સુરત: ભાજપના (GujaratBJP) પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CRPatil) પાસે 8 કરોડની ખંડણી (Extorsion) માંગનાર જીનેન્દ્ર શાહની (JinendraShah) સુરત ક્રાઇમ બ્રાન્ચ (SuratCrimeBranch) દ્વારા ધરપકડ (Arrest) કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચે તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ દ્વારા તેનાં 3 દિવસનાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે. આ મામલે ભટારમાં રહેતા ભાજપના કાર્યકર સન્ની ઠક્કર દ્વારા ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરવામાં આવી હતી.
જીનેન્દ્ર શાહ દ્વારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પર આક્ષેપો કરતો અને તેમને બદનામ કરતો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. જીનેન્દ્રએ વિડીયોમાં આક્ષેપો કર્યા હતા કે તેણે 80 કરોડ રૂપિયા પાર્ટી ફંડમાં સી.આર.પાટીલના કહેવાથી ઉઘરાવ્યા હતા. આ ફંડ સી.આર.પાટીલે પાર્ટીમાં આપ્યું નથી અને તેની તપાસ થવી જોઈએ તેવું વીડિયોમાં જણાવે છે. આ રીતે જીનેન્દ્રએ આઠ કરોડ રૂપિયાની ખંડણી નહીં આપી તો સી.આર.પાટીલના વધુ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ મામલે બે દિવસ પહેલાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જીનેન્દ્રની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી જીનેન્દ્ર કહે છે કે, આ વિડીયો મેં નહીં, વિજય રાજપૂતે વાયરલ કર્યા છે
ક્રાઇમ બ્રાન્ચે આ મામલે જે મુદ્દા રજૂ કર્યા છે, તેમાં આરોપી જીનેન્દ્ર શાહ પોતે આ વિડીયો વાયરલ કર્યા નથી એ વાતનું રટણ કરી રહ્યો છે. તે વિજય રાજપૂત નામના ઇસમે વાયરલ કર્યો હોવાની વાત કરી છે. આથી વિજય રાજપૂત હાલમાં ક્યાં છે તેની તપાસ કરવા માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત જીનેન્દ્રનાં બેંક એકાઉન્ટ ચેક કરવાના બાકી છે. જીનેન્દ્રએ અગાઉ આ રીતે અન્ય કોઇને બ્લેક મેઇલ કર્યા છે તેની ઇન્કવાયરી કરવાની બાકી છે. આ ઉપરાંત રાજ્યના ટોચના આગેવાનને બદનામ કરતો આ વિડીયો વાયરલ કરવા માટે અન્ય કોઇ વ્યક્તિની ભૂમિકા છે તેની પણ પૂછપરછ કરવાની બાકી છે. ક્રાઇમ બ્રાન્ચની માંગણી પર ચીફ કોર્ટ દ્વારા 3 દિવસનાં રિમાન્ડ ફટકારવામાં આવ્યાં હોવાની વિગત જાણવા મળી છે. ઇનચાર્જ ડીજીપી વકીલ તરીકે ડોબરિયા હાજર રહ્યા હતા. જેઓ દ્વારા આ મામલે દલીલ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.
શહેર પોલીસે વિગત આપવાનો સાફ ઇનકાર કરી દીધો
આ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે દિવસથી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરંતુ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કિસ્સામાં એફઆઇઆર નિયમ પ્રમાણે પ્રકાશિત કરવામાં આવી ન હતી. તેમાં આ મામલાને હાઇલી સેન્સેટિવમાં જણાવી ઓન લાઇનમાં એફઆઇઆર દર્શાવી ન હતી. સરવાળે આ હાઇ પ્રોફાઇલ કેસની વિગત હાલમાં કોર્ટ કેમ્પસમાંથી બહાર આવી છે.