જાતીય ગેરવર્તણૂકના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને રાજસ્થાન હાઈકોર્ટ તરફથી તા.29 ઓગસ્ટ સુધી વચગાળાના જામીનમાં રાહત મળી છે. જસ્ટિસ દિનેશ મહેતા અને જસ્ટિસ વિનીત માથુરની બેન્ચે તેમના તાજેતરના મેડિકલ રિપોર્ટના આધારે આ નિર્ણય કર્યો છે.
કોર્ટમાં આસારામના વકીલ નિશાંત બોરડાએ રજૂ કરેલા રિપોર્ટ મુજબ, તેઓ હાલમાં ઇન્દોરની જ્યુપિટર હોસ્પિટલના ICUમાં દાખલ છે અને તેમના ‘ટ્રોપોનિન લેવલ’ ખૂબ જ ઊંચા છે, જે હૃદયની ગંભીર સમસ્યાનો સંકેત આપે છે. જોકે આ પહેલા, ગુજરાત હાઈકોર્ટે પણ તેમના ખરાબ સ્વાસ્થ્યના લીધે તા.29 ઓગસ્ટ 2025 સુધી વચગાળાના જામીન આપ્યા હતા.
રાજસ્થાન હાઈકોર્ટે આસારામના સ્વાસ્થ્ય અંગે વધુ વિગતવાર તપાસ માટે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની પેનલ બનાવવાનો આદેશ આપ્યો છે. આ પેનલમાં બે કાર્ડિયોલોજિસ્ટ સહિત નિષ્ણાતોનો સમાવેશ થશે, જેઓ આસારામ દ્વારા દર્શાવાયેલા તમામ રોગોની અને ખાસ કરીને હૃદય સંબંધિત સમસ્યાઓની તપાસ કરશે, જોકે તપાસનો સંપૂર્ણ રિપોર્ટ કોર્ટમાં સુપરત કરવાનો રહેશે.
આસારામ ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોમાં બળાત્કારના કેસોમાં દોષિત ઠર્યા છે અને આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. છતાં, તાજેતરના ખરાબ આરોગ્યને કારણે તેમને બંને રાજ્યોમાં વચગાળાના જામીનની રાહત મળી છે.
રાજસ્થાન હાઈકોર્ટમાંતા.8 ઓગસ્ટે યોજાયેલી સુનાવણી દરમ્યાન, કોર્ટએ સ્પષ્ટ કર્યું કે મેડિકલ તપાસના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે. ત્યાં સુધી આસારામને તા.29 ઓગસ્ટ સુધી જામીન પર રહેવાની છૂટ આપવામાં આવી છે.