Comments

અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુ : ન ભૂતો, ન ભવિષ્યતિ

ભારતમાં કેટલાંક મુખ્યમંત્રી એવાં છે કે જેની કોઈ જોડ નથી અને એમનો કોઈ તોડ નથી. કારણ કે એ ખુદ જડતોડમાં પારંગત છે. આવા જ એક અનન્ય મુખ્યમંત્રી છે અરુણાચલના પેમા ખાંડુ. આ માણસના નામે ના ગમે એવા વિક્રમો છે. ૨૦૧૬થી એ મુખ્યમંત્રી છે.  સરકાર કોઈ પણ પક્ષની બને, છેલ્લાં ૧૫, ૧૪ વરસથી એ જ મુખ્યમંત્રી છે. એ કોંગ્રેસમાં હતા પછી સ્થાનિક પક્ષમાં જોડાયા અને હવે ભાજપમાં છે. એમણે એક નહિ અનેક પક્ષપલટા કર્યા છે. નીતીશકુમાર તો પલટુરામ તરીકે ખોટા બદનામ થયા બાકી પેમાભાઈની તોલે કોઈ આવે એમ નથી.

પેમાજી ૨૦૧૬માં કોંગ્રેસમાં હતા અને મુખ્યમંત્રી બન્યા. પણ પછી પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલમાં જોડાયા. એમની સાથે ૪૩ ધારાસભ્યોએ પક્ષ બદલ્યો હતો. ૨૦૧૬માં જ એમણે ફરી પક્ષ બદલ્યો અને ભાજપમાં જોડાયા. એમની સાથે ૩૩ ધારાસભ્યો ભાજપમાં જોડાયા અને પેમાજી ફરી સી.એમ. બન્યા. ૨૦૧૯માં એ ભાજપમાં જ રહ્યા. બીજો પક્ષ બદલ્યો નહિ અને ફરી ચૂંટાયા અને આજેય મુખ્યમંત્રી છે. કેટલાંક લોકો સત્તા સાથે જ હોય છે. એમને સત્તા વિના ફાવતું જ નથી. હેમંતા બિસ્વા શર્મા પણ આવું જ નામ છે કે પછી એકનાથ શિંદે કે પછી અજીત પવાર પણ એ જ કેટેગરીમાં આવે.

એનાથી પણ બે નામ મહાન છે. રામવિલાસ પાસવાન કે જે આજે નથી. એ કોંગ્રેસમાં એટલે કે યુપીએ સાથે રહ્યા, મંત્રી રહ્યા અને પછી એનડીએ સાથે રહ્યા અને મંત્રી પણ રહ્યા. એવું જ બીજું એક નામ રામદાસ આઠવલે. આરપીઆઈ – એ એમનો પક્ષ છે અને એ કોંગ્રેસ સાથે પણ હતા અને આજે ભાજપ સાથે છે અને એનડીએ રાજ્ય કક્ષાના મંત્રી પણ છે. એમણે લોકસભામાં ખુલ્લેઆમ કહ્યું હતું કે, હું હમણાં સુધી કોંગ્રેસમાં હતો પણ હવે પવન બદલાયો છે અને હવે હું મોદીજી સાથે છું.

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ તરફ પાછા ફરીએ તો એ દૂધે ધોયેલા ના હોય એ સ્વાભાવિક છે. એમના સામે ભ્રષ્ટાચારના એક નહીં અનેક આક્ષેપો છે. મુખ્યત્વે તેમનાં સગાં-સંબંધીઓની માલિકીની કંપનીઓને સરકારી કોન્ટ્રાક્ટ આપવા સંબંધિત છે. એમના પર આરોપ છે કે પિતાની બીજી પત્ની રિનચિન ડ્રેમા અને તેમના ભત્રીજા ત્સેરિંગ તાશી (જે ધારાસભ્ય પણ છે) ની માલિકીની પેઢીઓને નિયમોનું ઉલ્લંઘન કરીને જાહેર બાંધકામના કોન્ટ્રાક્ટ્સ આપ્યા છે. આવા એક નહિ બેથી ત્રણ ડઝન આરોપો છે.

એન.જી.ઓ. દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજ થઇ છે અને આ મુદે્ કેન્દ્ર સરકારનું વલણ શું છે? કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે તે આ આરોપોની તપાસ કરી શકે નહીં, કારણ કે કોન્ટ્રાક્ટ્સની ખરીદી અને તેના નિયમો રાજ્યના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે પ્રધાનો માટેની આચારસંહિતા સ્પષ્ટપણે જણાવે છે કે પ્રધાનોએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમનાં પરિવારો સરકારી ટેન્ડરોમાં ભાગ ન લે. કોર્ટે આને અદ્ભૂત સંયોગ કહ્યો છે. રાબેતા મુજબ અરુણાચલ પ્રદેશ સરકારે આ આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા છે. એનડીએ દ્વારા એમની સામે પગલાં લેવાશે? રામનામ લ્યો મારા ભાઈ, એવું કાંઈ થવાનું નથી. યેદીયુરપ્પાથી માંડી અજીત પવાર સુધી કાંઈ થયું છે તે હવે થાય!

ઉપેન્દ્ર કુશવાહના પુત્ર ચૂંટાયા વિના મંત્રી!
બિહારમાં બધું જબરું બની રહ્યું છે. એન.ડી.એ.ને જે બહુમતી મળી એ ઐતિહાસિક છે અને એ સામે કેટલાય સવાલો પણ છે. નીતીશ સરકાર બન્યા પછીય સવાલો ખતમ થયા નથી. આ સરકારમાં દીપક પ્રકાશ મંત્રી બન્યા છે. કેબીનેટ મંત્રી. એ ચૂંટણી લડ્યા નથી. એમની એક જ લાયકાત છે કે એ રાષ્ટ્રીય લોક મોરચાના સર્વેસર્વા ઉપેન્દ્ર કુશવાહના પુત્ર છે.

આ જ કુશવાહ ભાજપ સામે અને કોંગ્રેસ સામે વંશવાદની વાતો કરતા હતા અને હવે એમણે જ પોતાના પુત્રને મંત્રી બનાવ્યા છે. ઉપેન્દ્ર કુશવાહ પોતે ભૂતકાળમાં સગાંવાદ અને વંશવાદી રાજકારણની વિરુદ્ધ સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. તેમણે હંમેશા પરિવારના સભ્યોને રાજકારણમાં લાવવાનો વિરોધ કર્યો છે. હવે ગળે ના ઊતરે એવી દલીલ કરી રહ્યા છે કે તેમના પુત્રને માત્ર એટલા માટે જ મંત્રી બનાવવામાં આવ્યા નથી કે તે તેમના પુત્ર છે, પરંતુ તેમની પોતાની રાજકીય લાયકાત અને પક્ષ માટેની મહેનતને કારણે આ પદ મળ્યું છે. ભાજપને કે એની કેન્દ્રીય નેતાગીરીને પણ આ સામે વાંધો નથી લાગતો.

કોંગ્રેસ અને વિપક્ષ સામે તો ભાજપ છાસવારે વંશવાદનો આક્ષેપ કરે છે અને એ સાચો પણ છે. પણ પોતાની સરકારમાં બધું ચલાવી લે છે. જો કે, કુશવાહની પાર્ટીમાંથી આ મુદે્ વિરોધ થયો છે. વિપક્ષી દળોએ આ ઘટનાને વંશવાદના રાજકારણનું ઉત્તમ ઉદાહરણ ગણાવીને કુશવાહ પર આકરા પ્રહારો કર્યા હતા અને કુશવાહનાં સાથીઓએ રાજીનામાં પણ આપ્યાં છે રાજીનામું આપનારા નેતાઓમાં પક્ષના કેટલાક વરિષ્ઠ ઉપાધ્યક્ષો, મહાસચિવો અને અન્ય મુખ્ય પદાધિકારીઓનો સમાવેશ થાય છે. આ નેતાઓએ જાહેરમાં જણાવ્યું હતું કે ઉપેન્દ્ર કુશવાહ હંમેશા વંશવાદી રાજકારણ અને સત્તાના દુરુપયોગની ટીકા કરતા આવ્યા હતા, પરંતુ તેમના તાજેતરના નિર્ણયો તેમના પોતાના સિદ્ધાંતોથી વિરુદ્ધ છે. હવે કુશવાહ માટે એ પડકાર છે કે, પુત્રને વિધાનસભામાં લઇ જાય છે કે, વિધાન પરિષદમાં સ્થાન અપાવે છે. છ માસમાં એ પડકાર પાડવો પડશે.

બીએલઓનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
ઘણાં બધાં રાજ્યોમાં એસઆઈઆર ચાલે છે. એ સામે વિવાદ છે. બંગાળમાં મમતાનો પક્ષ આકરો વિરોધ કરી રહ્યો છે. પણ આ પ્રક્રિયામાં બીએલઓના મોતનો વિવાદ વધુ ગંભીર છે. દેશનાં જુદાં જુદાં રાજ્યોમાં ૪૦ જેટલા બીએલઓનાં મોત થયાં છે અને એનું કારણ એસઆઈઆરની કામગીરીનું દબાણ ગણાવાય છે. કેટલાંકને હાર્ટ એટેક આવ્યા છે તો કેટલાકે આપઘાત કર્યા છે અને એવા બીએલઓ લખેલી ચિઠ્ઠી કે એમના વિડીયો બહુ વાયરલ થયા છે અને એ હ્રદય કંપાવી દેનારા છે. રાજ્ય કે કેન્દ્ર સરકાર આ બાબતે શું કરવા માગે છે એની કોઈ સ્પષ્ટતા નથી.

સુપ્રીમ કોર્ટ આ વિષે કોઈ સંજ્ઞાન લે છે કે નહિ એ જોવાનું છે. એસઆઈઆર સામે કેટલીક અરજીઓ સુપ્રીમમાં પડી છે. એની દલીલો ચાલે છે. બિહારમાં એસઆઈઆર શરૂ થયો ત્યારની અરજીઓનો નિકાલ પણ થયો નથી, ચુકાદો આવ્યો નથી. સ્થિતિ એવી છે કે, વિરોધ કરનારા જાયે તો જાયે કહાં. જવાબદારી જેવી ચીજ ક્યાંય જણાતી નથી. ચૂંટણી પંચ પણ વાહિયાત ખુલાસા કરે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top