વલસાડ : કપરાડા-નાશિક (Kaparada Nasik) હાઇવે (Highway) ઉપર દિક્ષલ ગામે એક પેટ્રોલ પંપ (PetrolPump) ઉપર શુક્રવારની વહેલી પરોઢે દાતરડું, કોયતા જેવા હથિયારો સાથે ધસી આવેલા 10 જેટલા ધાડપાડુએ વોચમેન સહિત પંપના કર્મચારીઓને બંધક બનાવી રૂ.7.34 લાખની લૂંટ (Robbery) ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ કર્મચારીઓએ પોલીસ અને સંચાલકને કરતા પોલીસે નાકાબંધી કરી હતી.
પોલીસ સૂત્રો અને ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ નાશિક રોડ ઉપર દિક્ષલ ગામે હિન્દુસ્તાન પેટ્રોલિયમનું તેજસ પેટ્રોલિયમ આવેલું છે. જ્યાં શુક્રવારની વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ આશરે 10 જેટલા ધાડપાડુઓ ચહેરા ઉપર કપડું બાંધી પેટ્રોલ પંપ ઉપર ત્રાટક્યા હતા. પ્રથમ જ્યાં કર્મચારીઓ હતા ત્યાં પહોંચી કર્મચારીઓને ડરાવી કાથાની દોરી વડે બાંધીને બંધક બનાવી લીધા હતા.
બાજુમાં આવેલી ઓફિસમાંથી પ્રાથમિક તબક્કે મળતી વિગત મુજબ આશરે રૂ.7 લાખથી વધુ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પંપના કર્મચારીઓએ કપરાડા પોલીસ અને સંચાલકને કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસે નાકાબંધી કરી ફરાર થયેલા ધાડપાડુઓને પકડવા કવાયત હાથ ધરી હતી.
ધાડપાડુઓ સીસીટીવીનું ડીવીઆર પણ લઈ ગયા
પેટ્રોલપંપ પર ત્રાટકેલા ધાડપાડુઓએ કર્મચારીઓને બંધક બનાવી લૂંટ તો કરી પરંતુ સીસીટીવીને લઈ તેમની ઓળખ ન થાય તે માટે ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા. કર્મચારીઓના બે મોબાઈલ પણ લઈ લીધા હતા.
મોંઢા પર કપડું બાંધીને આવ્યા હતા
પેટ્રોલપંપના કર્મચારી ભરત બીરારીએ જણાવ્યું કે મળસ્કે આશરે 3.15 કલાકે 10 થી 12 લોકો મોંઢા પર કપડું બાંધી પ્રવેશ કરી ઓફિસમાં આવી દાતરડાં અને કોયતા બતાવી અમને દોરી વડે બાંધી બાજુના રૂમમાંથી રોકડા રૂ 7.34 લાખની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા.
નાકાબંધી કરીને પોલીસે બે આરોપીને તો ઝડપી પાડ્યાં
કપરાડા તાલુકાના દીક્ષલ ગામે તેજસ પેટ્રોલ પંપ ઉપર ધાડ પાડનાર ૧૦ પૈકી બે આરોપીને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી પાડ્યા હતા. ધાડ માટે જે ઇક્કો ગાડીનો ઉપયોગ થયો હતો તે પણ પોલીસે કબજે લીધી છે. વાપી વિભાગના ડીવાયએસપી બી.એન.દવેના જણાવ્યા પ્રમાણે પેટ્રોલ પંપ ઉપર ધાડ પડી ત્યારબાદ પેટ્રોલ પંપના કર્મચારીએ પોલીસ કંટ્રોલ રૂમ ૧૦૦ નંબર ઉપર ફોન કરતા પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી હતી. તેમજ જ્યાં ધાડ પડી તેની આસપાસ કોમ્બિંગ કરતા ઇક્કો કાર તેમજ બે આરોપીને ઝડપી પાડ્યા હતા. વધુ આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ ચાલી રહી છે.