National

21 જુલાઈએ અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાત લેશે, ફ્રી વીજળી અંગે કરી શકે છે મોટી જાહેરાત

સુરત: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીના (Election) એંધાણ વચ્ચે તમામ રાજકીય પાર્ટીઓ (Political Party) સક્રિય બની છે. આ વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ત્રિપાંખકીયો જંગ જોવા મળશે. ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) બાદ આમ આદમી પાર્ટી (AAP) પણ ચૂંટણીના મેદાનમાં ઉતરી છે. ત્યારે ફરી એકવાર દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી (CM) અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ બે દિવસ 20 અને 21 જુલાઈએ સુરતની મુલાકાત લેશે. આ અગાઉ તેઓ 3 જુલાઈએ અમદાવાદની મુલાકાત લીધી હતી.

AAPના રાજ્ય મહાસચિવ મનોજ સોરઠિયાએ મંગળવારે જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ 20 જુલાઈએ એટલે કે બુધવારે સાંજે સુરત પહોંચશે. તેઓ 20 જુલાઈએ સુરક ખાતે રોકાશે અને 21 જુલાઈએ સુરતના ટાઉનહોલ ખાતે તેઓ સભા સંબોધશે. અરવિંદ કેજરીવાલ સુરતથી કોઈ મોટી જાહેરાત કરી શકે છે. આવતી કાલે બપોર બાદ અરવિંદ કેજરીવાલ પત્રકાર પરિષદ સંબોધશે. સોરઠીયાએ કહ્યું- આ સાથે કેજરીવાલ ગુજરાતમાં આગામી ચૂંટણીને લઈને સમીક્ષા બેઠક પણ કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અરવિંદ કેજરીવાલ ગુજરાતી જનતા માટે મોટી જાહેરાત કરી શકે છે. આ અગાઉ અરવિંદ કેજરીવાલ 3 જુલાઈના રોજ અમદાવાની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે ટાઉનહોલ ખાતે મફત વીજળીના મુદ્દે બેઠક યોજી હતી. આ દરમિયાન કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાતમાં લોકોને મફતમાં વીજળી આપવી શક્ય છે અને તે ટૂંક સમયમાં આ માટે એક ફોર્મ્યુલા લઈને આવશે.

આ સાથે જ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાનો અપાર પ્રેમ મળી રહ્યો છે. ભાજપના 27 વર્ષના શાસનથી લોકો પરેશાન છે. હવે લોકો પરિવર્તન ઈચ્છે છે. દિલ્હીમાં કેટલો વિકાસ થયો છે તેનાથી ગુજરાતની જનતા અજાણી નથી. પંજાબમાં પણ વિકાસનો દોર શરૂ થયો છે. લોકો હવે ગુજરાતમાં પણ આવો જ વિકાસ ઈચ્છે છે. કેજરીવાલે ‘દિલ્હી મોડલ’નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જો રાજ્યમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવામાં આવે તો મફત વિજળી આપવી શક્ય છે.

નોંધનીય છે કે દિલ્હી અને પંજાબની જેમ જ ગુજરાતમાં પણ AAPએ મફત વીજળીને મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવ્યો છે. પાર્ટી સત્તામાં આવવા માટે પૂરા પ્રયાસો કરી રહી છે. જો કે ગત ચૂંટણીમાં AAP એક પણ સીટ જીતી શકી ન હતી. આવી સ્થિતિમાં ભાજપ અને કોંગ્રેસને સીધો પડકાર આપવો મુશ્કેલ માનવામાં આવે છે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ સત્તા પર છે.

ભાજપે કેજરીવાલના ‘મફત ભેટ’ના મોડલ પર પ્રહારો કર્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું હતું કે કેજરીવાલ લોકોને ‘મૂર્ખ’ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના જાલૌનમાં એક સભામાં મફતમાં રેવડી વહેંચવાની સંસ્કૃતિ પર પ્રહારો કર્યા હતા. મોદીએ કોઈપણ પક્ષનું નામ લીધા વિના આ સંસ્કૃતિથી દૂર રહેવાની અપીલ કરી હતી.

Most Popular

To Top