Entertainment

અર્જુન હિંગોરાની ધર્મેન્દ્ર સિવાયકોઈ સાથે ફિલ્મ બનાવતાં નહોતા

અર્જુન હિંગોરાની આજે બહુ ઓછાને યાદ હશે પણ ધર્મેન્દ્ર તેમને ક્યારેય ભૂલ્યા નથી. ધર્મેન્દ્રની પહેલી ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ છે જેમાં તેની હીરોઈન કુુમકુમ હતી. એ ફિલ્મનું સંગીત આપેલું આપણા કલ્યાણજી-આણંદજીએ (મુઝકો ઈસ રાતકી તન્હાઈમેં આવાઝ ન દો). ફિલ્મોમાં કામ કરવા માટે જ આવેલા ધર્મેન્દ્ર કામ ન મળતા ફરી પંજાબ ચાલી જવા માંગતા હતા અને હિંગોરાનીએ તેમને આ ફિલ્મ આપી. હિંગોરાની તો દિગ્દર્શક હતા અને તેમની પાસે ય ખાસ પૈસા ન હોતા પણ પોતાની પાસે એક રૂપિયો હોય તો આઠ આના ધર્મેન્દ્રને આપી દેતાં. ધર્મેન્દ્ર પાસે ખાવાના પૈસા નહીં તો તેના નાસ્તાની ગોઠવણ પણ હિંગોરાનીએ કરી આપેલી. ધર્મેન્દ્ર ત્યારે ગ્રાન્ડ રોડની એક હોટલમાં રહેતા અને બી.મેરવાન નામનાં ઈરાની રેસ્ટોરાંમાં નાસ્તો કરી લેતાં. અર્જુન હિંગોરાનીએ ધર્મેન્દ્ર માટે ટ્રેનનાં પાસની સગવડ પણ કરી આપેલી. પાસ નહોતો ત્યારે આ ધર્મેન્દ્ર ગ્રાન્ડ રોડથી દાદર સુધી ચાલીને જ જતાં અને ત્યાંથી ટ્રેન પકડી પૈસા બચાવતા.
અર્જુન હિંગોરાનીએ દિગ્દર્શક તરીકે જે પહેલી ફિલ્મ બનાવેલી તે સિંધી ભાષાની ‘અબાના’ હતી જેમાં સાધનાએ કામ કરેલું. તેની પણ આ પહેલી જ ફિલ્મ હતી. બીજી ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’માં ચાન્સ આપ્યો. સાધના સાથે તો તેમણે પછી વધારે કામ ન કર્યું પણ ધર્મેન્દ્ર સાથે ‘કબ ક્યું ઔર કહાં’, ‘કહાની કિસ્મત કી’, ‘ખેલ ખિલાડીકા’, ‘કાતિલોં કે કાતિલ’, ‘કરિશ્મા કુદરત કા’, ‘કૌન કરે કુરબાની’ જેવી ફિલ્મો બનાવી અને ‘સલ્તનત’, ‘કૈસે કહું કે પ્યાર હૈ’ ફિલ્મમાં ધર્મેન્દ્રનો દીકરો સની દેઓલ છે. મતલબ કે ધર્મેન્દ્ર સાથે જ તેમણે ફિલ્મો બનાવી. ધર્મેન્દ્રના કારણે જ તેઓ નિર્માતા બનેલા કારણ કે ધર્મેન્દ્ર કોઈ દિવસ પૂછતાં નહીં કે મને કેટલી ફી આપશો?
હિંગોરાની સિંધી હતા અને સિંધી હીરોઈન તેમને વધારે ગમતી એટલે ‘કબ ક્યું ઔર કહાં’માં બબીતા છે પણ પછી માર્કેટ પ્રમાણે ચાલ્યા. તેમની ફિલ્મોમાં હીરોઈન બદલાતી રહેતી પણ હીરો તો ધર્મેન્દ્ર જ હોય. ધર્મેન્દ્રને અનિતા રાજ સાથે બહુ ખાસ સંબંધ હતા અને ધર્મેન્દ્રને કારણે જ અર્જુન હિંગોરાનીની ફિલ્મ ‘કરિશ્મા કુદરત કા’માં કોમ મળેલું. જો કે હિંગોરાનીનો ભત્રીજો સુનીલ હિંગોરાની તેનો દિગ્દર્શક હતો અને અનિતા રાજ તેની સાથે પરણી ગયેલી.
અર્જુન હિંગોરાની ‘K’ ને લકી માનતા એટલે તેમની કુલ 10 ફિલ્મમાંથી સાત ફિલ્મોનાં શીર્ષક ‘K’થી શરૂ થાય છે. જો કે હિંગારોનીની એક રિલીઝ ન થયેલી ફિલ્મનું નામ ‘જિતને દૂર ઉતને પાસ’ છે અને તેમાં ધર્મેન્દ્ર સાથે કલ્પના મોહન હતી. આ કલ્પના પણ સિંધી હતી. કલ્પનાએ એકવાર કહેલું કે ધર્મેન્દ્ર તેની સાથે એવો સંબંધ ઇચ્છતા હતા કે જેમાં સાથે રહી આનંદ માણી શકાય. કલ્પનાની ના નહોતી પણ ધર્મેન્દ્ર પરણેલા હતા એટલે કલ્પનાને થયું કે પછી પ્રોબ્લેમ થશે.
ખેર! અર્જુન હિંગોરાની સાથેની ધર્મેન્દ્રની દોસ્તી છેવટ સુધી ટકેલી 15 નવેમ્બર 1926માં જન્મેલા અર્જુન હિંગોરાની 92 વર્ષની ઉંમરે પાંચ મે 2018માં મૃત્યુ પામેલા. અર્જુન હિંગોરાનીનો દિકરો ઇસ્કોન સાથે જોડાયેલો છે એટલે વૃંદાવનમાં રહે છે. હિંગોરાનીની પત્નીનું નામ ‘K’ પરથી કંદા હતું અને એક દિકરીનું નામ પણ ‘કરિશ્મા’ છે. ખેર, ધર્મેન્દ્ર – અર્જુન હિંગોરાનીનાં સંબંધ ખાસ હતા ને ખાસ જ રહ્યા. •

Most Popular

To Top