નવી દિલ્હી: દેશના (Country) ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે લશ્કરે (Army) આજે અગ્નિપથ લશ્કરી ભરતી યોજના (Agneepath Military Recruitment Scheme) હેઠળ સૈનિકોની ભરતી કરવા માટે જાહેરનામુ (Notice) જારી કર્યું હતું, જે યોજના હેઠળ અરજીઓની ઓનલાઇન (Online) નોંધણી આવતા મહિનાથી શરૂ થશે. પોતાના જાહેરનામામાં, લશ્કરે જણાવ્યું હતું કે ઓનલાઇન ભરતી માટેની નોંધણી વેબસાઇટ www.joinindianarmy.nic મારફતે કરી શકાશે અને તમામ નોકરી ઇચ્છુકો માટે નવા મોડેલ હેઠળ જ અરજી કરવાનું ફરજિયાત છે. લશ્કરે જણાવ્યું હતું કે ભારતીય ભૂમિદળમાં અગ્નિવીરોની એક જુદી રેન્ક હશે, જે અન્ય કોઇ પણ વર્તમાન રેન્ક કરતા જુદી હશે. તેણે જણાવ્યું હતું કે અગ્નિવીરો પર ચાર વર્ષની તેમની સેવા દરમ્યાન તેમણે જે વર્ગીકૃત માહિતી મેળવી હોય તે માહિતી સત્તાવાર ગુપ્તતા ધારા, ૧૯૨૩ હેઠળ કોઇ પણ અનધિકૃત વ્યક્તિ અથવા સૂત્ર સમક્ષ જાહેર કરવા પર પ્રતિબંધ રહેશે. આ ભરતી નીચેની જગ્યાઓ માટે યોજવામાં આવશે.
- અગ્નિવીર જનરલ ડ્યુટી
- અગ્નિવીર ટેકનિકલ
- અગ્નિવીર ટેકનિકલ (એવિએશન/એમ્યુનિશન ટેસ્ટર)
- અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ
- અગ્નિવીર ટ્રેડ્સમેન 10મું પાસ
- અગ્નિવીર ટ્રેડ્સમેન 8મું પાસ
અગ્નિવીર યોજના હેઠળ ભરતી કરાયેલા વ્યક્તિઓને સમયે સમયે મેડિકલ ચેક-અપ્સમાંથી પસાર થવું પડશે અને આદેશ જારી થાય તે મુજબ શારીરિક/લેખિત/ફિલ્ડ કસોટીઓ આપવી પડશે. તેમણે આ સેવા દરમ્યાન જે દેખાવ કર્યો હોય તેના આધારે તેમની રેગ્યુલર કેડરમાં ભરતી કરવા માટે વિચારણા કરવામાં આવશે એમ લશ્કરે જણાવ્યું હતું. અગ્નિવીરોના ચોક્કસ બેચમાંથી ૨૫ ટકા કરતા વધુને રેગ્યુલર કેડરમાં લેવામાં આવશે નહીં એમ પણ લશ્કરે જાહેરનામામાં જણાવ્યું છે.
આવશ્યક લાયકાત શું છે
- જનરલ ડ્યુટી માટે, ઉમેદવારોએ કુલ 45% ગુણ સાથે 10મું પાસ હોવું જોઈએ.
- અગ્નિવીર ટેકનિકલ (એવિએશન/એમ્યુનિશન ટેસ્ટર) માટે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને અંગ્રેજી વિષયમાં 50% ગુણ સાથે 12મું પાસ.
- કારકુન/સ્ટોરકીપરની જગ્યાઓ માટે 60% ગુણ સાથે 12મું પાસ. અંગ્રેજી અને ગણિતમાં 50% ગુણ જરૂરી છે.
- ટ્રેડમેન માટે 10મા અને 8મા પાસ ઉમેદવારોની અલગ-અલગ ભરતી થશે. અરજદારને તમામ વિષયોમાં 33% ગુણ હોવા જોઈએ.
જણાવી દઈએ કે આ ભરતીમાં 8મું ધોરણ પાસ કરનાર પણ અપ્લાઈ કરી શકે છે. 18 વર્ષથી ઓછી ઉંમરવાળા અભિયાર્થી તેમનાં માતા-પિતાની મંજૂરીથી અગ્નિપથ સ્કીમ માટે અરજી કરી શકશે. આ ઉપરાંત 21 વર્ષ સુઘીના યુવાઓને ફિઝિકલ ફિટનેસ અને શૈક્ષણિક યોગ્યતાના આઘારે ભરતી કરવામાં આવશે. આ નિમણૂક 4 વર્ષ માટે હશે તેઓની સમયમર્યાદા પૂર્ણ થયા પછી તેઓને ભારતીય વાયુસેના તેમજ અગ્નિવીરોનું પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પ્રમાણપત્રનો ઉલ્લેખ યુવાઓ પોતાના રિઝ્યુમમાં પણ કરી શકશે. ભરતી માટે અપ્લાઈ કરનારનું સેના કે અન્ય નોકરીમાં સિલેકશન સરકારી નિયમો મુજબ જ થશે. આ ઉપરાંત મેડિકલ ટ્રેડમેનને બાદ કરતા ભારતીય વાયુસેનામાં નિયમિત કેડરમાં એરમેન તરીકે ઉમેદવારી માત્ર તે જ ઉમેદવારો માટે ઉપલબ્ધ રહેશે જેમણે અગ્નિવીરની કામગીરી તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યો હશે. આ ઉપરાંત એરફોર્સે સ્પષ્ટતા કરી છે કે અગ્નિવીર દરેક સૈન્ય સન્માન અને પુરસ્કારના હકદાર રહેશે. તેઓને વર્ષમાં એક મહિનાની રજા એટલેકે 30 દિવસની રજાઓ મળશે. આ સાથે તેઓને 48 લાખનો ઈન્શ્યોરન્સ મળશે, જો યુવા દેશમાટે સર્વોચ્ચ બલિદાન આપશે તો તેને 48 લાખની સાથે સાથે સરકાર તરફથી એક્સ-ગ્રેશિયા 44 લાખની સહાયતા રકમ પણ મળશે. સેવા નિધિ પેકેજ તરીકે 11 લાખ અને વધેલી નોકરીની આખી સેલરી પરિવારને મળશે આમ કુલ મળીને પરિવારને 1 કરોડ મળશે.