Charchapatra

વાદ કરો વિવાદ નહિ

કોરોના કાળમાં લોકોની માનસિકતા બદલાઈ ગઈ છે. ધૈર્ય ગુમાવી ચૂક્યા છે લોકો. વાદ ઓછો કરે છે અને વિવાદ વધુ કરે છે. રાજકારણમાં પણ જુઓ, ત્યાં સામાન્ય  સભામાં વાદ નથી દેખાતો વિવાદ વધુ દેખાય છે. એના લીધે વિખવાદ સર્જાય છે. સંવાદ લુપ્ત થઇ ગયો છે આજકાલ. વાદવિવાદ વિષે કબીરે સરસ કહ્યું છે:- વાદવિવાદ નહિ કર, કર નિત એક બિચાર, રામ સમર ચિત્ત લાયકે, સબ કરને મેં સાર. ખોટા વાદવિવાદ કરવા જોઈએ નહિ. એનાથી મનની શાંતિ હણાય છે. બહુ બોલ બોલ કરવાથી શબ્દો ઝેર થઇ જાય છે. વિવાદ ચાલતો હોય ત્યાં ડાહ્યા માણસે ઊભા ન રહેવું જોઈએ.

ગીતામાં પણ કહ્યું છે કે,  કુંઠિત બુદ્ધિવાળા કૂતરાના સ્વભાવના તકરારી માણસો સાથે વાદ ન કરવો જોઈએ, એ લોકો વાદને વિવાદમાં પરિવર્તિત કરી દેશે. જતું કરવાની ભાવના વિકસાવવી જોઈએ. આજકાલ સંબંધોમાં પણ વિચ્છેદ જોવા મળે છે તેનું કારણ વિવાદ અને સંવાદનો સંપૂર્ણ અભાવ. એ ન ભૂલવું જોઈએ કે સંવાદ એ વાદનો શ્વાસ છે. જયારે વ્યક્તિને ‘હું” પદ હોય, હું કહું તે જ સાચું એમ અભિમાન આવી જાય ત્યારે સંવાદ તૂટે છે અને વિખવાદ સર્જાય છે. માટે જ જયારે જયારે સમસ્યા સર્જાય ત્યારે સંવાદ જ કરો વિવાદ નહિ અને સામેવાળી વ્યક્તિ પણ સાચી હોઈ શકે એ વાત પણ ધ્યાનમાં રાખો તો કોઈ દિવસ પણ વિખવાદ નહિ થશે. લેટ ગો કરવાની ભાવના રાખજો. તો જ પ્રેમનો સેતુ અકબંધ રહેશે. સુરત       – દિલીપ વી. ઘાસવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top