આર્જેન્ટિના: ફિફા વર્લ્ડ કપ 2022 જીત્યા બાદ આર્જેન્ટિનાની ટીમ પોતાના દેશ પરત ફરી છે. કેપ્ટન લિયોન મેસી ટ્રોફી અને પોતાની ટીમ સાથે ઇઝીઝા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતા જ તેઓની ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર હજારો લોકોની ભીડે એકત્ર થઇ હતી. ફિફા વર્લ્ડ કપમાં લિયોનેલ મેસીના નેતૃત્વમાં ટીમે ફાઇનલમાં ફ્રાન્સને 4-2 (પેનાલ્ટી શૂટઆઉટ)થી હરાવીને ઇતિહાસ રચ્યો હતો.
એરપોર્ટ પર હજારો લોકો ભેગા થયા
આર્જેન્ટિનાએ 1986 પછી પ્રથમ વખત ફીફા વર્લ્ડ કપ જીત્યો છે, જ્યારે આ તેઓનો ત્રીજો વર્લ્ડ કપ છે. ખાસ વાત એ છે કે લિયોનેલ મેસ્સીનો આ છેલ્લો વર્લ્ડ કપ હતો. મંગળવારે સવારે (ભારતીય સમય મુજબ) આર્જેન્ટિનાના ખેલાડીઓ રાજધાની બ્યુનોસ આયર્સના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં હજારો લોકો પોતાના વર્લ્ડ ચેમ્પિયનને આવકારવા તૈયાર હતા. કેપ્ટન લિયોનેલ મેસી ટ્રોફી હાથમાં લઈને ફ્લાઈટમાંથી બહાર નીકળ્યો અને લોકોનું અભિવાદન કર્યું હતું.
બસમાં ખેલાડીઓનો રોડ શો
આર્જેન્ટિનાના ખેલાડીઓ એરપોર્ટથી સીધા જ એક ખુલ્લી બસમાં બેસીને રોડ શો કર્યો હતો. મેસી ટ્રોફી અને ટીમ સાથે બસમાં બેસી આર્જેન્ટિનાના રસ્તાઓ પર ફર્યા હતા. જ્યાં હજારો લોકો પહેલાથી જ તેઓને જોવા માટે આતુર હતા. રોડ શો દરમિયાન હજારો ચાહકોએ બસને ઘેરી લીધી હતી અને ખેલાડીઓ ટ્રોફી બતાવી જીતની ઉજવણી કરી હતી.
આવી હતી ફાઈનલ મેચ
18 ડિસેમ્બરના રોજ, આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે ફાઇનલ મેચ કતારના લુસેલ સ્ટેડિયમમાં રમાઈ હતી. અહીં પ્રથમ હાફમાં આર્જેન્ટિનાએ 2-0ની સરસાઈ મેળવી હતી, પરંતુ બીજા હાફમાં ફ્રાન્સે વાપસી કરી હતી અને એમ્બાપેએ 2 ગોલ કર્યા હતા. આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની મેચ પૂર્ણ સમયે 2-2થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. જ્યારે મેચ એક્સ્ટ્રા ટાઈમમાં ગઈ તો સ્કોર 3-3 થઈ ગયો. બાદમાં પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ 4-2થી જીત મેળવી હતી. 36 વર્ષ બાદ આર્જેન્ટિના ફિફા વર્લ્ડ કપમાં જીત મેળવી હતી. જીત બાદ આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરેસના ઓબેલિસ્કમાં લાખો ચાહકો સતત ઉજવણી કરી રહ્યા છે. ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાંસને હરાવ્યા બાદ આ ઉજવણી અવિરતપણે ચાલુ છે. આર્જેન્ટિનાના ફૂટબોલ એસોસિએશને માહિતી આપી હતી કે વિશ્વ ચેમ્પિયન ખેલાડીઓ પણ અહીં આવશે અને ચાહકો સાથે ઉજવણીમાં સામેલ થશે.