આર્જેન્ટિનાના વિશ્વપ્રસિદ્ધ ફૂટબોલ સુપરસ્ટાર લિયોનલ મેસી આજે 13 ડિસેમ્બર શનિવારે કોલકાતા પહોંચ્યા અને તેમની બહુપ્રતિક્ષિત ‘GOAT ઈન્ડિયા ટૂર 2025’ની સત્તાવાર શરૂઆત કરી. 14 વર્ષના લાંબા વિરામ બાદ મેસ્સીના ભારત આગમનને લઈને દેશભરના ફૂટબોલ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને કોલકાતા શહેરમાં મેસ્સીના સ્વાગત માટે ઉત્સવ જેવું વાતાવરણ સર્જાયું હતું.
લિયોનલ મેસી મિયામી અને દુબઈ મારફતે મોડી રાત્રે કોલકાતા પહોંચ્યા હતા. મોડા સમય છતાં તેમની એક ઝલક મેળવવા માટે હજારો ચાહકો નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની બહાર ભેગા થયા હતા. “મેસી-મેસી”ના નારા, આર્જેન્ટિનાના ધ્વજ અને ફૂટબોલ જર્સીઓથી એરપોર્ટ વિસ્તાર ગુંજી ઊઠ્યો હતો.
એરપોર્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા
મેસ્સીના આગમનને ધ્યાનમાં રાખીને એરપોર્ટ અને આસપાસના વિસ્તારોમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ફેન્સનો ઉત્સાહ એટલો જબરદસ્ત હતો કે કેટલાક ચાહકો બેરિકેડ્સ પર ચઢવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતત સતર્ક રહી હતી.
ટૂરના આયોજક સતાદ્રુ દત્તાએ જણાવ્યું હતું કે “14 વર્ષ બાદ લિયોનલ મેસ્સીનું ભારત આગમન ફૂટબોલપ્રેમીઓ માટે ઐતિહાસિક ક્ષણ છે. મેસ્સીની હાજરીથી ભારત દેશમાં ફૂટબોલ પ્રત્યેનો ઉત્સાહ અને જોડાણ વધુ મજબૂત બનશે.”
કોલકાતામાં મેસ્સીનો આજનો વ્યસ્ત કાર્યક્રમ
કોલકાતામાં મેસ્સીનો આજનો દિવસ યુવા ભારતી સ્ટેડિયમ ખાતે યોજાનાર કાર્યક્રમોથી વ્યસ્ત રહેશે. આજે શનિવારે સવારે 9:30થી 10:30 દરમિયાન પસંદગીના મહેમાનો માટે ખાનગી મુલાકાત અને શુભેચ્છા સમારંભ યોજાશે. આ દરમિયાન મેસ્સી વર્ચ્યુઅલી તેમના નામ પરથી બનાવવામાં આવેલી પ્રતિમાનું ઉદ્ઘાટન પણ કરશે.
દિવસનું મુખ્ય આકર્ષણ યુવા ભારતી સ્ટેડિયમ ખાતે યોજાનારી ફ્રેન્ડલી ફૂટબોલ મેચ રહેશે. જેમાં હજારો દર્શકો હાજર રહેવાની અપેક્ષા છે. ત્યારબાદ મેસ્સી ચાહકો સાથે સંવાદ કાર્યક્રમમાં ભાગ લેશે. આ તમામ કાર્યક્રમોની ટિકિટો ભારે માંગને કારણે થોડા જ સમયમાં વેચાઈ ગઈ હતી.
કોલકાતા વર્ષોની સૌથી મોટી ફૂટબોલ ઇવેન્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને લિયોનલ મેસ્સીની આ મુલાકાતને ભારતીય ફૂટબોલ ઇતિહાસમાં એક યાદગાર ક્ષણ તરીકે જોવામાં આવી રહી છે.