GANDHINAGAR : વર્ષ 2022માં રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે સરકારે આગળ વધીને નક્કર પગલાં લીધા છે. ખેડૂતોના પડખે ઊભાં રહેવા માટે પાક વીમાના ઑલ્ટરનેટ તરીકે દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરીને રૂ. 3700 કરોડનું પેકેજ આપ્યું છે.
વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળમાં ઉપસ્થિત થયેલા અમરેલી જિલ્લામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગેના પ્રશ્નની ચર્ચામાં સહભાગી થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે પાક વીમાના વિકલ્પમાં સરકાર કિસાન સહાય યોજના લાવી છે. વરસાદ ઓછો પડે ત્યારે ખાનગી કંપની પૂરતું વળતર આપતી નહોતી એવા સમયે ખેડૂતોને સહાયરૂપ થવાનો અમારો પ્રયાસ છે. જેમાં અતિવૃષ્ટિ, માવઠુ, અનાવૃષ્ટિમાં આ સહાય ચૂકવાય છે. જેમાં નિયત ધારા-ધોરણો છે. SDRF મુજબ પણ સહાય ચૂકવાય છે. દરેક જિલ્લામાં પૂરતો વરસાદ પડતો થયો છે અને પાક ઉત્પાદન વધતા હજારો કરોડોની ટેકાના ભાવે ખરીદી પણ અમારી સરકારે કરી છે. એટલું જ નહી ઉનાળુ પાક માટે પણ સિંચાઈ સુવિધા પૂરી પાડવા નર્મદાના નીર અમે આજે આપી રહ્યાં છીએ. જેના પરીણામે રાજ્યના ખેડૂતો ખુશ છે. એટલે જ તાજેતરમાં સ્થાનિક કક્ષાએ સત્તા માટે પ્રજાએ અમને આશીર્વાદ આપ્યા છે.
કૃષિ મંત્રી આર.સી.ફળદુએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની વિસ્તૃત યોજનાકીય વિગતો આપતાં કહ્યું કે, યોજનાકીય ધારા ધોરણો મુજબ અમરેલી જિલ્લામાં સહાય હેઠળ ન આવતા હોવા છતાંય મુખ્યમંત્રીએ મોટું મન રાખીને આ જિલ્લામાં રૂ. 310 કરોડની સહાય આ યોજના અંતર્ગત ચૂકવી છે. તેમણે કહ્યું કે અત્યારસુધીમાં જ્યારે જ્યારે પણ કુદરતી આપત્તિ આવી છે ત્યારે ત્યારે અમારી સરકારે ખેડૂતોનું બાવળુ પકડીને ઊભાં કરવાની હિંમત કરીને કાયમ માટે તેમની પડખે ઊભાં રહ્યાં છીએ અને દર વર્ષે કોઈ પણ આપત્તિ સમયે ખેડૂતોને નુક્સાન થવા દીધું નથી. જરૂર પડી ત્યાં અમે રાજ્ય બજેટમાંથી પણ ખેડૂતોને સહાય ચૂકવી છે.