National

‘CM ઓફિસ નહીં જઈ શકે, ફાઈલ પર સહી નહીં કરી શકે’, જાણો કઈ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કથિત દારૂ કૌભાંડમાં સીબીઆઈ કેસમાં પણ કેજરીવાલને જામીન આપી દીધા છે. ED કેસમાં તેમને પહેલા જ જામીન મળી ચૂક્યા છે. હવે તેમને CBI કેસમાં પણ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. જેના કારણે હવે કેજરીવાલનો જેલમાંથી બહાર આવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

જોકે, જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો પણ મૂકી છે. જામીન માટેની એ જ શરતો તેમના પર લાગુ થશે, જે ED કેસમાં જામીન આપતી વખતે લાદવામાં આવી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલ કોઈ પણ ફાઇલ પર સહી કરી શકશે નહીં. આ સાથે તેમની ઓફિસ જવા પર પણ પ્રતિબંધ રહેશે. એટલું જ નહીં તે આ મામલે કોઈ નિવેદન કે ટિપ્પણી પણ કરી શકશે નહીં.

શું હશે જામીન માટેની શરતો?

  • અરવિંદ કેજરીવાલ ન તો મુખ્યમંત્રી કાર્યાલય જઈ શકશે કે ન તો સચિવાલય.
  • કોઈ પણ સરકારી ફાઇલ પર જ્યાં સુધી તે કરવું જરૂરી ન હોય ત્યાં સુધી સહી નહીં કરે.
  • ટ્રાયલ અંગે કોઈ જાહેર નિવેદન અથવા ટિપ્પણી કરશે નહીં.
  • કોઈ પણ રીતે કોઈ સાક્ષી સાથે વાત નહીં કરે.
  • આ કેસ સાથે સંબંધિત કોઈપણ સત્તાવાર ફાઇલની ઍક્સેસ નહીં હોય.
  • જરૂર પડશે તો ટ્રાયલ કોર્ટમાં હાજર થશે અને તપાસમાં સહકાર આપશે.

કેજરીવાલની ધરપકડ 21 માર્ચે થઈ હતી
અરવિંદ કેજરીવાલની 21 માર્ચે કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીના કારણે 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. આ પછી કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કર્યું હતું. આ મામલે ED અને CBI બંને તપાસ કરી રહી છે. કેજરીવાલને 12 જુલાઈએ ED કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. હવે તેને સીબીઆઈ કેસમાં પણ જામીન મળી ગયા છે.

કેજરીવાલ જેલમાંથી ક્યારે બહાર આવશે?
કેજરીવાલ હાલ તિહાર જેલમાં છે. સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેને જેલમાંથી બહાર આવવા માટે થોડો સમય રાહ જોવી પડશે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટના લેખિત આદેશને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં મોકલવામાં આવશે. અહીં બેલ બોન્ડ ભરવાના રહેશે. આ પછી રાઉઝ એવન્યુ કોર્ટ રિલીઝ ઓર્ડર તૈયાર કરીને તિહાર પ્રશાસનને મોકલશે. કેજરીવાલ રીલીઝ ઓર્ડર મળ્યા બાદ જ જેલમાંથી બહાર આવી શકશે.

Most Popular

To Top