરેલી તરફ પ્લાયન થવાનો પ્લાન હતો. ધોધમાર વરસાદ વચ્ચે ક્રાઈમ બ્રાંચની ટીમ આરોપીને રોડ માર્ગે લઈને વડોદરા આવવા નીકળી જતાં મોડીરાત્રે રાજુ ભટ્ટને લઈને વડોદરા આવવાની અટકળો વહેતી થઈ હતી. મંગળવારે કોવિડ-19ના કાયદા પ્રમાણે આરોપીનો આરટીપીસીઆર ટેસ્ટ બાદ ધરપકચ કરશે અને 30મીએ રિમાન્ડ અર્થે કોર્ટ કાર્યવાહીની તજવીજ હાથ ધરાશે તેવું સાંભળવા મળ્યું હતું.
પાવાગઢ મંદિરના વહીવટમાં પારદર્શકતા નથી..!?
મંદિરનો હિસાબ ક્યારેય જાહેર ન કરાતા સવાલો ઉઠયા
ચકચારી હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કાંડના આરોપી અને પાવાગઢ કાલીકા માતા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુભટ્ટની સંડોવણી અને ધરપકડ બાદ પાવાગઢ મંદિરમાં રાજુભટ્ટ ના વહીવટ સામે હવે સવાલો ઉઠી રહ્યા છે પાવાગઢ મંદિરના વહીવટ પારદર્શકતા ન હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે મંદિરની કરોડની આવકમાં પારદર્શકતા ન જળવાતા ભક્તો દ્વારા અનેક વિધ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે રાજ્યમાં પાવાગઢ એકમાત્ર એવું મંદિર છે કે જેનો હિસાબ આજદિન સુધી જાહેર કરાયો નથી. ગુજરાતના અનેક મંદિરો જેમકે અંબાજી મંદિર,ચામુંડા માતા મંદિર સોમનાથ મંદિર સહિત મંદિરોનો વહીવટ ટ્રસ્ટ ચલાવે છે આ પૈકીના લગભગ તમામ મંદિરો સમયાંતરે પોતાના હિસાબો જાહેર કરે છે.
પરંતુ પાવાગઢ કાલીકા માતા મંદિર ટ્રસ્ટના હિસાબો જાહેર કરવામાં ન આવતા સવાલો ઉભા થયા છે તેમાંય રાજુ ભટ્ટની દુષ્કર્મ કાંડ માં સંડોવણી બહાર આવતા મંદિર ના હિસાબો ના સવાલોને વેગ મળ્યો છે રાજુ ભટ્ટ પાવાગઢ મંદિર ટ્રસ્ટનો સર્વેસર્વા મનાય છે મંદિરના વહીવટમાં રાજુનું એકહત્થું શાસન ચાલે છે રાજુ ભટ્ટ કહે તેવું જ ટ્રસ્ટમાં થતું હોવાનુ પણ કહેવાય છે ઉલ્લેખનીય છે કે પાવાગઢ મંદિરમાં રોજનો લાખો રૂપિયાનો ચઢાવો આવે છે વર્ષે દહાડે લગભગ ૫૦ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ પાવાગઢ મંદિરના દર્શન કરી યથાશક્તિ ચઢાવો ચડાવે છે.
જેમાં કેટલીક વખત ભક્તો સોના-ચાંદીના દાગીના પણ ચડાવવા રૂપે ચઢાવતા હોય છે અગાઉ સોના-ચાંદીના દાગીનાને ગાળી લઈ ઘાલમેલ કરવાની હકીકતો સામે આવી હતી અને તેમાંય રાજુ ભટ્ટ નું નામ ચાદી ગાળી વાગે કરવામાં ચગ્યુ હતું હવે મંદિરના હિસાબમાં પણ રાજુ ભટ્ટ ગફલો કરતા હોવાનું ભક્તોમાં ચર્ચાઈ રહ્યું છે મંદિરના હિસાબમાં પારદર્શકતા ન રાખી મંદિરના શ્રદ્ધાળુઓની આસ્થા સાથે પણ ખેલ ખેલાય રહ્યાની પણ ચર્ચાઓ થઈ રહી છે ત્યારે ક્રાઇબ્રાન્ચ આ મામલે પણ તપાસ કરે તો રાજુ ભટ્ટ ના વહીવટના કારનામાઓ પણ ખુલ્લા પડી શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
પ્રદેશ પ્રમુખ ભાર્ગવ ભટ્ટ પણ રાજુ ભટ્ટ પર ઓળઘોલ
માત્ર દોઢ દાયકામાં કુટનીતિ, છળકપટ અને રાજકારણીઓની અાંગળી પકડીને કરોડો રૂપિયામાં આળોટતો હેમંત ઉર્ફે રાજુ ભટ્ટના તો શહેર ભાજપની આખી લોબીમાં પડઘા પડતા હોવાનું જાણવા મળ્યું છે. મોવડી મંડળના અગ્રણીઓથી માંડીને પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ સહિતના દિગ્ગજોના પણ ચાર હાથ હોવાનું ચર્ચાય છે.