છેલ્લાં કેટલાય વખતથી આપણે G20 એટલે કે ગ્રૂપ ઑફ ટ્વેન્ટી વિશે સાંભળીએ છીએ. માહિતી ઓવર લોડના વખતમાં આપણને એમ થાય કે જાણી લેશું કે શું છે અને આપણને તો બધી ખબર જ છે. પણ છતાંય 2023માં પહેલીવાર G20ની અધ્યક્ષતા ભારતને મળી છે ત્યારે આ G20 વિશે થોડી પ્રાથમિક માહિતી મેળવવામાં કંઇ ખોટું મોળું નહીં થાય. 1990નો દશક હતો જ્યારે ખાસ કરીને સાઉથ ઇસ્ટ એશિયાના રાષ્ટ્રોની અર્થ વ્યવસ્થાના હાલ બેહાલ હતા અને ત્યારે G20ની શરૂઆત કરાઇ જેમાં વિવિધ દેશોના નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક્સના ગવર્નર્સને સાથે લવાયા.
2007માં આ જૂથમાં સરકારી વડાઓને પણ સામેલ કરાયા. કઇ રીતે બેવડ વળી ગયેલા અર્થતંત્રને બેઠું કરવું તેની પર વિવિધ રાષ્ટ્રોના ચાવીરૂપ ચહેરાઓ ચર્ચા કરે, એકબીજાને કેવી રીતે મદદરૂપ થઇ શકે તેની પણ વાત કરે. G20માં સાતેય ખંડ, યુરોપિયન યુનિયનના 19 દેશો સામેલ છે. G20માં સ્વાભાવિક રીતે જ વિશ્વશાંતિ, સ્વાસ્થ્ય અને અર્થતંત્ર સાથે સંકળાયેલી સંસ્થાઓ હોય. G20માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, યુનાઇટેડ નેશન્સ, વર્લ્ડ બેંક, આઇએમએફને તો નિમંત્રણ અપાય છે પણ જે સ્પેન, બાંગ્લાદેશ તથા નાઇજિરિયા જેવા દેશો જે તેના સભ્ય નથી તેમને પણ આમંત્રણ અપાય છે.
G20 કોઇ ચોક્કસ રાષ્ટ્રમાં પોતાની બેઠકો નથી યોજતું. દર વર્ષે કોઇ એક દેશને આ કરવાનો મોકો મળે છે અને આ વખતે એટલે કે 2023માં આ અધ્યક્ષતા નિભાવવાનો મોકો ભારતને મળ્યો છે. જો કે G20ની જવાબદારી વહેંચાય એટલે કે એક સભ્ય દેશ તેનું પ્રમુખપદ સંભાળે, કાર્યસૂચિનો એક હિસ્સો નાણાં પ્રધાનો સાચવે અને બીજા સભ્ય દેશોના નેતા એમ્બેસડર્સ દ્વારા બે ભાગમાં વહેંચવામાં આવે. ભારતે પાસે આ પ્રમુખ પદ છે તે દરમિયાન ભારતે પોતાના દેશમાં અલગ-અલગ 50 શહેરોમાં 200 જેટલી બેઠકો કરશે તેમાં મંત્રીઓ, ઑફિસર્સ અને સમાજ અગ્રણી નાગરિકો હશે અને અંતે G20 સમિટ થશે જે પાટનગર દિલ્હીમાં કરાશે. આ સમિટમાં વિવિધ રાષ્ટ્રો અને રાજ્યોના વડા અને સરકારી અધિકારીઓ હાજરી આપશે.
G20 સમિટમાં વૈશ્વિક અર્થતંત્રની દશા અને દિશા બંન્ને નક્કી કરાય છે. અર્થ વ્યવસ્થાના મોટા એજન્ડા અહીં નિયત થાય છે. તમે માનશો આખી દુનિયાનો 85 ટકા વ્યાપાર G20ના સભ્ય દેશો દ્વારા જ મેનેજ થાય છે અને માટે જ આ વાર્ષિક સંમેલન બહુ અગત્યનું છે. એક સમયે તેમાં માત્ર આર્થિક ધ્યેયની વાત થતી પણ સમય જતાં વિશ્વ શાંતિથી માંડીને સ્વાસ્થ્ય સુધીના મુદ્દા G20નો ભાગ બનતા ગયા એ કારણે દુનિયા પણ એ રીતે જ બદલાતી ગઇ.
ભારતને માથે જ્યારે G20ની અધ્યક્ષતાનો કળશ ઢોળાયો છે ત્યારે સ્વાભાવિક રીતે જેમ હંમેશાથી થતું આવ્યું છે તેમ આગલા યજમાન દેશ સાથે ભારતે સતત સંવાદ ચાલુ રાખવો પડે. આ વર્ષે 17મું G20 સમિટ ઇન્ડોનેશિયામાં થયું અને એમાં જે બાબતો ચર્ચાઇ તેનું અનુસંધાન ભારતમાં આગલા વર્ષે એટલે કે 2024માં થનારા G20 સમિટમાં સાધવાનું રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20માં ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, ડિજીટલ ટ્રાન્સફ્રર્મેશન અને સ્વાસ્થ્ય આ મુદ્દાઓ પરના સત્ર પર ભાગ લેવાનો નિર્ણય લીધો છે. વળી અન્ય રાષ્ટ્રોના નેતૃત્વ સાથે વૈશ્વિક અર્થવ્યવસ્થા, પર્યાવરણ, ખેતી જેવા મુદ્દાઓની ચર્ચા પણ કરાશે.
વળી આ વર્ષનું સમિટ વૈશ્વિક સ્તરે સર્જાયેલા તાણના માહોલ પછી થશે એટલે એ મુદ્દાઓ પણ સંવેદનશીલ રહેવાના. જેમ કે યુક્રેન અને રશિયા વચ્ચેના સંઘર્ષને કારણે રાજકીય જ નહીં પણ આર્થિક સંતુલન પણ ખોરવાયું છે. વળી અમેરિકા અને પશ્ચિમના અન્ય દેશોમા વધતી રહેલી મોંઘવારી તથા ઓઇલ ઉપરાંત ખાદ્ય પદાર્થોના વધતા ભાવ માટે પુતિનના આંધુળિકિયા વલણ પણ અંગુલી નિર્દેશ થઇ શકે છે અને પુતિનને યુદ્ધ પર પૂર્ણવિરામ મુકવા માટે દબાણ કરી શકાય છે. આ વર્ષે G20માં રશિયા તરફથી પ્રતિનિધી તરીકે ત્યાંના વિદેશ મંત્રી આવશે, રાષ્ટ્રપતિ પુતિન નહીં આવે. પણ ઝેલેન્સ્કી વીડિયો કોન્ફરન્સ્ લિંકથી સમિટને સંબોધન કરશે. આમાં પણ રશિયાને વાંકુ પડી શકે છે.
હવે આખી એક વાત એવી પણ દિલ્હી સર્કિટમાં ચાલે છે કે ભારત ગ્લોબલ સાઉથનો અવાજ બનવાનું બીડું ઝડપ્યું છે એનાથી યુએસ અને યુરોપમાં જે ભારતના નવા આંતરાષ્ટ્રીય ભાગીદારો બન્યા છે તેમને પેટમાં તેલ રેડાયું છે. તેમને ચિંતા છે કે ભારત ક્યાંક પશ્ચિમ વિરોધી વિચારની દિશામાં પાછો તો નથી ફરી રહ્યો ને? આ છેલ્લાં કેટલાક વર્ષોમાં ઘડાયેલી નવી ફોરમ જેવી કે BRICS વગેરેને આ ગ્લોબલ સાઉથ વાળા બધાં ભેગા મળીને હાંસિયામાં ધકેલી દેશે તો શું થશે? NAM – નોન અલાઇન્ડ મુવમેન્ટ અને ત્રિજા વિશ્વના દેશો સોવિયેટ યુનિયન સહિતનાં બધાં જ પશ્ચિમી દેશોના વિરોધી રહ્યા છે. વળી મુડીવાદી પશ્ચિમના દેશો સામે જો તેમને પહેલો વાંધો હોય તો બીજો વાંધો તેમને સમાજવાદી પૂર્વ સામે રહ્યો છે.
વળી ભારત એક તરફ વસુધૈવ કુટુંબકની વાત કરતો દેશ હોય તો તે કઇ રીતે માત્ર ગ્લોબલ સાઉથની વાત કરી શકે? કારણકે એમ કરવામાં ભારતની કિંમત તો થઇ જ જવાની. વળી ગ્લોબલ સાઉથ સાથે ભારતને હંમેશાથી સારાસારી નથી રહી અને માટે જ હવે તેના ચેમ્પિયન થવાની જો ભારતને ચાહ હશે તો તેણે વિકાશીલ વિશ્વના પ્રાદેશિક રાજકારણમાં પણ ઝંપલાવવું પડશે. વળી ભારત જો શાંતિ વાહક રાષ્ટ્ર તરીકે પોતાની છબી પર કામ કરવા ધારશે તો એ તો અઘરું જ હશે કારણકે જે રાષ્ટ્રો સાથે આગળ કામ પાર પાડવાનું છે તે બધાં પોત પોતાના એજન્ડા અને જિઓ પોલિટીકલ ઇરાદાઓને મહત્વ આપે તે સ્વાભાવિક છે અને તેમાંથી કોઇને ય વાંકુ પડશે તો આપણે ગોટે ચઢી જશું.