SURAT

તમારા વિચારો કોઈનાથી પ્રભાવિત થાય છે ખરા?

વિશ્વભરમાં દર વર્ષે 22 ફેબ્રુઆરીને વર્લ્ડ થીંકીંગ ડે ( વિશ્વ ચિંતનદિવસ) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને મનાવવાની શરૂઆત તો ગર્લ ગાઈડ અને ગર્લ સ્કાઉટ્સ વિશે ચિંતન માટે થઈ હતી. આ દિવસે અન્ય દેશો અને સંસ્કૃતિની સરાહના કરવા અને વૈશ્વિક ચિંતાઓ પર સમાનરૂપથી વધતી જાગૃતિ અને સંવેદનશીલતાના મુદ્દા પર વાત કરવામાં આવે છે. જો કે, આપણે અહીં આ વાત નથી કરવી પણ આપણે વાત કરવી છે આપણા વિચારો કોઈનાથી કે કોઈ બીજી વ્યક્તિથી પ્રભાવિત થાય છે ખરા? દરેક વ્યક્તિ પાસે વિચારશક્તિ છે એટલે તે પોતાની વિચારશક્તિ પ્રમાણે વિચારતી હોય છે અને તે વિચારો કોઈ બીજા સમક્ષ જાણે-અજાણે વ્યક્ત થાય ત્યારે તે બીજી વ્યક્તિ જે પ્રતિભાવ વ્યક્ત કરે ત્યારે આપણા વિચારોમાં બદલાવનું પરિણામ પોઝિટિવ કે નેગેટિવ આવતું હોય છે. આવો આપણે અહીં સુરતની કેટલીક એવી વ્યક્તિઓને મળીએ જેમના વિચારો બીજી વ્યક્તિઓથી પ્રભાવિત થયા છે અને તેનાં કેવાં પરિણામ આવ્યાં તે સુરતની આ વ્યક્તિઓ પાસેથી તેમના જ શબ્દોમાં જાણીએ.

ભાઈના ઈન્સ્પિરેશનથી જોબ પ્લેસમેન્ટનું કામ શરૂ કરી યુવાઓને જોબ અપાવી: અમિષા ગામીત
નવાગામ વિસ્તારમાં રહેતાં 38 વર્ષીય અમિષાબેન ગામીતે જણાવ્યું કે, ‘‘મારા મેરેજ વ્યારામાં થયા હતા જે એક નાનું પ્લેસ છે. અહીં મને જોબ નહીં મળે તેવું હું વિચારતી. ત્યારે મારા ભાઈ એલિયસ ગામીતે મને સુરતમાં જોબ કરવા મળે તે માટે તેમના ઘરમાં જ મને રહેવાની વ્યવસ્થા કરી આપી. હું સુરતમાં એક પ્રાઇવેટ ફર્મમાં જોબ કરવા લાગી હતી. એક દિવસ મને ત્રણ-ચાર યુવકોની વાત સાંભળવા મળી કે તેઓ કોરોનાને કારણે નોકરી વગરના થઈ ગયા છે અને આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. મેં આ વાત મારા ભાઈને કરી તો તેણે મને જોબ પ્લેસમેન્ટનું કામ શરૂ કરવા ઈન્સ્પાયર કરી. પછીથી મેં જોબ પ્લેસમેન્ટ માટેનું કામ શરૂ કર્યું. મેં છેલ્લાં દોઢ વર્ષમાં 1000થી વધુ યુવાઓને જોબ અપાવી છે.’’

હેરાનગતિની ફરિયાદ કરવાનો વિચાર મામાની પોઝિટિવીટીથી બદલાયો: કલ્પેશ બચ્છાવ
ડીંડોલી વિસ્તારમાં રહેતાં 25 વર્ષીય કલ્પેશ બચ્છાવ એસોસીએટ PRO છે. તેમણે જણાવ્યું કે, ‘‘કેટલાંક વર્ષો પહેલાં હું એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતો હતો. ત્યાં મારી સાથે અન્યાય થતો હતો. મારા એક સાથી કર્મચારીને મહત્ત્વ આપવામાં આવતું હતું જ્યારે મને ગણકારવામાં નહોતો આવતો, મારી અવહેલના કરવામાં આવતી હતી. મારી સાથે થઈ રહેલા અન્યાયની ફરિયાદ કરવાના વિચારની વાત મેં મારા મામા વિજયભાઈને કરી હતી. મારા મામાએ કીધું કે ફરિયાદ કરતા વાર નહીં લાગે પણ કમ્પલેન કરવા કરતાં તું એવું કાંઈક કામ કરી બતાવ કે તારી ગેરહાજરીમાં બીજાને તારું મહત્ત્વ સમજાય. મામાની આ પોઝિટિવ વાત મારા ગળે ઊતરી ગઈ અને મેં ફરિયાદ કરવાનો વિચાર માંડી વાળી ખૂબ જ દક્ષતાથી, લગનથી કામ કરી બતાવ્યું. મારી ઉપેક્ષા કરનારી એ વ્યક્તિઓ મારી સરાહના કરવા લાગી.’’

સત્યને વળગી રહેવાના મારા વિચારો ગાંધીજી, યુધિષ્ઠિરથી પ્રભાવિત છે: ડૉ. કિરણ પંડ્યા
શહેરના ભટાર વિસ્તારમાં રહેતાં 63 વર્ષીય ડૉ. કિરણ પંડ્યા સેવાનિવૃત્ત અધ્યાપક છે. તેમણે જણાવ્યું કે, ‘‘જુદા-જુદા વિચારો જુદી-જુદી વ્યક્તિઓથી પ્રભાવિત થતા હોય છે. મારો વિચાર રહ્યો છે કે સાચું બોલવાની હિંમત કેળવવી જોઈએ. તેના પ્રેરણાસ્ત્રોત મહાભારતના યુધિષ્ઠિર અને વિદુર રહ્યા છે તો પ્રવર્તમાનમાં મહાત્મા ગાંધીજી રહ્યા છે. તેઓ સાચું બોલી શકતા હતા. હું સત્યના પક્ષે રહ્યો જ છું. હા, એને કારણે અમુક જગ્યાએ તમારી સ્વીકૃતિ ઓછી થાય છે પણ તેનો ફાયદો એ રહે છે કે ખોટા પક્ષે આ રહેશે નહીં તેનો ખ્યાલ લોકોને આવી જાય છે. તેનાથી આપણી એક અલગ ઓળખ ઊભી થાય છે. જ્યારે તટસ્થ કે ન્યાયી રહેવાનું હોય ત્યારે આપણને લોકો યાદ કરે છે તે પણ એક ફાયદો રહ્યો છે.’’

હું ડલ છું એવું વિચારતી, લોકો પણ એ જ માનતા હવે હું કોન્ફિડન્ટ બની છું: અનિતા ગુપ્તા
શહેરના અલથાણ વિસ્તારમાં રહેતી 26 વર્ષીય અનિતા ગુપ્તા ફાયનાનશ્યલ એડવાઇઝર છે. અનિતાએ જણાવ્યું કે, છેલ્લાં 5 વર્ષમાં મારામાં ઘણું પરિવર્તન આવ્યું છે. એ પહેલાં મને સ્કૂટી ચલાવતા પણ આવડતી નહોતી. હું વિચારતી કે મારું કોન્ફિડન્સ લેવલ ઘણું નીચું છે. નજીકના લોકો પણ નેગેટિવ બોલતા કે હું જીવનમાં કાંઈ જ નહીં કરી શકું. આ વાતથી હું એટલી વ્યથિત થઈ હતી કે મેં વિચારી લીધું કે લોકોની આ મારા માટેની નેગેટિવિટીને હું પોઝિટિવીટીમાં ફેરવી નાખીશ. મેં એ કરી બતાવ્યું. આજે હું ફૂલ કોન્ફિડન્સથી સ્કૂટી ચલાવી શકું છું. વીડિયો એડિટિંગ કરી શકું છું, લોકોને ઇન્સટા પ્રોફાઈલ કઈ રીતે ધ્યાનાકર્ષક બનાવી શકાય તે પણ શીખવાડું છું. 5 વર્ષ પહેલાંની અનિતા અને આજની અનિતામાં જમીન-આસમાનનો ફરક છે.’’

મારા ફાધરે 121 વખત બ્લડ ડોનેટ કર્યું હતું તેમનાથી પ્રેરિત થઈ મેં 57 વખત કર્યું છે: મહેક ગાંધી
શહેરના પાર્લેપોઇન્ટ વિસ્તારમાં રહેતાં 37 વર્ષીય મહેક ગાંધી એડવોકેટ તથા નોટરી છે. તેમણે જણાવ્યું કે, ‘‘મારા ડેડી સ્વ. નરેન્દ્રભાઈ ગાંધીએ 121 વખત બ્લડ ડોનેટ કર્યું હતું. મારા ડેડી રક્તદાન જાગૃતિ માટે અભિયાન ચલાવતા, લોકોને રક્તદાન માટે પ્રોત્સાહન આપતા. તેમનાથી ઈન્સપાયર થઈને હું અત્યાર સુધીમાં 57 વખત રક્તદાન કરી માનવતાનું કાર્ય કરી રહ્યો છું. હું 18 વર્ષની ઉંમરે કોલેજના ફર્સ્ટ યરમાં હતો એ વખતે મેં ફર્સ્ટ ટાઈમ બ્લડ ડોનેટ કર્યું હતું. હું પહેલાં વર્ષમાં 4 વખત બ્લડ ડોનેટ કરતો. હવે વર્ષમાં બે વખત કરું છું. મારી વાઈફે પણ 5 વખત રક્તદાન કર્યું છે. મારા પિતા રક્તદાન શિબિરનું આયોજન કરતા. હું પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી રક્ત એકત્રિત કરું છું.’’

વજન ઘટાડવાના મારા વિચારને ડેડીએ યોગની દિશા બતાવી. આજે હું યોગ ટ્રેનર છું: હીના રંગુનવાળા
શહેરના રૂસ્તમપુરા વિસ્તારમાં રહેતાં 44 વર્ષીય હીનાબેન રંગુનવાળા યોગા ટ્રેનર છે. તેમણે જણાવ્યું કે, ‘‘મારા મેરેજ 21 વર્ષની ઉંમરમાં થયા હતા. મારી સેકન્ડ ડિલિવરી બાદ મારું વેટ વધી રહ્યું હતું અને ડાયજેશન સિસ્ટમ પણ ડાઉન થઈ ગઈ હતી. ત્યારે હું વેટ લોસ કરવાનું વિચારતી હતી અને મારા ડેડીએ મને યોગ શીખવાનું કહ્યું હતું. હું ટીવી ચેનલ પર યોગા જોઈ યોગ શીખવા લાગી. બાબા રામદેવ એક વખત સુરત આવ્યા હતા ત્યારે મેં તેમની યોગ શિબિર અટેન્ડ કરી હતી. પછી મેં યોગા ટીચરની ટ્રેનિંગ પણ લીધી અને ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ તરફથી પણ ટ્રેનિંગ લીધી હતી. હવે હું લોકોને યોગા શીખવાડું છું. મારા ઘરના સભ્યો પણ યોગા શીખ્યા. હું લોકોના મેન્ટલ સ્ટ્રેસને યોગના માધ્યમથી હળવા કરું છું.’’

દરેક વ્યક્તિના જીવનમાં બદલાવ આવતો હોય છે અને તે બદલાવ કોઈ બીજી વ્યક્તિના ઈન્સ્પિરેશનથી. દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે પોતાના ભવિષ્યને લઈને કે પછી નવા પલાનિંગને લઈને વિચારતી હોય છે. આ વિચારો બીજા સમક્ષ વ્યક્ત થઈ જાય અને તે તમારા વિચારને લઈને સલાહ આપે ત્યારે પ્લાનિંગ કે વિચારોને નવી દિશા મળે છે અને વ્યક્તિના જીવનમાં નવો બદલાવ આવતો હોય છે. સુરતમાં પણ એવા કેટલાય લોકો છે જેમના જીવનમાં કોઈ બીજી વ્યક્તિ પ્રેરણા બનીને આવી અને કાંઈક કરી બતાવવા માટે દિશા બતાવી. આજે પણ આવા લોકો તેમના પ્રેરણાસ્ત્રોત વ્યક્તિઓને યાદ રાખી તેમના પ્રત્યે કોઈ ને કોઈ માધ્યમથી આભારની લાગણી વ્યક્ત કરે છે.

Most Popular

To Top