શાહરૂખ ખાનના (ShahRukh Khan Son) પુત્ર આર્યન ખાનને (Aryan Khan) ડ્રગ્સ કેસમાં (Drugs Case) ગુરુવારે બોમ્બે હાઈકોર્ટમાંથી (Mumbai Highcourt) જામીન (Bail) મળી ગયા હતા, જોકે તે હજુ સુધી મુક્ત થયો નથી. દરમિયાન કોર્ટનો વિગતવાર નિર્ણય બહાર આવ્યો છે. કોર્ટે આર્યન ખાનને કેટલીક શરતો પર જામીન આપ્યા છે. આર્યનને 1 લાખ રૂપિયાના બોન્ડની સાથે પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે. તે NDPS કોર્ટની પરવાનગી વિના દેશ છોડી શકશે નહીં. આ ઉપરાંત દર શુક્રવારે 11 થી 2 વાગ્યાની વચ્ચે મુંબઈમાં NCB ઓફિસમાં હાજરી આપવાની રહેશે.
2 ઓક્ટોબરની રાત્રે મુંબઈથી ગોવા ક્રુઝ પર જઈ રહેલી કથિત રેવ પાર્ટીમાંથી ધરપકડ કરાયેલા આર્યન ખાનને 25 દિવસ પછી હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે. જામીનના આદેશમાં કહેવામાં આવ્યું છે કે તેણે 1 લાખ રૂપિયાના પીઆર બોન્ડ જમા કરાવવાના રહેશે. કોર્ટે કહ્યું છે કે તેણે આવી કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ થવું જોઈએ નહીં અને સહ-આરોપી સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરશે નહીં.
હાઈકોર્ટે તેને તાત્કાલિક પાસપોર્ટ સ્પેશિયલ કોર્ટમાં જમા કરાવવા કહ્યું છે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અરજદારે દર શુક્રવારે બપોરે 11 થી 2 વાગ્યાની વચ્ચે મુંબઈમાં NCB ઓફિસની મુલાકાત લઈને પોતાની હાજરી નોંધાવવી પડશે. એનડીપીએસ કોર્ટની પરવાનગી વિના આર્યન દેશ છોડી શકશે નહીં.
મન્નતમાં આતુરતાથી આર્યનની જોવાતી વાટ
ગુરુવારે સાંજે હાઈકોર્ટે આર્યન ખાનના જામીન મંજૂર કર્યા ત્યાર બાદથી શાહરૂખ ખાનના બંગલા મન્નતમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. દિવાળીના એક અઠવાડિયા પહેલાં જ અહીં ઉજવણી શરૂ થઈ ગઈ છે. શાહરૂખ ખાનના ફેન્સ મન્નતની બહાર ભેગા થઈ ગયા છે. લોકો આર્યન ખાનના પોસ્ટર લઈને સમર્થન જાહેર કરી રહ્યાં છે. આજે આર્યન ખાન જેલમાંથી છૂટીને ઘરે પહોંચે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.