નવસારી: (Navsari) નવસારી આરટીઓની (ARTO) કચેરી જાણે ભ્રષ્ટાચારનો (Corruption) પર્યાય બની ગઇ છે. એમ તો નવસારી આરટીઓ કચેરીમાં ચાલતા કારભારની જવાબદારી એઆરટીઓ પ્રકાશ ચૌધરીની હોય છે, પરંતુ પ્રકાશ ચૌધરી ચામડી બચાવવામાં પડ્યા છે. એ સંજોગોમાં તેમના ખાસ ઇન્સ્પેક્ટર (Inspector) સોહમ રાવલનું આઇડી ચેક થાય તો આખું કૌભાંડ બહાર આવી જાય એમ છે.
નવસારીના એક જાગૃત નાગરિકે મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કર્યા બાદ મુખ્યમંત્રીની કચેરીના નાયબ સચિવે વાહન વ્યવહાર વિભાગના અધિક સચિવને એ ફરિયાદની નકલ મોકલી તપાસ કરવા કહ્યું છે. તપાસનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે એઆરટીઓ પ્રકાશ ચૌધરીએ પોતાની ચામડી બચાવવા માંડી છે. જો કે તેમણે પહેલેથી જ ભવિષ્યમાં ક્યાંક ફસાઇ નહીં જવાય એ માટે જુદા જુદા ઇન્સ્પેક્ટરોના આઇડીમાંથી જ કામ કર્યે રાખ્યું હતું. હવે જ્યારે તપાસ શરૂ થઇ છે, ત્યારે પ્રકાશ ચૌધરીએ ઇન્સ્પેક્ટરોની ફાઇલ બનાવીને તેમને આગળ ધરી દેવા માટેના કરતૂત શરૂ કર્યા છે.
આરટીઓમાં થતા ભ્રષ્ટાચારની ગંદકી દૂર કરવી હોય તો તપાસકારોએ પ્રકાશ ચૌધરીના ખાસ ગણાતા ઇન્સ્પેક્ટર સોહમ રાવલની કામગીરી જ તપાસવી જોઇએ. આરટીઓમાં અંદાજે 16 ઇન્સ્પેક્ટરો છે, એ પૈકી ઘણાના આઇડીથી પ્રકાશ ચૌધરીએ ઘણા કામો કર્યા છે. આરટીઓમાં એન્ડોસમેન્ટના ઘણા કેસો છે. મતલબ કે જિલ્લા બહારના વાહન ચાલકો માટે ફોર વ્હીલરનું લાયસન્સ હોય અને તેને ટુ વ્હીલરનું જોઇએ તો તે નવસારી આરટીઓમાંથી ઇસ્યુ થયું હોય, એ જ રીતે ટુ વ્હીલરનું લાયસન્સ હોય તો તે વાહન ચાલકને ફોર વ્હીલરનું લાયસન્સ નવસારી આરટીઓ કચેરીમાંથી ઇશ્યુ થયા હોય.
આ પ્રકારના લાયસન્સ નવસારી આરટીઓમાંથી મોટા પ્રમાણમાં ઇશ્યુ થયા છે. એમ કહેવાય છે કે આ પ્રકારના લાયસન્સ ઇન્સ્પેક્ટર સોહમ રાવલના આઇડીમાંથી મોટી સંખ્યામાં ઇશ્યુ થયા છે. લગભગ બે હજાર લાયસન્સ સોહમ રાવલના આઇડીમાંથી ઇશ્યુ થયાનું કહેવાય છે. મતલબ કે આખું કૌભાંડ આ રીતે ચાલ્યું છે, એ જોતાં જો તપાસકારો પ્રકાશ ચૌધરીના માનીતા ઇન્સ્પેક્ટર સોહમ રાવલનું આઇડી ચેક કરે તો આખું કૌભાંડ બહાર આવી જાય એમ છે.
ભાગલા કરો, ને રાજ કરવાની પ્રકાશ ચૌઘરીને નીતિ !
નવસારી આરટીઓમાં અંદાજે પંદર- સોળ ઇન્સ્પેક્ટરો છે. નવસારી આરટીઓના કારભારની ગંદકી બહાર આવી રહી છે, ત્યારે ઇન્સ્પેક્ટરોમાં ભાગલા પાડીને પ્રકાશ ચૌધરી પોતાની ચામડી બચાવવામાં પડ્યા છે. વિવાદ શરૂ થયા બાદ તપાસ શરૂ થઇ છે, ત્યારે ઉત્તર-મધ્ય ગુજરાતના ઇન્સ્પેક્ટરો અને દક્ષિણ ગુજરાતના ઇન્સ્પેક્ટરો વચ્ચે બે જુથ પડી ગયા છે. જો કે આ બે ભાગલા પડી જવાનો લાભ પ્રકાશ ચૌધરીને જ મળશે. ઇન્સ્પેક્ટરો બે જુથમાં રહેશે તો ખરા જવાબદાર પ્રકાશ ચૌધરી પોતાની ચામડી બચાવી જવામાં સફળ થાય એમ લાગે છે. ખરેખર તો આખી કચેરીના કરતૂતો માટે એઆરટીઓ જ જવાબદાર છે, તેઓ કુશળતાથી કચેરીની કામગીરી ચલાવી શક્યા નથી, તો જ હાથ નીચેના ઇન્સ્પેક્ટરો પોતાનું ધાર્યું કરી જાય ને ? વળી પ્રકાશ ચૌધરીએ તેમના હાથ નીચેના ઇન્સ્પેક્ટરો શું કરી રહ્યા છે, તેની ક્યારેય તપાસ જ નહીં કરી એ પણ એક સવાલ છે.