સુરત શહેરની વસતી પોણો કરોડને પાર ભલે પહોંચી છે પરંતુ રેલવે સ્ટેશન આજે પણ 1980ના દાયકામાં જે અવસ્થામાં હતુ તે અવસ્થામાં જ છે. છેલ્લા એક દાયકાથી રેલવે ટિકીટ વિન્ડોની કોઇ ટિકીટ બારી વધારાઇ નથી. તેને કારણે સ્થાનિક સ્તરે ટાઉટોને મજા આવી ગઇ છે. સવારના સમયે ગુજરાત કવીન અને ફલાઇંગ રાણીનો સમય હોય કે પછી અન્ય મહત્વપૂર્ણ ટ્રેનો હોય આ મામલે સવારના પાંચ થી બાર વાગ્યાના સમયે લાંબી ટિકીટ માટેની કતારો રેલવેમાં સામાન્ય બાબત છે. તેમાં પણ તાપ્તીગંગા જેવી કે પછી ઉતર ભારતની ટ્રેનો હોય તો પણ ટિકીટ મેળવવા માટે એક કિલોમીટર જેટલી કતારો લાગે છે.
ઉતર ભારતની ટ્રેનોમાંતો પરિસ્થિતી એવી રહે છે કે જાણે સુરત હજુ દાયકાઓ પાછળ છે.રેલવે ટિકીટ માટેની આ કતારોની સમસ્યા છેલ્લા બે દાયકાથી છે પરંતુ સુરતના સત્તાધીશોએ આ ગંભીર મામલાને કયારેય દરકાર કરી નથી. હવે જો સુરતને રેલવે ડિવીઝન મળ્યું હોત તો કદાચ અધિકારી લેવલ પર આ તમામ બાબતોનો નિકાલ આવી ગયો હોત. સુરતને રેલવે ડિવીઝન મળવાની વાત તો બાજુએ રહી પરંતુ આવી સામાન્ય બાબતોમાં પણ સુરત રેલવે સ્ટેશનમાં કોઇનું ઉપજી રહ્યું નથી.
હાલમાં દર્શના જરદોષ રેલવે મંત્રી છે એટલે ડીઆરએમ રોજ સુરતના ચક્કર કાપી રહ્યા છે. પરંતુ સામાન્ય બાબતોનો પણ ઉકેલ આવતો નથી. આ મામલે વાસ્તવમાં રેલવે ડિવીઝન અપાવવા માટે અધિકારીઓને દબાણ કરવામાં આવે તે જરૂરી થઇ ચૂકયુ છે. ભૂતકાળમાં સુરતમાં સાંસદ સીઆરપાટિલ અને દર્શના જરદોષ દ્વારા આ મામલે રેલ રોકો આંદોલન કરાયું હતું. જયારે આ મહાનુભાવો સત્તા પર છે ત્યારે સુરતને રેલવે ડિવિઝન મળે તે જરૂરી છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ આ ગંભીર મામલે અગાઉ વારંવાર ફરિયાદો કરવામાં આવી છે.