National

કુપવાડામાં આર્મી અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

નવી દિલ્હી: ઉત્તર કાશ્મીરના (North Kashmir) કુપવાડા જિલ્લામાં આજે બુધવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ (Terrorist) વચ્ચે અથડામણના અહેવાલો સામે આવ્યા હતા. અહીં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો (Security Forces) પર ગોળીબાર કર્યો હતો. ત્યાર બાદ સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો અને સેનાનો એક જવાન ઘાયલ થયો.

પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તર કાશ્મીરના કુપવાડામાં ત્રિમુખા પહાડીઓમાં છુપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે મંગળવારે મોડી રાત સુધી અથડામણ ચાલુ રહી હતી. ત્યારે ચારથી પાંચ પાકિસ્તાની આતંકીઓ ઘેરામાં ફસાયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. દરમિયાન સંબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોને તેમની સિસ્ટમ દ્વારા જાણ થઈ હતી કે વિદેશી આતંકવાદીઓનું એક જૂથ કુપવાડાની લોલાબ ખીણ દ્વારા ઘાટીના આંતરિક વિસ્તારોમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આતંકવાદીઓ ઓટોમેટિક હથિયારોથી સજ્જ છે
સિસ્ટમ દ્વારા મળેલી જાણકારીના આધારે લોલાબ ખીણના વિવિધ ભાગોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે સાંજે ત્રિમુખા પહાડીઓ પર શોધખોળ કરી રહેલા સૈનિકોએ સ્વચાલિત શસ્ત્રોથી સજ્જ આતંકવાદીઓના જૂથને ઝાડ વચ્ચેથી પસાર થતા જોયા હતા. તે જ સમયે, જવાનોએ આતંકવાદીઓને પડકાર્યા અને તેમને આત્મસમર્પણ કરવા કહ્યું હતું. પરંતુ આતંકવાદીઓએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને જવાનોને તેમનો પીછો કરતા રોકવા માટે ગોળીબાર કર્યો હતો.

અથડામણ દરમિયાન સૈનિકોએ પોતાનો બચાવ કરતા જવાબી કાર્યવાહી કરી અને આ પછી બંને તરફથી ગોળીબાર શરૂ થયો હતો. ત્યારે એન્કાઉન્ટરની માહિતી મળતાની સાથે જ નજીકના કેમ્પમાંથી સુરક્ષા દળોની વધારાની ટુકડીઓ પણ એન્કાઉન્ટર સ્થળ તરફ દોડી ગઈ હતી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે આ ઓપરેશનમાં સેનાના 22 અને 28 આરઆર સામેલ છે. જે વિસ્તારમાં આ એન્કાઉન્ટર થઈ રહ્યું છે ત્યાંથી એક રસ્તો જિલ્લા બાંદીપોર તરફ જાય છે અને બીજો રસ્તો બારામુલ્લા જિલ્લાના સોપોર તરફ જાય છે.

સમગ્ર મામલે સંબંધિત અધિકારીઓએ કહ્યું હતું કે આતંકવાદીઓ જે રીતે ગોળીબાર કરી રહ્યા છે તેના આધારે તેમની સંખ્યા ત્રણથી પાંચની વચ્ચે હોઈ શકે છે. આ આતંકવાદીઓ માત્ર પાકિસ્તાની છે, કારણ કે આ વિસ્તારમાં કોઈ સ્થાનિક આતંકવાદી સક્રિય નથી.

Most Popular

To Top