Business

અછત, મોંઘવારી, ગરમી અને અનિશ્ચિતતાના દિવસો માટે તૈયાર છો?

ઘણા સમય પછી ઉચ્ચ મધ્યમ વર્ગના પગમાં રેલો આવવાનાં એંધાણ છે. દેશની તમામ સમસ્યાઓમાં વિપક્ષને ગાળો દઈ અને સત્તા પક્ષની વિના કારણે તરફદારી કરી ઓટલા પરિષદમાં વડા થતાં લોકો હવે મુંઝાયાં છે. કારણ કે ગેસના બાટલા અને પાઈપ ગેસ બન્નેમાં તકલીફ પડવાનાં એંધાણ છે. પેટ્રોલ તો સિત્તેર રૂપિયે હતું ત્યારે મોંઘું હતું. છેલ્લાં ઘણાં વર્ષોથી છન્નુ રૂપિયે સસ્તું મળી રહ્યું હતું તે હવે સોનો આંક વટાવશે ત્યારે મોંઘવારી ગણાશે કે નહિ તે તજજ્ઞો વિચારી રહ્યા છે. અમેરિકાના હુમલાઓમાં માત્ર માનવહત્યા નથી થઇ રહી. કુદરતી સંપત્તિનો પણ નાશ થઇ રહ્યો છે. વળી આ હિંસાચારમાં શસ્ત્ર અને સત્તાના જોરે અમેરિકા જે દાદાગીરી કરી રહ્યું છે તે બદલાની ભાવનાના લાંબાગાળાના હુમલા અને અસંતોષ જન્માવશે તે નક્કી છે.

ભારતમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ દ્વારા કાશ્મીર પહેલગામના ટુરિસ્ટ પર હુમલો થયો, નિર્દોષ લોકો માર્યા ગયાં અને ભારતે બદલામાં જ્યાં આતંકી કેમ્પ છે ત્યાં હુમલા કર્યા. માત્ર આતંકીઓને સજા આપવાનું શરૂ કર્યું તો પણ છેક અમેરિકાથી ટ્રમ્પ બોલ્યા કે યુદ્ધ રોકો. તેમણે જાહેરાત કરી કે ભારત પાક હવે યુદ્ધ નહીં કરે અને શાંતિ થઇ ગઈ! ભારતે જે પાકિસ્તાને પચાવી પાડ્યો છે તે ભારતના જમીન વિસ્તારમાં ચાલતા આતંકી અડ્ડાઓ પરના હુમલા પણ ટ્રમ્પના કહેવાથી બંધ કર્યા. શું આપણા વડાપ્રધાનના કહેવાથી ટ્રમ્પ અને ઈઝરાઈલના નેતાન્યાહુ ઈરાન પર હુમલા બંધ કરી દેશે? ના. આ ફેર છે. જે આપણે સમજવો પડશે.

ભારતમાં ઉનાળામાં મધ્યમ અને ઉચ્ચ વર્ગ યુરોપ કે કેનેડા અમેરિકા ફરવા જાય છે. આ વિદેશ પ્રવાસનો મુખ્ય માર્ગ મધ્ય એશિયા અને એમાં પણ દુબઈ, અબુધાબી, દોહા એ મુખ્ય એરપોર્ટ છે અને માર્ગ પણ ઈરાનવાળો જ છે. હવે જો આ યુદ્ધના ઓછાયા લંબાય તો પહેલી વાત તો બિચારાં ધનિકો યુરોપના ઠંડા પ્રદેશમાં જઈ ના શકે. વળી અહીં ઘરે પણ ગેસ અને પેટ્રોલની તંગી ઉદ્ભવે તો ઉનાળો કાઢવો અઘરો પડે અને આ વિદેશનીતિની ચર્ચામાં ગુજરાતમાં પાણીની તંગી થશે તેના આયોજનનું શું? નેતાઓ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પડ્યા છે.

સત્તા જોઈએ છે પણ શાસનનું શું? એ તો અધિકારીઓ ચડી બેઠા છે. ટૂંકમાં હજુ તો માર્ચ છે અને કુદરત માર્ચ અંતમાં હિસાબો પતાવવાના મુડમાં હોય તેવું લાગે છે. આપણે હિંદુ મુસ્લિમ અને લવ જેહાદ કે અશાંત ધારાની ચર્ચામાંથી બહાર આવી આખી દુનિયામાં ચાલતી શસ્ત્ર જેહાદ અને સત્તાની સાઠમારીને કારણે ઉદ્ભવેલા અશાંત વિશ્વની ચિંતા કરવાની જરૂર છે. ભારત આવેલા ઈરાનના જહાજને અમેરિકાએ ઉડાવી દીધું. આપણે કાંઈ બોલ્યા નહીં. અમેરિકાના વડાને મારી નાખ્યો તો સચિવ કક્ષાએથી શોક સંદેશ પણ ઘણો મોડો થયો. આપણી રાજનીતિ અને વિદેશનીતિ સામે હવે પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે.

આપણે રાજનીતિથી બહાર આવીને  આવનારા સમયમાં સામાન્ય માણસનું જીવવું કેવું દુષ્કર બનવાનું છે તેની ચિંતા કરવા જેવી છે. જો મિડલ ઈસ્ટમાંથી ભારતીઓ પાછા આવે. પેટ્રોલની અછત અને ભાવવધારો સર્જાય, યુદ્ધને કારણે સુરક્ષાની અનિશ્ચિતતા વર્તાય અને અત્યારે બલોચ કે તાલીબાનો પાકિસ્તાનને હેરાન કરે છે, પણ આ લોકો કાલે પાકિસ્તાનમાં સત્તા સુધી પહોંચે તો આ તમામ ભારતના કાશ્મીરની સરહદે ઊભેલા છે એ સમજવું અને તે સ્થિતિ વિકટ બનશે. આપણે સામાન્ય પ્રજા તરીકે સામ્પ્રત સમયનું મૂલ્યાંકન કરવાની જરૂર છે  અને સરકારને વેળાસર પ્રશ્નો પૂછવાની જરૂર છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top