રાયગઢ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) રાજગઢ (Raigadh) જિલ્લામાં સોમવારે એક ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં સેનાના બે જવાનો અને અન્ય ત્રણ લોકોના કરૂણ મોત (Death) થયા હતા. આ અકસ્માત રાયગઢ જિલ્લાના પીલુખેડીમાં NH 46 પર ઓસવાલ ફેક્ટરીની સામે થયો હતો. હાલ મધ્ય પ્રદેશ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના કુરાવર પોલીસ સ્ટેશન વિસ્તારના પીલુખેડીમાં સોમવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માત સોમવારે સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ ભોપાલથી કુરાવર તરફ આવી રહેલી એક બસ અને સેનાની ટ્રક વચ્ચે ટક્કર દ્વારા સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે સેનાની ટ્રક બસ સાથે અથડાયા ભેર પલટી મારીને રોડની બીજી બાજુ આવી ગઇ હતું.
મળતી માહિતી મુજબ સેનાની ટ્રકનું ટાયર ફાટ્યું હતું જેથી તે પેસેન્જર બસ સાથે અથડાઈ હતી. આ સાથે જ પેસેન્જર બસ પણ પાસેની દિવાલમાં ભટકાઇ હતી. જેથી આ ગખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. તેમજ આ ઘટનામાં 10થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. પરંતુ મૃત્યુ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
મુસાફરોથી ભરેલી બસ ભોપાલ તરફ જઈ રહી હતી. આ દરમિયાન NH 46 પર ઓસવાલ ફેક્ટરીની સામે અચાનક આર્મી ટ્રકનું ટાયર ફાટ્યું અને ટ્રક બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસમાં સવાર ત્રણ મુસાફરો અને સેનાના બે જવાનોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માત અંગે આસપાસના લોકોએ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યાર બાદ ઘાયલોને બસમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ઓસવાલ ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીનું પણ મોત નિપજ્યું હતું. મૃતક બિહારનો રહેવાસી હોવાનું કહેવાય છે. આસાથે જ દુર્ઘટનાની માહિતી મળતા જ સેનાના ઘણા અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ દળો ઘટના સ્થળે હાજર થયા હતા.
ઘટના બાદ રોડની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. તેમજ ગંભીર ટ્રાફિકના કારણે લોકોને ખુબ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ મહા મહેનતે ટ્રાફીક ઉપર કાબુ મેળવવમાં આવ્યો હતો. તેમજ ઘટના બાદ સ્થાનિક લોકો અને પોલીસની ટીમે સાથે મળીને અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે ભોપાલ મોકલ્યા હતા.