ગઈકાલે મંગળવારે વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપતાં નેપાળ એક ઊંડા રાજકીય સંકટમાં ફસાઈ ગયું. સોશિયલ મીડિયા પ્રતિબંધ અને કથિત ભ્રષ્ટાચાર સામે રાજધાની કાઠમંડુ સહિત દેશભરમાં ફેલાયેલા Gen-Zના નેતૃત્વ હેઠળના વિરોધ પ્રદર્શનો વચ્ચે આ પગલું લેવામાં આવ્યું. બાંગ્લાદેશની જેમ, વિરોધ પ્રદર્શનો ખૂબ હિંસક બન્યા.
સંસદ અને વડા પ્રધાન કાર્યાલય સહિત સરકારી ઇમારતોને નિશાન બનાવવામાં આવ્યા. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ, વડા પ્રધાન ઓલી અને ભૂતપૂર્વ વડા પ્રધાનોના ખાનગી ઘરોને આગ ચાંપી દેવામાં આવી. આ દરમિયાન ડઝનબંધ લોકો ઘાયલ થયા, વાહનો, શાળાઓ અને મંત્રીઓના ઘરોને બાળી નાખવામાં આવ્યા. સુરક્ષા કારણોસર ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાનમથક બંધ કરવામાં આવ્યું હતું.
પરિસ્થિતિ કાબુ બહાર જતા નેપાળ સેનાએ હવે મોરચો સંભાળી લીધો છે અને રાજધાની કાઠમંડુ સહિત ઘણા સંવેદનશીલ સ્થળોની સુરક્ષા સંભાળી લીધી છે. સેના પ્રમુખ જનરલ અશોક રાજ સિગ્દલે મોડી રાત્રે રાષ્ટ્રને સંબોધન કર્યું અને પ્રદર્શનકારીઓને હિંસા અને તોડફોડ બંધ કરવા અને વાતચીતના માર્ગ પર આવવા અપીલ કરી હતી.
નેપાળ સેનાએ ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (TIA) પર કબજો જમાવ્યો છે. મંગળવારે સાંજે વિરોધીઓએ એરપોર્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું. તેથી દિલ્હીથી કાઠમંડુ માટે દરરોજ 6 ફ્લાઇટ્સનું સંચાલન કરતી એર ઇન્ડિયાએ મંગળવારે 4 ફ્લાઇટ્સ રદ કરી. ઇન્ડિગો અને નેપાળ એરલાઇન્સે પણ દિલ્હીથી કાઠમંડુ જતી ફ્લાઇટ્સ રદ કરી. સેનાએ નેપાળ સરકારના મુખ્ય સચિવાલય બિલ્ડિંગ સિંહ દરબારનો પણ કબજો લીધો. સેનાએ પશુપતિનાથ મંદિરના દરવાજા પર તોડફોડ કરવાનો પ્રયાસ પણ નિષ્ફળ બનાવ્યો હતો.
સેના પ્રમુખે આંદોલનકારીઓને કરી અપીલ
દરમિયાન નેપાળની સેના અને અન્ય સુરક્ષા એજન્સીઓના વડાઓએ મંગળવારે એક સંયુક્ત નિવેદન બહાર પાડીને વિરોધીઓને સંયમ રાખવા વિનંતી કરી. તેમણે વાતચીત દ્વારા કટોકટીનો ઉકેલ શોધવાની પણ અપીલ કરી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્વારા વડા પ્રધાનનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે.
હવે અમે દરેકને સંયમ રાખવા અને વધુ જાનમાલનું નુકસાન ન થવા દેવા વિનંતી કરીએ છીએ. રાજકીય સંવાદ દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે તમામ પક્ષોને હાકલ કરતા તેમણે કહ્યું કે સ્થિરતા અને કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાનો એકમાત્ર રસ્તો વાતચીત છે.
ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો અને રાજકીય સંકટ વચ્ચે નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકો મંગળવારે દાર્જિલિગમાં પાણિટાંકી સરહદ પાર કરીને ભારત પરત ફર્યા પાણિટાંકી સરહદ (ભારત-નેપાળ સરહદ) પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હતી. નેપાળમાં પ્રદર્શનકારીઓએ કાઠમંડુમાં નેતાઓના ઘરો અને સંસદ ભવનમાં આગ લગાવી દીધી હતી. પરિસ્થિતિ વધુ વણસી જતાં ભારતીય સુરક્ષા દળોએ સરહદ પર વધારાના સૈનિકો તૈનાત કર્યા હતા.
શું છે મામલો?
સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચારના આરોપો સામે આંદોલન શરૂ થયું હતું. Gen-Z યુવાનોના નેતૃત્વમાં આ આંદોલન ઝડપથી દેશભરમાં ફેલાઈ ગયું. ભૂતપૂર્વ વડા પ્રધાનો શેર બહાદુર દેઉબા અને પુષ્પ કમલ દહલના ઘરો પણ આગચંપીનો ભોગ બન્યા નેપાળની સેના અને સુરક્ષા એજન્સીઓએ વિરોધીઓ સાથે સંયમ અને વાતચીત કરવાની હાકલ કરી છે.
સેનાએ કહ્યું કે તે દેશની સ્વતંત્રતા, સાર્વભૌમત્વ અને નાગરિકોના જાન-માલનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે. અધિકારીઓએ ચેતવણી આપી હતી કે જો હિંસા ચાલુ રહેશે તો તમામ સુરક્ષા તંત્ર સક્રિય કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે કેપી શર્મા ઓલી જુલાઈ 2024 પછી ચોથી વખત વડા પ્રધાન બન્યા. તેમણે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું હતું કે, “મેં આ નિર્ણય સમસ્યાનો ઉકેલ લાવવા અને બંધારણ અનુસાર રાજકીય રીતે તેનો ઉકેલ લાવવા માટે લીધો છે.”