Charchapatra

મોસમ માણવાની મજા ભૂલી રહ્યા છીએ?

પરસેવાથી રેબઝેબ થઇ જવાય તેવો ઉકળાટ ઘણા વખતથી અનુભવાય છે. રોજેરોજ ગરમીનો પારો કેટલે ગયો તે જાણવાની ઉત્કંઠા સૌ કોઈને રહે છે. પરંતુ ધોમધખતા તાપમાં ધરતી કે આકાશનું સૌંદર્ય પણ માણી શકાય છે. કેરીને કે ઠંડા પીણાને પણ વૈશાખ સાથે સગપણ છે તેવું ન કહી શકાય? પલટાતી ઋતુઓ સાથે પ્રકૃતિ પણ ભિન્ન ભિન્ન વેશભૂષા ધારણ કરે છે. તે માણવાની આપણી તૈયારી હોવી જોઈએ. શાળાના શિક્ષકે મનિયાને ઠંડી કે ગરમી બેમાંથી કઇ ઋતુ ગમે? તેવો પ્રશ્ન પૂછયો, મનિયાએ જવાબ આપતાં કહ્યું, સાહેબ, મને તો ઠંડીમાં ગરમીની ઋતુ ગમે અને ગરમીમાં ઠંડીની ઋતુ ગમે.

ત્રાહિમામ્ પોકરાવતી ગરમી કે ઉકળાટ પછી હવાની ઠંડી લહેરો અને મૌસમના પહેલા વરસાદના આગમન સાથે નાનપણમાં આનંદની કિકિયારીઓ કરી પલળવાની લિજ્જત સાથે ઘરની બહાર દોડી જતાં હોવાની નાનપણની યાદ હજી તાજી છે. વરસાદનું સૌંદર્ય, ધરતીની સોડમ અને આકાશની રંગછટાઓ માણી આનંદવિભોર થઇ જતાં પરંતુ કૃત્રિમ નગર જીવનમાં વરસાદ માણવાનો આનંદ ભૂલાતો જાય છે. મોસમ માણવાની તૈયારી આજના સમયમાં મહદ્દ અંશે નથી લાગતી. પોતાની તબિયત જાણે જલદી હવાઈ જાય તેવા ચવાણાની જેમ સાચવી રાખે છે. આજના માનવીએ પોતાના ચેન આરામની ઋતુઓ આવતી હોય તેવું લાગે છે. પરંતુ કુદરતનું સાન્નિધ્ય ટકાવી રાખો. વરસાદને માણો. છત્રી કે રેઇનકોટને છાતીસરસાં ચાંપી રાખવાની જરૂર નથી.બહાર નીકળજો, યાદ રાખજો, વર્ષા તમારી રાહ જુએ છે.
સગરામપુરા, સુરત – અબ્દુલ્લા એ. હાફેઝજી આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

18 થી 81 વર્ષ સુધીની મારી ‘ગુજરાતમિત્ર’ની જ્ઞાનયાત્રા
18 વર્ષે લગ્ન થઇ ગયાં હતાં. પિયરમાં તો પેપર આવતું જ નહોતું. મારા પતિ એમની ઓફીસનું પેપર ઘેર મંગાવતા અને 10 વાગે સાથે લઇ જતા જેથી લગભગ બેચાર કલાક ચિત્ત પેપરમાં જ રહેતું અને જુનવાણી સાસુની ના હોવા છતાં તેમનાથી ચોરીછૂપીથી પેપર ઉપર ઉપર નજર કરી લેતી. સવારના કામના વખતમાં બહુ પેપર વાંચે તેવું તો તેમણે વિચારે જ નહોતું. એકાદ કલાકમાં એ સમયે ‘ગુજરાતમિત્ર’માં સરોજબહેન પાઠકનું લખાણ આવતું તેના પર નજર નાંખી લેતી. ચર્ચાપત્રો કે બીજી કોઇ કોલમની તો ખબર જ નહોતી.

આજે હું ‘ગુજરાતમિત્ર’માં ચર્ચાપત્રો ……લખી શકું છું તેનો જશ ‘ગુજરાતમિત્ર’ના નરેન્દ્ર જોષી અને રેખાબહેન પટેલને આપું છું. સાહિત્ય સંગમમાંથી 123 નંબરનું લેખન માટેનું ઇનામ પણ મને પ્રાપ્ત થયું, જે મેં ધારેલું પણ નહિ. એનો ઉલ્લેખ ‘ગુજરાતમિત્ર’માં થયો હતો માટે આભાર. સાહિત્ય સંગમવાળા શ્રી જનકભાઈ નાયક અંતિમ સમય સુધી લખતા રહ્યા હતા. હું પણ તેમની જેમ પ્રભુને પ્રાર્થના કરું છું કે હાથમાં ‘ગુજરાતમિત્ર’ હોય અને પ્રભુ મને બોલાવે એવી પ્રભુ પાસે અભ્યર્થના.
સુરત     – પ્રભા પરમાર આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top