જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબુબા મુફ્તીએ (Mehbooba Mufti) આર્યન ખાનની (Aryan Khan) ધરપકડને લઈને એક નિવેદન આપ્યું છે. એક ટ્વિટમાં મહેબૂબા મુફ્તીએ કહ્યું કે આર્યન ખાન અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર છે અને તે મુસ્લિમ (Muslim) છે જેને કારણે તેને વધુ પરેશાન કરવામાં આવી રહ્યો છે. જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ના ચીફ મહેબુબા મુફ્તીએ ડ્રગ્સ કેસમાં આરોપી બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાન પર કાર્યવાહીને મુદ્દો બનાવતા કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. મહેબુબા મુફ્તીએ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રા ઉપર પણ નિશાન સાધ્યું છે.
જમ્મુ -કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીનું ઉશ્કેરણીજનક નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે. એક ટ્વિટમાં તેમણે કહ્યું કે આર્યન ખાન (અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર) મુસ્લિમ હોવાને કારણે પરેશાન થઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રીના પુત્રના કેસમાં ચાર ખેડૂતોની હત્યાના આરોપમાં નિષ્પક્ષ તપાસને બદલે, કેન્દ્રીય એજન્સીઓ 23 વર્ષના છોકરાની પાછળ છે કારણ કે તેની અટક ખાન છે. મુસ્લિમોને ભાજપની મુખ્ય વોટ બેંકની ઈચ્છાઓ પૂરી કરવા માટે નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન હાલ મુંબઈની આર્થર રોડ જેલમાં છે. તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. NCB આ મામલે તપાસ કરી રહી છે. જો કે આર્યન ખાનના વકીલે દાવો કર્યો છે કે આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળ્યું નથી અને ન તો તેણે ડ્રગ્સ લીધુ હતું. એનસીબીએ મુંબઈમાં ચાલી રહેલી એક રેવ પાર્ટી પર દરોડો પાડ્યો હતો અને 8 લોકોની અટકાયત કરી હતી. જેમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ સામેલ હતો. પૂછપરછ બાદ આ તમામ 8 લોકોની ધરપકડ થઈ હતી. આજે આ મામલે સુનાવણી થઈ પણ આર્યન ખાનને જામીન મળ્યા નહીં. હવે જામીનનો નિર્ણય 13 ઓક્ટોબરે થશે.
શું કહ્યું આર્યનના વકીલે?
આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું કે, ‘કોર્ટ જામીન અરજી ફગાવી દે તે ખૂબ જ સ્વાભાવિક છે. અમે તેની સામે હાઈકોર્ટમાં જઈશું. અમે મુંબઈની વિશેષ NDPS કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. આર્યન ખાનની જામીન અરજી આ આધાર પર દાખલ કરવામાં આવી છે કે તેની પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નથી અને તેની આરોપીઓ સાથે કોઈ સાંઠગાંઠ નથી. ઉપરાંત, આર્યન ખાને ડ્રગ્સનું સેવન કર્યું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.