નડિયાદ:મુંબઇના જોગેશ્વરીમાં રહેતા અને જોધપુર જઇ રહેલા વ્યક્તિના હાથમાંથી મોબાઇલ ચોરીને નડિયાદ રેલ્વે સ્ટેશને એક શખ્સ ફરાર થઇ ગયો હતો. આ મામલે નડિયાદ રેલ્વે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુંબઇના જોગેશ્વરીમાં રહેતા જાવેદકલામ અબ્દુલરહેમાન શેખ જોધપુર જવા માટે રાણકપુર એક્સપ્રેસ ટ્રેનમાં રિઝર્વેશન કરાવી, કોચ નંબર એ-૯ માં મુસાફરી કરી રહ્યા હતા. તેમની ટ્રેન નડિયાદ રેલ્વે સ્ટેશનથી જેવી ઉપડી કે તુરંત જ એક ૨૦ વર્ષના આશરાનો યુવક ટ્રેનમાં ચઢ્યો હતો અને જાવેદકલામના હાથમાંથી મોબાઇલ ઝુંટવી, ચાલુ ટ્રેને નડિયાદ રેલ્વે સ્ટેશને ઉતરી ગયો હતો.
જાવેદકલામ દ્વારા આ બાબતે ટી.ટી.ઇ.ને જાણ કરવામાં આવી હતી અને તેઓએ પોલીસ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. આ મામલે નડિયાદ રેલ્વે પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રેલ્વે પોલીસની નિષ્ક્રિયતાને કારણે ચોરીના બનાવોમાં નોંધનીય વધારો થયો છે. પ્લેટફોર્મ પર સીસીટીવી કેમેરા લાગેલા હોવાછતાં પણ અસામાજિક તત્વો અને તસ્કરો બેફામ બન્યા છે. આ અગાઉ પણ ટ્રેનમાંથી મુસાફરનો સરસામાન ચોરી થયાના બનાવો પોલીસ ચોપડે ચડ્યાં છે. જ્યારે પાકીટમારનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે.