એક વખત સાગર રાજને બહુ ઘમંડ થયો કે, ‘હું કેટલો વિશાળ છું …મારી અંદર કેટલા જીવો રહે છે …હું મારા પાણીની વરાળ મોકલવું છું તો સૃષ્ટિને વરસાદ મળે છે…મારી અંદર પ્રભુ વિષ્ણુ વિરાજે છે…મારામાં એટલી તાકાત છે કે મારા મોજના વેગથી હું જે રસ્તામાં આવે તેને તોડી શકું છું…મારામાં એટલે શક્તિ છે કે હું આખી પૃથ્વી પર ફેલાય જઈને પળમાં તેને ડુબાડી દઈને નામશેષ કરી શકું છું…મારા પાણીની ભરતી અને ઓટમાં ઘણી તાકાત છે.’
આવા ઘણા ઘણા વિચારો તેને રોજ આવતા અને તેનો ઘમંડ વધતો જ જતો હતો. સાગર રાજનો વધતો જતો ઘમંડ તેમને ઉદ્ધત અને ક્રૂર બનાવી રહ્યો હતો તેઓ બધાનું અપમાન કરતા.દરેકને તુચ્છ સમજતા.કોઈ સમજાવવાની કે કૈક કહેવાની કોશિશ કરે તો પોતાના વિકરાળ જીવો અને મોજાની તાકાતથી તેને ડરાવી દેતા.કોઈપણ નગર પર જયારે મન થાય ત્યારે પોતાના મોટા મોટા સુનામીના મોજા ઉછાળી તે નગરને ડુબાડીને તેનું નામો નિશાન મિટાવી દેતો. બધા સાગર રાજના વર્તનથી ત્રાસી ગયા હતા.હવે શું કરવું તે નક્કી કરવા ભેગા થયા અને પૃથ્વીએ ભગવાન વિષ્ણુને અરજ કરી કે સાગર મારો જ પુત્ર છે પણ તેનું અભિમાન પૃથ્વી પર બીજા તત્ત્વોને પરેશાન કરે છે તો શું કરવું??’ભગવાન હસ્યા અને બોલ્યા, ‘અરે તું માતા છે અને તું જ તારા પુત્રને સમજાવી શકે છે હુંતો એટલું જ કહીશ કે સાગર જેને ડુબાડી ન શકે તેવું તેને દેખાડી ડે તો તેનું અભિમાન ઓછું થશે.’
પૃથ્વી સાગર પાસે ગઈ અને કહેવા લાગી, ‘પુત્ર આટલું અભિમાન સારું નહિ તું મારા જ બીજા તત્વોને તારા ભાઈભાંડુંઓને પરેશાન કરી રહ્યો છે.આની તને સજા મળશે.’સાગર અભિમાનમાં હસ્યો અને બોલ્યો, ‘હું પળવારમાં બધાને મારી અંદર ડુબાડી શકું છું મને કોણ સજા આપશે??’ માતા પૃથ્વીએ કડક શબ્દોમાં કહ્યું, ‘આ છે લાકડું ચલ તેને ડુબાડી બતાવ …..’લાકડું ન ડૂબ્યું તે સાગર પર તરવા લાગ્યું…. ‘આ છે તેલ આને ડુબાડી બતાવ ….’તેલના ટીંપા સાગરની સપાટી પર તરવા લાગ્યા….સાગર ચુપ થઈ ગયો તેણે પૃથ્વીને કહ્યું, ‘મા, તમે મારું અભિમાન ખોટું છે તે સમજાવ્યું મને સજા આપો.’પૃથ્વીએ કહ્યું, ‘સાગર તું ઘણા સારા કર્યો કરે છે એટલે તને કોઈ સજા નથી આપતી પણ આજથી તું તારી સીમા ક્યારેય ઓળંગીને બહાર નહિ આવે તેનું મને વચન આપ.’ સાગરનું ઘમંડ એક નાનકડા લાકડા અને તેલના ટીંપાએ ઉતારી નાખ્યું.કોઈ દિવસ ઘમંડ કરવું નહિ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.