Gujarat

ત્રણ મહિના પહેલા બનાવેલો હાઈ-વે તૂટી જાય તો કઈ હદે ભ્રષ્ટાચાર થયો હશે ? – મોઢવાડિયા

અમદાવાદના જશોદાનગરને એસ.પી. રિંગ રોડથી જોડતા 6 લેન હાઈવેનો એક વીડિયો શેર કરી પ્રદેશ કોગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, માત્ર 3 મહિના પહેલા જ બનેલા આ 6 લેન હાઈવેની કપચી ઉખડીને બહાર આવી ગઈ છે. રોડ બનાવવા માત્ર નામ પૂરતો ડામર વપરાયો હોય અને બાકીના નાણાં કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશનના સત્તાધીશોના ગજવામાં ગયા હોય એટલે આવું થાય તે સ્વાભાવિક છે.

અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનામાં મેં અમદાવાદ અને પોરબંદરના રસ્તાઓ નિહાળ્યા છે. એકપણ રસ્તો એવો નથી જે તૂટ્યો નહીં હોય. લોકોને સ્માર્ટ સિટીઓના સપના બતાવીને ગુજરાતના શહેરોના રોડ રસ્તાઓ બિસ્માર બનાવી દેવામાં આવ્યા છે. ખાસ કરીને અમદાવાદ જેવા શહેરોમાં નવા ભળેલા વિસ્તારોમાં વિકાસ કામોના નામે વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે અને કામના નામે માત્ર લોટ, પાણી અને લાકડા જેવા કામો થયા છે. જેના કારણે થયેલ કામો માત્ર બે-ત્રણ મહિનામાં બિસ્માર બની જાય છે અને લોકોને પારાવાર હાલાકી સહન કરવી પડે છે.

એકલા અમદાવાદમાં દર વર્ષે સરેરાશ 75 કરતા વધુ ભુવાઓ પડે છે, ચાલુ વર્ષે પણ અત્યાર સુધી 15 થી વધુ ભુવા પડી ચૂક્યા છે. એક ભુવાના સમારકામ પાછળ 20 થી 25 લાખ જેટલો ખર્ચ થાય છે અને જનતાના પૈસા વેડફાય છે. છતાં માત્ર બે ઈંચ વરસાદમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જાય છે.

Most Popular

To Top