કૃત્રિમ બુદ્ભિમતા કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એ હવે કોઇ નવો ખયાલ કે નવો શબ્દ નથી. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એઆઇના ટૂંકા નામે જાણીતો કન્સેપ્ટ બન્યો છે અને તેના દ્વારા માણસના ઘણા કાર્યો આસાન થઇ જશે અને તે ઘણી રીતે ઉપયોગી સાબિત થશે એમ કહેવાય છે, તો બીજી બાજુ અનેક વિચારકો કહે છે કે એઆઇનો અવિચારી અને અનિયંત્રિત ઉપયોગ માણસજાત માટે ભયંકર સંજોગો પણ નોતરી શકે છે. જો કે એઆઇનો ઉપયોગ છેલ્લા કેટલાયે સમયથી મર્યાદિત રીતે થવા તો માંડ્યો જ છે. તમે મોબાઇલ કે ટેબ્લેટમાં કી-બોર્ડ પર કંઇક ટાઇપ કરો છો અને તમને આગળના શબ્દોના સજેશનો મળે છે તે પણ એક જાતની કૃત્રિમ બુદ્ધિમતાયુક્ત વ્યવસ્થા જ છે.
જો કે હજી સુધી તો આ કૃત્રિમ બુદ્ધિમતા માણસની બુદ્ધિની બરાબરી કરી શકે તે હદે પહોંચી શકી નથી. કોઇકે યોગ્ય જ કહ્યું છે કે ઉચ્ચતમ પ્રકારના કોમ્પ્યુટરની કૃત્રિમ બુદ્ધિમતા કરતા એક સામાન્ય નિરક્ષર મજૂરનું મગજ વધુ શક્તિશાળી અને વધુ બુદ્ધિશાળી છે જે સંજોગો અનુસાર નિર્ણયો લઇ શકે છે. હાલમાં કેટલીક અગ્રણી આઇટી કંપનીઓ દ્વારા એઆઇ ચેટબોટ મેદાનમાં ઉતારવામાં આવી છે. માઇક્રોસોફ્ટ દ્વારા ચેટજીપીટી નામની ચેટબોટ રજૂ કરવામાં આવી તો તેની સામે ગૂગલે બાર્ડ નામની એક ચેટબોટ રજૂ કરી છે. ચેટબોટ જેમાં બુદ્ધિની જરૂર હોય તેવા અને ગુંચવાડાભર્યા કામો કરી આપે છે એમ કહેવાય છે પરંતુ ગૂગલની ચેટબોટ બાર્ડે તો તેના પ્રમોશન વખતે જ એક મોટો છબરડો કરી નાખ્યો.
માઇક્રોસોફ્ટના ચેટજીપીટીની સામે ગૂગલે જે નવી એઆઇ ચેટબોટ મેદાનમાં ઉતારી છે તે બાર્ડ નામની ચેટબોટે શરૂઆતમાં જ જવાબ આપવામાં ભૂલ કરી નાખતા ગૂગલના બજાર મૂલ્યમાં મોટો ઘટાડો નોંધાયો છે.નવી ચેટબોટ બાર્ડ રજૂ કરતા ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટે ટ્વીટર પર બાર્ડનો એક જીઆઇએફ વીડિયો મૂક્યો હતો અને વચન આપ્યું હતું કે કૃત્રિમ બુદ્ધિમતા સંચાલિત આ સર્વિસ ગુંચવાડાભર્યા મુદ્દાઓને સરળ બનાવવામાં મદદ કરશે. જો કે બાર્ડે એક પ્રમોશનલ વીડિયોમાં જ એક ખોટો જવાબ આપતા ગૂગલે મોટો આંચકો સહન કરવો પડ્યો હતો.
આ ખોટા જવાબને કારણે એવી ચિંતાઓ સર્જાઇ હતી કે ગૂગલ તેની હરીફ કંપની માઇક્રોસોફ્ટ સામે નબળી પડી છે અને આને કારણે ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટના શેરો અમેરિકામાં બુધવારના ટ્રેડિંગ સેસનમાં ૯ ટકા જેટલા ગગડી ગયા હતા, જો કે બાદમાં સહેજ સુધરીને ૭.૬૮ પર બંધ થયા હતા. શેરોમાં આ ધોવાણને કારણે ગૂગલની માર્કેટ કેપમાં મોટો ઘટાડો થયો હતો અને તેની બજાર મૂડી ૧૦૦ અબજ ડોલર જેટલી ઘટી ગઇ હતી. જાહેરાત માટેના વીડિયોમાં એક વાલીએ બાર્ડને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે કઇ નવી શોધખોળો કરી છે જે હું મારા ૯ વર્ષના બાળકને જણાવી શકું?
આના જવાબમાં બાર્ડે ઘણા જવાબો આપ્યા હતા જેમાં એક જવાબ એવો પણ આપ્યો હતો કે જેમ્સ વેબ ટેલિસ્કોપે આપણી સૂર્યમાળાના બહારના એક ગ્રહના પ્રથમ ચિત્રો આપ્યા છે. જો કે નાસાએ જણાવ્યું હતું કે સૂર્ય માળાની બહારના ગ્રહની પ્રથમ તસવીરો જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે નહીં પણ યુરોપિયન સર્ધન ઓબ્ઝર્વેટરીના વેરી લાર્જ ટેલિસ્કોપ(વીએલટી) દ્વારા ૨૦૦૪માં ખેંચવામાં આવી હતી. આ પછી બાર્ડની વિશ્વસનિયતા શરૂઆતમાં જ ઘણી ઘટી ગઇ છે. જો કે માઇક્રોસોફ્ટની ચેટજીપીટી પણ કેટલી વિશ્વસનિય પુરવાર થશે તે સમય જ બતાવશે.
આપણે અગાઉ જ જોયું તેમ હજી પણ આ એઆઇ માણસની બુદ્ધિની જગ્યા લેવા માટે સક્ષમ બની નથી અને કદાચ ક્યારેય બની શકશે નહીં. ગૂગલની ચેટબોટ બાર્ડનો છબરડો તેનું ઉદાહરણ છે. વળી, એઆઇયુક્ત એપની બાબતમાં એવુ પણ બની શકે છે કે એકવાર ભૂલ થઇ જાય પછી તે ભૂલ આપમેળે સુધરે નહીં. એઆઇથી કામ લેવામાં કેવી હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઇ શકે છે તેનું એક ઉદાહરણ હાલમાં જોવા મળ્યું હતું. એક એઆઇ યુક્ત પ્રોસેસમાં કેટલોક ડેટા આપીને ભારતના જુદા જુદા પ્રદેશોના નવ દંપતિઓના ચિત્રો બનાવવા એપ્લિકેશનને કહેવામાં આવ્યું હતું.
વિવિધ પ્રદેશોના લોકોના શારીરિક દેખાવ, તેમની ટેવો, શોખ વગેરે બાબતોનો ડેટા અગાઉથી આપવામાં આવ્યો હતો અને તેના પરથી આ એપ્લિકેશને ચિત્રો બનાવ્યા. તેમાં બંગાળી નવદંપતિના હાથમાં મસમોટી માછલી પકડેલી બતાવી! લોકો આ જોઇને હસવા લાગ્યા, લગ્ન સમયે કોણ માછલી હાથમાં પકડે? અને વળી ચિત્રમાં તો જે માછલી બતાવવામાં આવી હતી તે ખૂબ મહાકાય હતી! દેખીતી રીતે એઆઇ એપ્લિકેશનને ડેટામાં બંગાળીઓના માછલીના શોખનો ડેટા આપવામાં આવ્યો હશે અને તેના આધારે તેણે આ હાસ્યાસ્પદ ચિત્ર બનાવ્યું! એક જાણીતી ટ્રાન્સલેટ એપ કે સાઇટ કેવું હાસ્યાસ્પદ અનુવાદ કરે છે તે બધા જાણે છે. લાગે છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માનવ બુદ્ધિનું સ્થાન સંપૂર્ણપણે ક્યારેય લઇ શકશે નહીં.