મહત્ત્વાકાંક્ષા, હરીફાઈ, પ્રેમમાં નિષ્ફળતા,ઘરમાં ઝઘડાનું વાતાવરણ, વધુ પડતો માનસિક શ્રમ, લાગણીશીલ સ્વભાવ, ભણતરનું દબાણ, જાતિય શોષણ, પાલતુ જાનવરનું મૃત્યુ અને આ બધાં કારણોમાં સૌથી મોટું કારણ કોઈ પણ પ્રકારની “ચિંતા” ના લીધે થતી સૌથી જટિલ અને કાતિલ માનસિક બીમારી એટલે ડિપ્રેશન.આ બીમારી નું કારણ પકડવું પણ એટલું જ જટિલ અને કઠિન છે. તમને કોઈ પણ રોગ હોય તો લોહી- પેશાબના રિપોર્ટ, એક્સરે, એમ. આર. આઈ. કે એક્સરે ફોટો પડાવી રોગનું નિદાન થઈ શકે છે પરંતુ ડિપ્રેશનનાં લક્ષણો અને એનું નિદાન એક નિષ્ણાત મનોરોગ ચિકિત્સક દ્વારા જ થઈ શકે છે.
ડિપ્રેશનથી પીડિત વ્યક્તિનો સૌથી મોટો શત્રુ હોય તો ખોટા વિચાર”(નેગેટિવ થીંકીંગ) અને ગર્ભિત ડર. શું થશે? કેવી રીતે થશે? ધાર્યું ન થશે તો? બદનામી થશે તો? કોઈ મારા વિશે ખોટું બોલશે તો? કોઈ મારી બુરાઈ કરશે તો? આ કામ ન થશે તો? જેને આવી ગર્ભિત બીક હોય એની માનસિક પરિસ્થિતિ ‘વિક! આવી ગર્ભિત બીક અને અસંખ્ય વિચારમાં ઘેરાઈને મનુષ્ય મગજનું બેલેન્સ ગુમાવે (કેમિકલ તત્ત્વો) છે, જેનાં લક્ષણોમાં દર્દીના માથામાં સણકા મારવા, અનેક પ્રકારના ભ્રમો પેદા થવા, કોઈ પણ કામમાં એકાગ્રતા ન લાગવી, વધુ પડતો ગુસ્સો કે રડવાનું મન થવું, ગભરાટ થવો, આંખો માં ગેપીનેસ” અને ચક્કર આવે છે એવું લાગવું, આત્મહત્યાની કોશિશ કરવી, જેવાં એટલાં બધાં લક્ષણો છે જેનું નિદાન નિષ્ણાત મનોરોગ ચિકિત્સક વગર શક્ય જ નથી.
તેઓની મનોરોગ વિષયમાં નિષ્ણાત અને અનુભવને આધારે લગભગ દર્દી કયા કારણથી ડિપ્રેશનમાં છે અને દર્દીના મગજને કઈ દવાની જરૂર છે તે જાણી લે છે. વધુમાં વધુ બે-ત્રણ વખત દવા ફેરબદલ કરીને દર્દીને જે દવા માફક આવે તે મુજબ રોજ કેટલી અને ક્યા સમયે એ દવા લેવી એનો “ડોઝ” નક્કી કરે છે. દર્દીને માનસિક રોગ સિવાય માથામાં કોઈ ગર્ભિત નુકસાન તો નથી ને એ ખાતરી કરવા વધુમાં વધુ માથાનો એક “સિટી સ્કેન” કરાવી લે છે. ડીપ્રેશનનું એક કારણ ટી. વી. સિરિયલો પણ છે, મોદીની નોટબંધી, કોરોના જેવી કૃત્રિમ આફત કે ભૂકંપ જેવી કુદરતી આફતોથી પણ કેટલાંય લોકો ડિપ્રેશનના શિકાર બન્યા. આજકાલ તો મોબાઈલ પણ ડિપ્રેશન માટે જવાબદાર બન્યો છે.ડિપ્રેશનના દર્દીને દવા સાથે માનસિક સપોર્ટ તેમજ પ્રફુલ્લિત વાતાવરણની સૌથી વધુ જરૂર પડે છે જે ઘરનાં સભ્ય કે નજીકનાં મિત્રો દ્વારા જ સંભવિત છે.
હંમેશા ડિપ્રેશનના દર્દી સાથે પ્રેમ સાથે પ્રેરણા આપે એવાં લોકોની જરૂર હોય છે. ડિપ્રેશનથી બચવું હોય તો (1) અન્યના દુઃખમાં એટલું પણ દુઃખી ન થવું જોઈએ કે એ દુઃખ આપણું બની જાય (2) તમે ગમે એટલા હોંશિયાર હો પરંતુ ઘર હોય કે ઓફીસ હદથી વધુ જવાબદારીનો બોજ ન ઉઠાવવો. (3) પારકી પંચાતમાં પડવું નહીં. (4) કોઈ પણ વસ્તુનો અતિશય મોહ રાખવો નહીં. નસીબમાં હશે તો મળશે જ. (5) લોકો શું કહેશે એ વાત પર કદી ધ્યાન ન આપવું. (6) “ના” પાડતાં શીખો. (7) જેઓની સંગતમાં મન વિચલિત થતું હોય તેઓની સંગત છોડો. (8)હદથી વધારે કોઈ પણ વ્યક્તિ પર ભરોસો ન કરવો. (9) બને તો ટી.વી. જોવાનું ઓછું કરો (10) વ્યાજથી પૈસા ન લેવા (11) તમારી કમજોરી કોઈને ન કહો.
સુરત – કિરણ સૂર્યાવાલા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.