વડોદરા : કિશનવાડીમાં આવેલ કબીરચોકમાં રહેતો યુવક પિતા તથા ભાભીની સારવાર માટે આંગણિયા પેઢી મારફતે મિત્ર પાસેથી પૈસા મેળવી ઘરે જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં પીછો કરી રહેલા યુવકે ડીક્કીમાંથી રૂ,50,000ની ચોરી કરી નાસી ગયો હતો બનાવ અંગે સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના ગઠિયાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. કિશનવાડીમાં આવેલ કબીરચોકમાં પ્રતીક મનુભાઈ નિઝામા પરિવાર સાથે રહે છે અને ઘરે જ લાઈટના બોર્ડ બનાવવાનો ધંધો કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગત તા. 12 સપ્ટેમ્બરના રોજ તેમણે મહારાષ્ટ્ર્ના નંદુરબાર ખાતે રહેતા મિત્રને ફોન કરી પિતા તથા ભાભી બીમાર હોવાથી રૂ.70,000ની જરૂર હોવાની વાત જણાવી હતી. ત્યારે મદદે આવેલા મિત્રે બીજા દિવસે આંગણિયા પેઢી મારફતે રૂ.70,000 મોકલી આપ્યા હતા. ત્યારે તેઓ સવારે 12:30 વાગ્યે ઘડિયાળીપોળમાં આવેલી આંગણીયાપેઢીમાં પૈસા લેવા માટે ગયા હતા. ત્યારે આંગણિયા પેઢીએ પોતાનો ચાર્જ લેખે રૂ. 400 કાપી રૂ. 69,600 આપ્યા હતા. દરમિયાન તેમણે રૂ. 50,000નું એક અને રૂ.19,600 નું એક એમ બે બંડલ બનાવી એક્ટિવાની ડીક્કીમાં રાખી ઘરે જવા માટે નીકળ્યા હતા. રસ્તામાં ફતેપુરા લાલ અખાડા પસે આવેલ રોકડનાથ વુડ વર્ક નામની દુકાનમા વસ્તુઓ લેવાની હોવાથી તેઓ ત્યાં રોકાયા હતા. ત્યાંથી તેઓ વસ્તુઓ લઇ ઘરે પહોંચ્યા હતા.
ઘરે પહોંચ્યાબાદ તેમણે એક્ટિવાની ડિક્કી ખોલઈ તપાસ કરતા ડિક્કીમાં રાખેલ રૂ. 50,000નું એક અને રૂ.19,600 નું એક એમ બે બંડલ પૈકી ફક્ત રૂ. 19,600નું જ બંડલ મળી આવ્યું હતું. જેથી તેઓએ બનાવ અંગે નજીકમાં લાગેલ સીસીટીવીની તપાસ કરતા એક વ્યક્તિ તેમનો પીછો કરી આવ્યો હતો અને ડિક્કીમાંથી રૂ.50,000ની ચોરી કરી નાસી ગયો હોવાની ફરિયાદ સીટી પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ગઠિયાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.