થોડા દિવસથી ગુજરાતમાં મુખ્ય સમાચારમાં કોઈ પટ્ટાઓ ઉતારી દેવાની તો કોઈ સંસ્કારની વાતો ચાલે છે. સામાન્ય રીતે સવાલ સત્તા પક્ષને કરવાના હોય. વિરોધ પક્ષ મોટે ભાગે જનહિત માટે વાતો કરતા હોય કેમ કે તેઓ સત્તાથી વિમુખ હોય છે. સરકારનાં સારાં કાર્યોમાં સમર્થન હોય પણ જ્યાં સરકારની ૧૦૦ ટકા નિષ્ફળતા કે અંધ વ્યક્તિને દેખાઈ જાય તેવી ભૂલ હોય અને તો પણ કોઈ પણ જવાબદારી લેવાની જગ્યાએ દર વખતે તમને ભૂતકાળમાં લઈ જાય,તમને ધર્મની વાતોમાં ભેરવી જાય તો પછી પ્રજાની સમસ્યા ઉઠાવશે કોણ? ત્રણ દશકથી સત્તામાં રહ્યા પછી પણ જો ૭૦ વર્ષની જ વાતો સાંભળવાની હોય તો પછી જેમ ચાલે છે એમ ચાલવા જ દો.
રહી વાત સંસ્કારની, તો સત્તા પક્ષના કેટલા નેતાઓ,કેટલાય મળતિયાઓ ન બોલવાનું બોલ્યા છે અને ન કરવાનાં કેટલાંય કાર્યો કર્યાં છે. પ્રજા બધું જ જાણે છે.શું મજબૂરી છે પ્રજાની એ તો પ્રજા જ જાણે કે આટલી સમસ્યાઓ છતાં સત્તા પક્ષને સત્તા કેવી રીતે મળે છે? પણ જો ફક્ત સત્તામાં રહેવું કે ચૂંટણી જીતવી એ જ સાચા હોવાની સાબિતી હોય તો પણ પછી વધુ સાચો અને પહેલો સાચો પક્ષ તો કોંગ્રેસ જ થાય ને કેમ કે ૭૦ વર્ષ એ પણ ચૂંટણી જીતીને જ સત્તામાં રહ્યા હતા. પોલીસ પરિવારના સભ્યો પોલીસના સમર્થનમાં આવ્યાં એ પણ સારી વાત છે.
પરંતુ કેટલાય પોલીસ મિત્રો પોતાની આવક સિવાયની બે નંબરની આવક મેળવે છે એ વાત પણ ક્યાં છુપાયેલી છે.તમારે સરકારની વાત માં આવીને પ્રદર્શન કરવા જ છે તો હવે આજ સરકારને કહો કે આપણા કોન્સ્ટેબલ ભાઈઓ,પી.એસ.આઇ ભાઈઓ અને અન્ય પોલીસ કર્મીઓ ન પગાર વધારા, એમને મળતા ભથ્થા વધારા,એમનાં બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરે તો આપણા કોઈ પોલીસ મિત્રોએ ઉપરની આવકની જરૂર જ ન રહે.બીજું, સૌથી અગત્યનું કે ઘણી વાર તો ઉપરની આવક હજુ ઉપર મોકલવાની હોય છે અને એના માટે બદનામ આપણા પોલીસ થાય છે. પ્રજા જ જાગે. પોતાનું મૂલ્ય જાણે તો જ આ સમસ્યાનું થોડું ઘણું નિરાકરણ આવશે, બાકી પછી લોકશાહીમાં પ્રજા જ રાજા છે એ ફક્ત સૂત્ર જેવું છે અને હકીકતમાં લોકશાહીમાં પ્રજા મૂર્ખ છે એ હકીકત જેવું છે.
સુરત – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.