ખેડા: ખેડાના સમાદરા ગામમાં આવેલ વણકરવાસ વિસ્તારમાં કેટલાક માથાભારે શખ્સો દ્વારા જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે પાકા દબાણો ઉભા કરવામાં આવ્યાં હતાં. જે પોલીસ પ્રોટેક્શન સાથે હટાવ્યાં હતાં.
ખેડા તાલુકાના સમાદરા ગામમાં રહેતાં કિશનસિંહ શંકરસિંહ પરમારે ગત તા.16-2-23 ના રોજ ગામમાં આવેલ વણકરવાસમાં ચામુંડા માતાજીના મંદિરથી તેમના ઘર સુધીમા જાહેર રસ્તા પરના દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવા માટે ગ્રામપંચાયતમાં અરજી કરી હતી. આ અરજીમાં તેમણે જણાવ્યું હતું કે, વણકરવાસના જાહેર રસ્તા પર ગેરકાયદેસર દબાણ થવાના કારણે લોકોને અવર-જવર કરવામાં ખુબ તકલીફ પડે છે.
પંચાયત દ્વારા આર.સી.સી રોડ બનાવ્યા પછી તેના ઉપર સંડાસ, બાથરૂમ, પાણીની ટાંકીઓ તેમજ ઓટલા બહાર કાઢી દબાણ કરવામાં આવ્યું છે. જેને કારણે આ જાહેર રસ્તો ખુબ જ સાંકડો થઈ ગયો હોવાથી અવાર-નવાર ત્યાં ઝઘડા પણ થાય છે. વધુમાં દબાણની સાથે સ્થનિકો દ્વારાન બાઈક પાર્ક કરાતાં હોવાને કારણે રસ્તો બંધ થઈ જવા પામ્યો છે. જેથી સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી હતી. આ અરજીને ધ્યાને રાખી પંચાયતની ટીમે દબાણકર્તાઓને પોતાના દબાણ દૂર કરવા વારંવાર સમજાવવામાં આવ્યાં હતાં.
તેમ છતાં તેઓએ દબાણ દૂર કર્યા ન હતા.
જેથી અરજદારે આ મામલે ખેડા તાલુકા સ્વાગતમાં અરજી કરી હતી અને ત્યાંથી પણ પરિણામ ન મળતા છેવટે જિલ્લા સ્વાગતમાં કલેક્ટર સમક્ષ રજૂઆત કરી, ગેરકાયદેસર દબાણ દુર કરવા જણાવ્યું હતું. જે બાદ ગ્રામપંચાયતનું તંત્ર હુંફાળુ જાગ્યું હતું અને આજરોજ પંચાયતની ટીમ તેમજ તાલુકા વિસ્તરણ અધિકારી, તલાટી, સરપંચ, ડે. સરપંચ સહીતનો કાફલો જે.સી.બી લઈને વણકરવાસમાં પહોંચ્યો હતો અને રસ્તા પરના ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતાં.